બજારોમાં સન્નાટાનું કારણ કોરોના નથી પણ ઓન લાઈન વેચાણ છે?

બજારો હજુ સૂમસાા દેખાય છે. ખરીદી છે પણ બહુ સામાન્ય. ગામડાઓનું હટાણુંય ઓછું થઈ ગયું છે. આ દિવાળીના તહેવારોમાં  ઓનલાઇન રિટેલર્સ આક્રમક ભાવનીતિ અને જંગી ડિસ્કાઉન્ટ્સ દ્વારાવેચાણમાંથી ભાગ પડાવી જતા હોવાની ફરિયાદ દેશભરના ચાર કરોડ દુકાનદારોનું પ્રતિનિધિત્વ હોવાનો દાવો કરતા વેપારી  ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા વ્યાપાર મંડળ નામના સંગઠને સરકારને કરી છે. આ ફરિયાદના મૂળમાં જઈએ તો ગ્રાહકોના સસ્તા ભાવે માલ અને સેવા મેળવવાના મૂળભૂત અધિકારનો મુદ્દો અને કેટલાક એવા સવાલો સામે આવે છે જેનો જવાબ  ઉત્પાદકો, ઓનલાઇન રિટેલર્સ તથા બેન્કોની ત્રિપુટીએ આપવાનો રહે છે.

ગ્રાહકોને જંગી ડિસ્કાઉન્ટ્સ ઓનલાઇન રિટેલર્સ દ્વારા ઓફર કરવામાં આવે ત્યારે ગ્રાહકના મનમાં સામાન્ય શંકા જાગે કે દુકાનદાર- વેપારી આ ડિસ્કાઉન્ટ્સથી તેને વંચિત રાખી પોતાનો નફો વધારે રાખે છે. પરંતુ રમત ઊંડી છે. ઓનલાઇન રિટેલર્સ એક એગ્રીગેટરની ભૂમિકા દ્વારા અનેક ઉત્પાદકોનો માલ મેળવીને વેચતા હોવાથી તેમનો જે ખર્ચ બચે તેનો એક હિસ્સો તેઓ ગ્રાહકોને ડિસ્કાઉન્ટ્સ સ્વરૂપે આપે છે. ઓનલાઇન રિટેલર્સના જેવી આવી સંગઠન શક્તિ શા માટે દુકાનદારો પણ વિકસાવી શકે નહીં? એગ્રીગેટરની સ્વીકૃતિ ખેડૂતો અને સહકારી મંડળીઓમાં પણ વધી રહી છે ત્યારે રિટેલર્સ અને હોલસેલર્સ પણ પોતાનામાંથી કોઈ એક અથવા તેથી વધુને એગ્રીગેટર બનાવે તો ઓનલાઇન રિટેલર્સ સામે સારી રીતે સ્પર્ધા થઇ શકે જેનો લાભ તેમને અને ગ્રાહકો- બન્નેને મળે.

ફેડરેશને ઈ-રિટેલર્સ દ્વારા જંગી ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવતું હોવાની ફરિયાદ કરી છે તે પણ નવી નથી. વિદેશી ઉત્પાદકો તેમનો માલ તેમની ઉપ્તાદન કિંમતથી નીચા ભાવે બીજા દેશમાં વેચે ત્યારે તેની સામે ડમ્પિગની ફરિયાદ થઇ શકે છે અને આંતરરાષ્ટ્રીય કાયદા મુજબ જ્યાં તે ઠાલવવામાં આવતો હોય તે દેશની સરકાર એન્ટી ડમ્પિગ ડ્યુટી દ્વારા સ્થાનિક ઉત્પાદકોને રાહત આપે છે.  પરંતુ  સ્થાનિક સ્તરે ઉત્પાદકો દ્વારા જંગી ડિસ્કાઉન્ટ આપવામાં આવતું હોવાની ફરિયાદ થાય ત્યારે જંગી ડિસ્કાઉન્ટની કોઈ કાયદાકીય વ્યાખ્યા થઇ નથી  આ સ્પષ્ટતા નહીં થાય ત્યાં સુધી વેપારીઓની અન્યાયની ફરિયાદ ચાલુ રહેશે.

બજાર જેમ જેમ સંગઠિત બનીને વિકસતું રહે તેમ સ્પર્ધાના પરિબળો મજબૂત બનતા રહે છે. બજારમાં ગ્રાહક સહિત સૌને માટે એકસમાન તક (લેવલ પ્લેઈંગ ફિલ્ડ) હોય તેવી સ્પર્ધા મળતી હોય તે બજારની પરિપક્વતાની નિશાની છે.  સરકાર અને નિયમનકારની ભૂમિકા આ સ્પર્ધા કાયદા અને નિયમોની હદમાં રહીને તંદુરસ્ત રહે તે જોવાની છે. પણ બેન્કો જયારે ઉત્પાદકો અને ઓનલાઇન રિટેલર્સની સાથે મળીને ઉત્પાદકના ગ્રાહકને માસિક હપ્તામાં રાહતની ઓફર કરે ત્યારે એક બિનતંદુરસ્ત સ્પર્ધા નિર્માણ થાય છે.  ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા વ્યાપાર મંડળ અને કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (કેઈટ) જેવા સંગઠનો પાસે સ્પર્ધા પંચ (કોમ્પિટિશન કમિશન)ને ફરિયાદ કરવાનો વિકલ્પ છે. સરકારે પણ આવી કોઈ પ્રથાની સ્વયં નોંધ લઈને  ગ્રાહકોને ખેંચી જતા હોવાની ફરિયાદના કાયમી નિવારણનો માર્ગ શોધવો જોઈએ.

લોકડાઉનને કારણે રિટેઈલરોને નુકસાન પણ ઘણું ગયું છે. હમણાં ફ્યુચર ગ્રુપ ગોથે ચડી ગયું એની વાત કોર્પોરેટ જગતમાં ચર્ચામાં છે. ત્રણ દાયકાની જહેમતથી સ્થાપના કરીને જમાવેલા ફ્યુચર ગ્રુપના સામ્રાજ્યને રિલાયન્સ ગ્રુપને વેચી દેવાની ફરજ પડી તે પછી તેના સ્થાપક કિશોર બિયાની દિશાભાનમાં અટવાયા હોય તેમ કહ્યું છે કે, રાષ્ટ્રીય સ્તરે વિકસવા કરતા સ્થાનિકમાં જ ટકી રહેવું એ તેમને મળેલો બોધપાઠ છે. તેમની આ વિચારધારા રિલાયન્સ ગ્રુપના પ્રણેતા ધીરુભાઈ અંબાણીની થિંક બિગ (મોટા સ્વપ્ન સેવવા) અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની “લોકલ ટુ વોકલ” (સ્થાનિકથી આંતરરાષ્ટ્રીય સ્તરે વિકસવાના)થી વિપરીત છે. કદાચ, આ તેમની અત્યારની મનોદશાનું પ્રમાણ હશે, પણ બિયાનીના અને તેમના જેવા અનેક ઉદ્યોગપતિઓના ઘણા ઉદાહરણો આપી શકાય જેઓ નાના સ્તરેથી વિકસીને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે છવાયા છે. બિયાનીના ફ્યુચર ગ્રુપની સાથે એમેઝોને સહયોગ કર્યો તે જ તેમના રિટેલ ક્ષેત્રે કાઢેલા ગજાનું પ્રમાણ છે.

બિયાનીએ આત્મનિરીક્ષણ કરતા એમ પણ કહ્યું કે, એક સાથે એકથી વધુ ધંધામાં વૈવિધ્યકરણ અને વિસ્તરણ કર્યું તે તેમની એક ભૂલ હતી. આ તેમનો વ્યક્તિગત અનુભવ હોઈ શકે, તેને એક  નિયમ તરીકે સ્વીકારી શકાય નહીં. માર્ચના અંતથી લોકડાઉનના કારણે ફ્યુચર ગ્રુપે તેના સ્ટોર્સ બંધ રાખવા પડ્યા જેમાં તેમને આવકમાં રૂ. 7,000 કરોડની ખોટ ગઈ અને આ ગ્રુપ ખોટના તથા દેવના ખાડામાં ઉતરી ગયું તેમ બિયાનીએ સ્વીકાર્યું છે. કોવીડે ભારતના અને દુનિયાના અર્થતંત્રને વિક્ષુબ્ધ કરી નાખ્યું છે ત્યારે તેમાં અનેકના ભોગ લેવાયા છે.  પરંતુ બિયાનીને આમાં જે આ બોધપાઠ મળ્યો તે નાનામોટા રિટેલર્સએ જીવનમાં ઉતારવા જેવો છે. ધંધામાં કોવિડના જેવી આસમાની-સુલતાની આવી શકે છે. આમાંથી ઉગરવા માટે ધંધાનું વૈવિધ્યકરણ એક વિકલ્પ બની શકે છે.

બિયાનીને ડિજિટલના મહત્વને સ્વીકાર્યું છે. ફ્યુચર ગ્રુપ આ બાબતમાં સમયની સાથે રહ્યું છે ત્યારે આ બોધપાઠ એવા વેપારીઓ માટે  છે જેઓ હજી પણ ડિજિટલ અને ઓનલાઈનના વિકલ્પથી સલામત અંતર રાખે છે જેમાં તેઓ વિકસતા રહી જાય છે. બિયાનીએ ગઈ ગુજરીને એક દુ:સ્વપ્ન સમજીને ભૂલી નવેસરથી આરંભ કરે તો તે એક નવું મેનેજમેન્ટ લેસન બની રહેશે. આપડા અમરેલીમાં પણ આપડે બહુ ઊંચામાં ચાલતા લોકોને ખોવાઈ જતા જોયા છે અને રાજકમલ ચોકમાં ઠેબા ખાતા લોકોને ઊંચામાં ચાલતા પણ જોયા છે. છુટક વેપારીઓ જો પુરુષાર્થ કરશે તો તેઓ ઊંચામાં ચાવવાના જ છે.