અમરેલી,
અમરેલીમાં શહેરની અર્ધા ભાગની મિલ્કતો ઉપર દાવો કરવાના મામલે બનાવટી જુના દસ્તાવેજો ઉભા કરી સરકાર સાથે છેતરપીંડી કરવાના દાખલ થયેલા ગુનામાં તપાસનીશ અધિકારી સીટીપીઆઇ શ્રી વીરેન્દ્રસિંહ ખેર દ્વારા બનાવટી દસ્તાવેજો રજુ કરનાર કુલ મુખત્યાર અરજદાર એવા યુસુફ મોતીવાલા સહિત બે શખ્સોની ધરપકડ કરી બંનેને ત્રણ દિવસના રિમાન્ડ ઉપર લીધા છે.
આ બંને શખ્સોએ પોતાને જમીનોના મુળ માલીક હોવાનું કહી દસ્તાવેજ આપનાર વલીભાઇ મેતર પાસેથી કુલ મુખત્યારનામું કર્યુ હોય આ દસ્તાવેજો વલીભાઇએ આપ્યા હોવાનું જણાવ્યું હોય આ દસ્તાવેજોમાં ખોટી સહીઓ કોણે અને કેવી રીતે કરી અને આ આખા પ્રકરણમાં બીજા કોણ કોણ છે તેની તપાસ માટે પોલીસ દ્વારા બંનેની પુછપરછ કરાઇ રહી છે અને વલીભાઇને શોધવાની પણ કાર્યવાહી શરૂ કરી હોવાનું જાણવા મળેલ છે.
દરમિયાન અહીં જે દસ્તાવેજો સરકારમાં રજુ કરવામાં આવ્યા છે અને એફએસએલની તપાસમાં તે બનાવટી નીકળ્યા છે તે પૈકીની કેટલીક ફોટો કોપી પણ અહીં જોઇ શકાય છે જેમાં સરદાર વલ્લભભાઇ પટેલની સહી, ડો. જીવરાજ મહેતાની સહીઓ છે.