બનારસમાં પક્ષીઓને દાણા ખવડાવવા શિખર ધવન પડી શકે છે ભારે, કાર્યવાહીના મૂડમાં તંત્ર

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન શિખર ધવન વારાણસી આવીને વિવાદોમાં ઘેરાતો હોય એવું લાગી રહૃાું છે. મૂળે, વારાણસીમાં બોટિંગ કરવા દરમિયાન તેણે વિદેશી પક્ષીઓને દાણા ખવડાવ્યા હતા. જ્યારે બર્ડ લૂને જોતાં જિલ્લા પ્રશાસને આવું કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. શનિવારે શિખર ધવનની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ જિલ્લા પ્રશાસને તેની ગંભીર નોંધ લીધી છે અને કાર્યવાહીના મૂડમાં જોવા મળી રહૃાું છે.

જિલ્લાધિકારી કૌશલ રાજ શર્માએ જણાવ્યું કે જે બોટથી શિખર ધવન નૌકા વિહાર માટે ગયો હતો તે નાવિક ઉપર પણ કાર્યવાહીની શરૂઆત કરવામાં આવી રહી છે. તેઓએ જણાવ્યું કે બર્ડ લૂ દરમિયાન વિદેશી પક્ષીઓને દાણા ખવડાવવા પર પ્રતિબંધ છે. પરંતુ શિખર ધવને પોતાના ઓફિશિયલ ટ્વીટરથી એક ફોટો ટ્વીટ કર્યું છે જેમાં તે દાણા ખવડાવતો જોવા મળી રહૃાો છે. એવામાં તસવીરની તપાસ કરવામાં આવી રહી છે.

નોંધનીય છે કે, વારાણસીમાં શિખર ધવને બાબા વિશ્ર્વનાથના દર્શન પણ કર્યા અને વિશ્ર્વ પ્રસિદ્ધ ગંગા આરતીમાં પણ સામેલ થયો. આ દરમિયાન પોતાની ઓળખ છુપાવવા માટે માસ્ક પણ પહેરી રાખ્યો હતો. જોકે તેમ છતાંય કેટલાક લોકોએ તેને ઓળખી લીધો. શિખર ધવને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટથી એક વીડિયો પણ શૅર કર્યો છે. શિખર ધવનની એક આવી તસવીર પણ વાયરલ ગઈ છે જેમાં તે ત્રિપુંડ લગાવેલો જોવા મળી રહૃાો છે. ત્યારબાદ બીજા દિવસે તેઓ ગંગામાં નૌકા વિહાર કરવા ગયો તો સાઇબેરિયાથી આવેલા યાયાવર પક્ષીઓને દાણા ખવડાવતી તસવીર તેણે પોતાની પ્રોફાઇલથી પોસ્ટ થયા બાદ વાયરલ થઈ ગઈ. જ્યારે વારાણસી જિલ્લા પ્રશાસને બર્ડ લૂના ખતરાના કારણે આ પક્ષીઓને દાણા ખવડાવવા પર પ્રતિબંધ મૂકી દીધો છે.