બળાત્કાર કેસમાં કોર્ટ આરોપીને ભોગ બનનાર સાથે લગ્ન કરવાનું કહી શકે ?

ભારતમાં ન્યાયતંત્રની ભારે પ્રતિષ્ઠા છે અને સામાન્ય લોકોને હજુય ન્યાયતંત્રમાં વિશ્ર્વાસ છે. ન્યાયતંત્રમાં પણ હાઈ કોર્ટ અને સુપ્રીમ કોર્ટ પર તો લોકોને ભારે શ્રદ્ધા છે તેથી દેશના કોઈ રાજ્યની હાઈ કોર્ટ કે સુપ્રીમ કોર્ટ કોઈ વિવાદમાં ફસાય ત્યારે લોકોને આંચકો લાગે છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ શરદ એસ. બોબડેએ બળાત્કારના એક કેસમાં કરેલી કહેવાતી ટીપ્પણીના કારણે એવો જ વિવાદ પેદા થઈ ગયો છે અને સુપ્રીમ કોર્ટ વણજોઈતા વિવાદમાં ફસાઈ છે. ચીફ જસ્ટિસે સગીરા પર બળાત્કારના કેસના આરોપીને પીડિતા સાથે લગ્ન કરવા તૈયાર હોય તો મદદ કરવાની તૈયારી બતાવતી કોમેન્ટ કરી હતી એવો વિવાદ ઉભો થયો છે.

ચીફ જસ્ટિસની આ કહેવાતી કોમેન્ટ સામે મહિલા સંગઠનો તૂટી પડ્યાં હતાં. ચીફ જસ્ટિસ લગ્ન કરી લે તો બળાત્કારીને માફ કરી દેવાની વાતો કરીને મહિલાઓનું અપમાન કરી રહ્યા છે એવો વિરોધ શરૂ કરી દીધો. કહેવાતા બુદ્ધિજીવી, ચળવળકારીઓ, લેખકો, , પ્રતિષ્ઠિત નાગરિકો કલાકારો વગેરે પણ જોડાઈ ગયા. ચીફ જસ્ટિસ સામે સહી ઝુંબેશ શરૂ થઈ ને ચીફ જસ્ટિસ પોતાની કોમેન્ટ પાછી લઈને માફી માગે એવી માગણી શરૂ થઈ. કેટલાક અતિ ઉત્સાહી જીવોએ તો ચીફ જસ્ટિસ રાજીનામું આપી દે એવી ઝુંબેશ જ શરૂ કરી દીધી ને પાંચ હજાર લોકોની સહી સાથેનું આવેદનપત્ર પણ સુપ્રીમ કોર્ટને મોકલી આપ્યું. ચીફ જસ્ટિસે આ કહેવાતી કોમેન્ટ ૧ માર્ચે કરેલી ને ત્યારથી આ ધમાધમી ચાલતી હતી પણ સોમવારે વિશ્ર્વ મહિલા દિવસ હતો તેથી આ વાતે વધારે જોર પકડ્યું. સોશિયલ મીડિયા પર ટ્વિટ્સનો મારો ચાલ્યો ને કેટલીક અણછાજતી કોમેન્ટ્સ પણ થઈ.

યોગાનુયોગ સોમવારે ચીફ જસ્ટિસ બળાત્કારના એક બીજા કેસની સુનાવણી કરી રહ્યા હતા. બળાત્કારનો ભોગ બનેલી એક સગીરા ગર્ભવતી થઈ ગઈ છે ને તેના પેટમાં ૨૬ સપ્તાહનો ગર્ભ છે. આ છોકરીએ પોતાને ગર્ભપાતની મંજૂરી આપવા માટે અરજી કરી છે ને ચીફ જસ્ટિસની બેંચ તેના પર સુનાવણી કરી રહી હતી. ચીફ જસ્ટિસે મોકો જોઈને ચોખવટ કરી કે, પોતે ૧ માર્ચે મોહિતના બળાત્કારના કેસમાં જે કોમેન્ટ્સ કરી હતી તેનું ખોટું અર્થઘટન કરાયું છે. ચીફ જસ્ટિસના કહેવા પ્રમાણે કોર્ટને મહિલાઓ માટે માન છે અને એ સુનાવણી વખતે પણ બળાત્કારી છોકરી સાથે લગ્ન કરે એવું સૂચન અમે નહોતું કર્યું. અમે માત્ર પૂછ્યું હતું કે, છોકરી સાથે તું લગ્ન કરવાનો છે ? ચીફ જસ્ટિસની આ વાતથી કોઈને સંતોષ થયો નથી ને હોહા ચાલુ જ છે.

ચીફ જસ્ટિસ કહે છે એ રીતે આ વાતનું ખોટું અર્થઘટન કરાયું છે કે નહીં એ મુદ્દે આપણે પછી વાત કરીશું પણ પહેલાં તો આ કેસ શું છે એ સમજવું જરૂરી છે. આ કેસમાં મહારાષ્ટ્ર સ્ટેટ ઈલેક્ટ્રિક પ્રોડક્શન કંપનીનો કર્મચારી એવો ૨૩ વર્ષનો મોહિત સુભાષ ચવાણ આરોપી છે. મોહિત સામે આરોપ છે કે, તેણે સ્કૂલમાં ભણતી અને પોતાના સગામાં થતી છોકરીને હવસનો શિકાર બનાવીને તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. છોકરી સગીર વયની હોવાથી મોહિત સામે પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ (પોક્સો) એક્ટ હેઠળ આરોપો મુકાયા છે.

આ કેસ પહેલી નજરે બળાત્કારનો કેસ છે કેમ કે મોહિતે છોકરી સાથે બળજબરીથી શરીર સંબંધ બાંધ્યા હતા. આ દુષ્કર્મ બદલ તેને સજા થવી જ જોઈએ. છોકરી સગીર હતી તેથી મોહિતનો ગુનો વધારે મોટો છે પણ છોકરીના પરિવારના કારણે મોહિત બચી ગયો. કોર્ટમાં રજૂ કરાયેલા દસ્તાવેજો પ્રમાણે બળાત્કાર પછી છોકરી પોલીસ ફરિયાદ કરવા ગઈ ત્યારે દીકરાને બચાવવા માટે મોહિતની માતાએ દીકરાને છોકરી સાથે પરણાવવાની તૈયારી બતાવી હતી. છોકરી ૧૮ વર્ષની નહોતી તેથી બંને પરિવાર વચ્ચે છોકરી ૧૮ વર્ષની થાય ત્યારે તેને મોહિત સાથે પરણાવવાના કરાર થયા પણ છોકરી ૧૮ વર્ષની થઈ ત્યારે મોહિત ફરી ગયો. તેણે લગ્નનો ઈનકાર કરી દીધો ને બીજી છોકરીને પરણી જતાં છોકરીના પરિવારે બળાત્કારની ફરિયાદ નોંધાવી દીધી.

આ કેસમાં મોહિતે છોકરી પર બળાત્કાર ગુજારેલો એ સ્પષ્ટ હતું. આ સંજોગોમાં છોકરીના પરિવારે મોહિતના પરિવારની વાતોમાં આવી જવાના બદલે બળાત્કારની ફરિયાદ નોંધાવી હોત તો એ વખતે જ ન્યાય થઈ ગયો હોત. દીકરીને ન્યાય અપાવવાના બદલે છોકરીનો પરિવાર ખોટી આબરૂ બચાવવાના ચક્કરમાં ફસાયો તેમાં આ સ્થિતિ સર્જાઈ છે. છોકરીની જિંદગી સાથે રમત માટે છોકરીનો પરિવાર પણ દોષિત છે ને ખરેખર તો મોહિતની સાથે એ લોકોને પણ સજા કરવાની જરૂર છે. આપણે ત્યાં કાયદામાં એવી જોગવાઈ નથી એ કમનસીબી છે.

ચીફ જસ્ટિસે પોતાની વાતનું ખોટું અર્થઘટન કરાયું એવું કહ્યું છે પણ કમ સે કમ મીડિયામાં છપાયેલા રિપોર્ટ પરથી તો એવું લાગતું નથી. આ રિપોર્ટ કોર્ટના દસ્તાવેજોના આધારે લખાયેલો છે એ ન ભૂલવું જોઈએ. આ રિપોર્ટ પ્રમાણે ચીફ જસ્ટિસે આરોપીને કહેલું કે, તું છોકરીને પરણવાનો હોય તો અમે તને મદદ કરીશું પણ નહીં પરણે તો નોકરી ગુમાવીશ ને જેલમાં જઈશ. તેં છોકરીને ભોળવીને ગેરલાભ લીધો છે ને તેના પર બળાત્કાર કર્યો છે. તારે છોકરી પર બળાત્કાર કરતાં પહેલાં વિચારવાની જરૂર હતી કે, તું સરકારી નોકરી કરે છે. આ રિપોર્ટ પ્રમાણે ચીફ જસ્ટિસે એમ પણ કહેલું કે, અમે તને લગ્ન કરવા માટે દબાણ નથી કરતા પણ તારી શું ઈચ્છા છે એ કહે, બાકી તું કહીશ કે કોર્ટે તને લગ્ન કરવાની ફરજ પાડી છે.

આરોપી મોહિતે શું જવાબ આપ્યો એ પણ મહત્ત્વનો છે ને એ જવાબ જાણવો જરૂરી છે કે જેથી મોહિતે છોકરીની જિંદગી સાથે કેવી રમત કરી છે તેનો અંદાજ આવે. મોહિતે જવાબમાં કહેલું કે, પહેલાં હું તેને પરણવા માગતો હતો પણ તેણે ના પાડી. હવે હું તેની સાથે લગ્ન કરી શકું તેમ નથી કેમ કે મારાં લગ્ન થઈ ગયાં છે. હું સરકારી નોકર છું ને મારી ધરપકડ થશે તો હું તરત સસ્પેન્ડ થઈ જઈશ તેથી મને જામીન આપો.

ચીફ જસ્ટિસે મીડિયામાં છપાયેલા રિપોર્ટને નકાર્યો નથી પણ પોતાની વાતનું ખોટું અર્થઘટન કરાયું હોવાનું કહ્યું છે. ચીફ જસ્ટિસની વાત ગળે ઊતરે તેવી નથી. તેમનો ઈરાદો શુભ હશે ને એ છોકરીની જિંદગી ન બગડે એ માટે મોહિતને તેની સાથે લગ્ન કરવા કહેતા હોય એ શક્ય છે પણ એ સૂચન કાયદાની વિરુદ્ધ છે ને આઘાતજનક પણ છે. કોઈ છોકરીની મરજી વિના તેના પર બળાત્કાર ગુજારો ને પછી તેની સાથે લગ્ન કરી લો એટલે તમારો અપરાધ માફ ન થાય. અપરાધ એ અપરાધ છે ને તેની સજા મળવી જ જોઈએ. સુપ્રીમ કોર્ટનું કામ આવા અપરાધીઓને સજા કરવાનું છે ને પીડિતાને ન્યાય અપાવવાનું છે એ જોતાં સુપ્રીમ કોર્ટ આવું સૂચન કરે એ આઘાતજનક જ કહેવાય.

સુપ્રીમ કોર્ટનું આ કેસમાં વલણ બીજી રીતે પણ આઘાતજનક છે. મોહિત સામે બળાત્કારની ફરિયાદ થઈ પછી નીચલી કોર્ટે તેની ધરપકડ કરવા સામે સ્ટે આપેલો પણ હાઈ કોર્ટે મોહિતને બળાત્કારના કેસમાં ઉઠાવીને અંદર કરી દેવાનું ફરમાન કરેલું. તેની સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ થઈ ને સુપ્રીમ કોર્ટે મોહિતની ધરપકડ કરવા સામે એક મહિના માટે મનાઈહુકમ આપ્યો છે. મોહિતે પોતે કબૂલ્યું છે કે, છોકરી સાથે તેણે શરીર સંબંધ બાંધ્યો હતો એ સંજોગોમાં એ કોઈ દયાને લાયક જ નથી છતાં સુપ્રીમ કોર્ટ શા માટે તેના પર દયા બતાવે છે એ સમજવું અઘરું છે. ચીફ જસ્ટિસે પોતે કહ્યું છે કે, તારે છોકરીને ભોળવીને તેના પર બળાત્કાર કરતાં પહેલા વિચારવાની જરૂર હતી. સુપ્રીમ કોર્ટે તેને બળાત્કારી તરીકે સ્વીકારે છે પછી તેના પર દયા શા માટે ? તેને ઉઠાવીને જેલમાં નાંખવો જોઈએ ને? મોહિતનો જવાબ પણ કોર્ટના દસ્તાવેજોથી બિલકુલ અલગ છે. છોકરી પોતાની સાથે લગ્ન માટે ના પાડતી હતી એવી તેની વાત ખોટી છે છતાં સુપ્રીમ કોર્ટ તેના પર કેમ દયા બતાવે છે ?

હાઈ કોર્ટ અને સુપ્રીમ કોર્ટે કમ સે કમ બળાત્કારના કેસોમાં આકરું વલણ બતાવવું જ જોઈએ. થોડાક મહિના પહેલાં મુંબઈ હાઈ કોર્ટનાં એક મહિલા જજે સેક્સ્યુઅલ હેરેસમેન્ટના કેસમાં વિચિત્ર ચુકાદો આપેલો કે, શરીરથી શરીર ના સ્પર્શે એવા કિસ્સામાં મહિલા સાથેનું ગેરવર્તન સેક્સ્યુઅલ એટેક ના કહેવાય. સુપ્રીમ કોર્ટે આ ચુકાદા પર સ્ટે આપીને હાઈ કોર્ટની ભૂલ સુધારી હતી. હવે સુપ્રીમ કોર્ટ પોતે ચૂક કરી રહી છે ત્યારે તેણે જાતે જ પોતાની ભૂલ સુધારવી જોઈએ. આ કેસમાં હાઈ કોર્ટે યોગ્ય ચુકાદો આપેલો ને સુપ્રીમે તેને માન્ય રાખવો જોઈએ.