બગસરા નજીક ભાડેર ગામે મહિલા અને કિશોર પર દિપડા દ્વારા હુમલો

બગસરા,બગસરા નજીકના આવેલા ભાડેર ગામે દિપડા દ્વારા વહેલી સવારે એક મહિલા અને કિશોર પર હુમલો કરવામાં આવતા બંને ઘાયલ હાલતમાં બગસરા સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં તેમને સારવાર આપવામાં આવી હતી. ફરી બગસરા નજીકના વિસ્તારમાં દીપડાઓ દેખા દેતા ખેડૂતો માં ભયનો માહોલ ફેલાયો છે.
વિગત અનુસાર બગસરા નજીક આવેલા ધારી તાલુકાના ભાડેર ગામે આજે સવારે ખેતરમાં રસીલાબેન વજુભાઈ રફાળીયા ઉંમર 40 તેમજ તેમના પુત્ર ગૌરાંગ વજુભાઈ રફાળીયા ઉંમર 17 કામ કરી રહ્યા હતા તે દરમિયાન દિપડા દ્વારા તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો જેમાં બંને ઘાયલ હાલતમાં બગસરા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બંનેને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. ફરી બગસરા નજીકના વિસ્તારમાં દીપડાએ દેખા દેતા ખેડૂતોના જીવ પડીકે બંધાયા હોવાનું જાણવા મળ્યુ છે.