અમરેલી, અમરેલી એસઓજીની ટીમ દ્વારા બગસરા તાલુકાના હાલરીયા ગામેથી 1 કીલો 450 ગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખસની ધરપકડ કરવામાં આવી છે. સ્થળ પરથી ગાંજાના વેચાણ માટેના સાધનો પણ મળી આવ્યા હતા.
આ અંગેની વિગતો આપતા સ્પેશ્યલ ઓપરેશન ગૃપના પીએસઆઈ એસ. આર. શર્માએ જણાવ્યું કે, અમરેલી એસઓજીની ટીમ એટીએસ ચાર્ટર લગત કામગીરી માટે પેટ્રોલીંગમાં હતી ત્યારે બગસરા તાલુકાના હારીયા ગામે આવેલી શેત્રુંજી નદીના કાઠા વિસ્તારમાં રહુેતો કાના ભગાભાઈ માધડ પોતાના રહેણાંકના મકાનમાં ગાંજો રાખીને તેનું વેચાણ કરતો હોવાની બાતમી મળી હતી. આ અંગેની જાણ થતા જ એસઓજી દ્વારા આરોપીના મકાનમાં રેડ કરવામાં આવી હતી અને તેમાંથી 1 કીલો 450 ગ્રામ ગાંજો તેમજ તેને જોખવા માટે ડિઝિટલ વજનકાંટો વગેરે મળીને કુલ રુ. 15 હજારના મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી દ્વારા આ જથ્થો કોની પાસેથી મેળવવામાં આવ્યો હતો અને કોને કોને વેચાણ કરવામાં આવ્યું છે તથા કેટલા સમયથી તે ગાંજાનું વેચાણ કરતો હતો તે સહિતની વિગતો માટે કડક પૂછતાછ હાથ ધરવામાં આવી છે.