બધી રીતે કોરોનાનો સેકન્ડ રાઉન્ડ ભારતીય પ્રજાને બહુ ભારે પડ્યો છે

થોડીક હળવાશ અનુભવતા ઘણા લોકો એમ માનવા લાગ્યા છે કે હવે કોરોનાકાળ પૂરો થયો. હકીકતમાં હજુ કોરોનાનો નવો રાઉન્ડ પણ આવી શકે છે. ભારતીય વેરિએન્ટની માયાજાળથી કોવિડના કેસોમાં ઉછાળો આવ્યો હતો જે હવે ધીમો પડ્યો છે. આ સંદર્ભે વેક્સિનેશન પર ફરી ધ્યાન કેન્દ્રિત કરવા અને સામાન્યપણે રસીકરણને વધુ તીવ્ર બનાવવા પર ભાર મૂકાઈ રહ્યો છે. વેક્સિનેશનની સાથોસાથ માસ્ક પહેરવા, અને શારીરિક અંતર જાળવવા, વારંવાર હાથ ધોવા સહિતના સાવચેતીના અન્ય મહત્ત્વપૂર્ણ પગલાં પર ભાર મૂકાયો છે. ગઈકાલે વેક્સિનેશન અંગે સોશિયલ મીડિયામાં અનેક અફવાઓ વહેતી હતી.
બધી રીતે કોરોનાનો બીજો રાઉન્ડ ભારતને બહુ ભારે પડ્યો છે. અનેક દંપતીઓ સારવાર લેવા સાથે જ દાખલ થયા હોય અને થોડા દિવસો બાદ બન્નેના પ્રાણપંખેરુ ગગન મંડપને પેલેપાર કાયમ માટે ઉડી ગયા. સંક્રમણનો ઉછાળો આઠ રાજ્યોમાં સૌથી વધુ જણાયો હતો. આ રાજ્યોમાં પણ પ્રાદેશિક વૈવિધ્ય જોવાં મળી રહ્યું છે. કેટલાક જિલ્લાઓમાં સંક્રમણનું પ્રમાણ વધારે છે. આને ધ્યાનમાં લઈએ તો જ્યાં વેક્સિનની આવશ્યકતા વધારે હોય ત્યાં તેનો પુરવઠો પહોંચાડવો અને તમામને વેક્સિન આપવા માટે કેન્દ્ર સરકારે તનતોડ મહેનત કરી છે. જાહેર આરોગ્યની વિકટ પરિસ્થિતિમાં લોકજાગૃતિનું વિશેષ મહત્ત્વ છે. વેક્સિન લગાવવા વચ્ચેનો ગાળો વધારવામાં આવ્યો હોય ત્યારે પણ નાગરિકોને એ સમજાવવું જરુરી છે કે વેક્સિન રક્ષણ મેળવવા માટે જ છે. ઘણી વખત લોલેલોલ ચાલતું હોય છે. કોવિડમાંથી બહાર આવનારા લોકોના પ્લાઝમા કોવિડ સામે રક્ષણ આપી શકે કે સારવારમાં ઉપયોગી નીવડવાની બાબતે ખુદ ડોક્ટર્સ પણ મુંઝવણમાં રહ્યાં છે.
પ્લાઝમા માટે હેરાન થયેલા લોકોનો તો એક અલગ ઈતિહાસ છે. આવા પ્લાઝમા મેળવવા પેશન્ટ્સના પરિવારોએ ઘણી દોડાદોડ કરેલી છે. ઘણા વિલંબ પછી કેન્દ્ર સરકાર તરફથી એવું માર્ગદર્શન જાહેર કરવામાં આવ્યું છે કે પ્લાઝમા થેરાપી કોરોનાની સારવાર ઉપયોગી નથી. ઈન્ડિયન મેડિકલ એસોસિયેશન જેવી સંસ્થાઓ યોગ્ય માહિતી જાહેર કરીને આવી વિકટ પરિસ્થિતિને નિવારી શકી હોત. પરંતુ તેઓ થોડા પડ્યા છે. સામૂહિક અટકાવના પગલાં લેવાં માટે મોટા સમુદાયની સમજાવટ કરવાની હોય ત્યારે વારંવાર જાહેર હસ્તક્ષેપો કરવા પડે છે. ભારતમાં મહામારીના આરંભકાળ માર્ચ-એપ્રિલ 2020 માં કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા રોજ પ્રેસ બ્રીફિંગ કરાતું હતું જેનાથી ચાવીરુપ માહિતીના પ્રસારમાં ઘણી મદદ મળી હતી. આવી માહિતી આપવાનું ફરી શરુ કરાવું જોઈએ.મે મહિનાના આરંભે નવી વેક્સિનેશન નીતિ શરુ કરાઈ હતી પરંતુ, તેનાથી વેક્સિનના પૂરવઠાની અછત સર્જાતા પગલું બૂમરેંગ પુરવાર થયું છે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં કરેલા સોગંદનામા અનુસાર જુલાઈ સુધીમાં ભારતમાં વેક્સિનનું માસિક ઉત્પાદન 130 મિલિયન ડોઝથી પણ વધી જવાનું હતું. આના પરિણામે રોજિંદા ચાલીસ લાખ ઈન્જેક્શન આપી શકાય તેમ હતા. જોકે, આ કોઈ આશ્વાસનદાયી સ્થિતિ નથી. કેટલીક રાજ્ય સરકારોની ઈચ્છાને માન આપી કેન્દ્ર સરકારે જોરશોરથી અઢારથી ચુમ્માલિસ વયજૂથના લોકોને પણ વેક્સિનેશન કરવાની જાહેરાતો કરી દીધી અને આખી બાજી ડખે ચડી ગઈ. સરકારની સંનિષ્ઠ મહેનત અને રાષ્ટ્રવ્યાપી આયોજન છતાં થોડાક સમય માટે યુવાનોની લાઈનો દેખાઈ. મીડિયાએ એ લાઈનોને બહુ જ ચગાવી ને સરકાર પર કાદવ ઉછાળવાની પ્રવૃત્તિ કરી અને કોઈ પણ આધાર વિના ખાનગી ટીવી ચેનલોએ જાહેર કરી દીધું કે હવે વેક્સિનેશનનું લક્ષ્યાંક પહોંચી વળાતું નથી.
શરૂઆતમાં વેક્સિનના ઉત્પાદનના આંકડાઓ તરંગી રીતે પ્રગટ થયા હતા. એને આધારે રાજ્ય અને કેન્દ્ર સરકાર એમ માનવા લાગી કે સમયસર યુવાનોને પણ આવરી લઈ શકાશે. વેક્સિન ઉત્પાદનના અવાસ્તવિક ડેટાના આધારે રાજ્યોએ આવી ઈચ્છા દર્શાવી હતી. 45 થી વધુ વયના માત્ર 100 મિલિયન લોકોએ વેક્સિનનો પ્રથમ ડોઝ અને 23 મિલિયનથી ઓછાં લોકોએ તેમનો બીજો ડોઝ મેળવ્યો છે. આ હાલતમાં 18 – 44 વયજૂથની 590 મિલિયનની વસ્તીને તત્કાળ વેક્સિન આપી શકાય તેમ નથી. જો કેન્દ્ર સરકાર જુલાઈના અંત સુધીમાં પ્રાયોરિટી જૂથો માટે 600 મિલિયન ઈન્જેક્શનના મૂળ પ્લાનને વળગી રહી હોત તો “ન ઘરના ન ઘાટના’ જેવી પરિસ્થિતિ સર્જાઈ ન હોત. વિશ્વમાં વેક્સિનનું સૌથી વધુ ઉત્પાદન કરતી ભારતીય કંપની સિરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના વડા અદાર પૂનાવાલાએ કહ્યું છે તેમ વિશાળ વસ્તીના કારણે ભારતમાં વેક્સિનેશન અભિયાન બે કે ત્રણ મહિનામાં પૂર્ણ કરી શકાય તેમ નથી અને સમગ્ર વિશ્વની વસ્તીનું વેક્સિનેશન કરવામાં બે કે ત્રણ વર્ષ લાગી જશે.
આ સ્થિતિમાંથી બહાર આવવા સરકારે મહામારીનો સામનો કરવા આવશ્યક દવાઓ અને વેક્સિનના ઉત્પાદન માટે વધુ ફાર્મા કંપનીઓને પરવાનગી આપવી જોઈએ. યુએસની ફાઈઝર, મોડેર્ના, નોવાવેક્સ અને એસ્ટ્રેઝેનેકા વેક્સિન્સના તાકીદના વપરાશની છૂટ પણ આપવી જોઈએ જેથી વેક્સિન પુરવઠાની અછતમાં રાહત મળશે. ભારતને રાહત મળે તેવા સમાચાર એ કહી શકાય કે ડીઆરડીઓના સંશોધનોના પગલે કોરોના વિરુદ્ધ પાવડર સ્વરુપમાં 2-ડીજી દવા તૈયાર કરાઈ છે જેનો દસ હજારનો ડોઝનો પ્રથમ જથ્થો લોન્ચ પણ કરી દેવાયો છે અને ટુંક સમયમાં તેનું ઉત્પાદન પણ વધારી દેવાશે.આજકાલ સોશિયલ મીડિયા અને ખાસ કરીને વોટ્સએપ યુનિવર્સિટી ઘણી સક્રિય છે. ડોક્ટરો દ્વારા તેમના પેશન્ટ્સને જે પ્રીસ્ક્રિપ્શન્સ અપાયાં હોય તેના આધારે સારવારની સલાહોનો મારો ચાલતો રહે છે. કોઈ પણ સારવાર સાર્વત્રિક હોતી નથી.એક જ દવા બધાને એક સરખી લાગુ પડતી નથી. દરેક પેશન્ટની તાસીર કે બંધારણ અનુસાર તે બદલાતી રહે છે પરંતુ, લોકો આવી સલાહોને અનુસારી પોતાનું સ્વાસ્થ્ય બગાડે છે. સામાન્ય તાવતરિયાની સારવાર કરવાની હોય તેમ બોગસ ઉપાયો ફરતા રહે છે. ગામડાંમાં આનું પ્રચલન વધુ છે. આપણે સમજવાની જરુર છે કે કોવિડ સામાન્ય તાવ નથી. તેની વિશિષ્ટ સારવાર આપવી પડે છે. આના માટે પણ દેશના નાગરિકોને સ્પષ્ટ માર્ગદર્શન આપવું જોઈએ. સરકારની સાથોસાથ હોસ્પિટલો અને ડોક્ટર્સ પણ આ કામગીરી ઉપાડી શકે છે. એક બાબત ધ્યાનમાં રાખીએ કે આ સમય રાજકારણ ખેલવાનો નથી કે મહામારી વચ્ચે સતત કાર્યરત વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય નેતાગણ સામે આક્ષેપોની ઝડી વરસાવવાનો પણ નથી. આપણે યાદ રાખીએ કે “સાથી હાથ બઢાના, એક અકેલા થક જાયેગા, મિલકર બોજ ઉઠાના’નો મહામંત્ર જ આપણને કોરોના સામે વિજય અપાવશે.