બાંગ્લાદેશમાં હિન્દુઓની કત્લેઆમ શરૂ થઈ એ ભારત માટે નવી ઉપાધિ

બાંગ્લાદેશમાં કોમી હિંસા ભડકી છે ને હિંદુઓને નિશાન બનાવીને છેલ્લા એક અઠવાડિયાથી હુમલા થઈ રહ્યા છે. બાંગલાદેશનો ઈતિહાસ કોમી રમખાણોનો છે ને કટ્ટરવાદી મુસ્લિમો હિંદુઓ પર હુમલા કરે તેમાં કશું નવું નથી. કટ્ટરવાદીઓને બહાનું જ જોઈતું હોય છે ને આ વખતે દુર્ગાપૂજા દરમિયાન ફરતી થયેલી ફેસબુક પોસ્ટનું બહાનું મળી ગયું. આ પોસ્ટમાં કુરાનનું કથિત અપમાન કરાયું હોવાનો દાવો કરીને કટ્ટરવાદીઓએ ચાંદીપુરના હાજીગંજ ઉપજિલ્લામાં દુર્ગાપૂજા સમારોહ માટે ઊભા કરાયેલા મંડપમાં તોડફોડ કરીને હિંદુઓને બેફામ મારી અત્યાચાર કર્યો ને હિંસાની શરૂઆત થઈ. આ ફેસબુક પોસ્ટના સમાચાર ફેલાતાં બીજા વિસ્તારોમાં પણ કટ્ટરવાદી મુસ્લિમો મેદાનમાં આવી ગયા ને દુર્ગા પૂજાના મંડપો પર હુમલા શરૂ થયા.

આ હુમલા પછી હિન્દુ મંદિરો પર હુમલા થવા લાગ્યા ને તેમાં હિંસા ફાટી નીકળી. કટ્ટરવાદીઓએ હિંદુ વિસ્તારોને નિશાન બનાવીને હુમલા શરૂ કર્યા ને આ હુમલા હજુય ચાલુ જ છે. હિંદુઓનાં સો જેટલાં ઘરોને સળગાવીને નાશ કરાયો હોવાનું કહેવાય છે. સત્તાવાર રીતે આ હિંસામાં ચાર લોકોનાં મોત થયાં અને સો જેટલાં લોકો ઘાયલ થયાં છે પણ બિનસત્તાવાર રીતે મૃત્યુ આંક વધારે છે. આ હિંસામાં કોણ મર્યા તેમનાં નામ જાહેર કરાયાં નથી પણ સ્વાભાવિક રીતે જ હિંદુઓને નિશાન બનાવાઈ રહ્યા છે તેથી  જેમનાં મોત થયાં કે ઘાયલ થયા એ બધામાં હિંદુ જ વધારે હશે એ કહેવાની જરૂર નથી.

બાંગ્લાદેશમાં અત્યારે અવામી લીગની સરકાર છે ને શેખ હસીના વડાં પ્રધાન છે. આખા દેશમાં હિંદુ મંદિરો પર હુમલા શરૂ થયા પછી મોડે મોડે હસીના જાગ્યાં ને સ્થિતિ નિયંત્રણમાં લાવવા માટે અર્ધલશ્કરી દળોને મેદાનમાં ઉતાર્યાં. અવામી લીગે પણ હિંદુઓની તરફેણમાં દેખાવો શરૂ કર્યા છે પણ અત્યારે બહુ મોડું થઈ ગયું છે. બાંગ્લાદેશના સંખ્યાબંધ જિલ્લામાં સરકારે અર્ધલશ્કરી દળો તહેનાત કરવાં પડયાં એ પછી પણ હિંસા ચાલુ રહી તેના પરથી જ કેટલા મોટા પાયે હુમલા થયા હશે તેનો અંદાજ આવી જાય. અર્ધલશ્કરી દળ બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ (બીજીબી) ઉપરાંત આતંકવાદ વિરોધી બાંગ્લાદેશ પોલીસ રેપિડ એક્શન બટાલિયન (આરએબી)ને પણ હિંસાને રોકવા મેદાનમાં ઉતારવી પડી છે. અનેક ઠેકાણે તો પોલીસને પણ કટ્ટરવાદીઓએ નથી છોડ્યા તેના પરથી જ ખબર પડે કે કટ્ટરવાદીઓ કઈ રીતે હિંદુઓને નિશાન બનાવી રહ્યા છે.

વિશ્વ હિંદુ પરિષદ સહિતનાં હિંદુવાદી સંગઠનો પણ શરૂઆતમાં ચૂપ હતાં પણ હુમલા ચાલુ રહેતાં તેમણે મેદાનમાં આવવું પડ્યું છે. વિશ્વ હિંદુ પરિષદે તો દિલ્હીમાં બાંગલાદેશી દૂતાવાસો સામે દેખાવો કર્યા ને યુનાઈટેડ નેશન્સ હિંદુઓના નરસંહારને રોકવા પગલાં ભરે એવી માગણી પણ કરી. વિશ્વ હિંદુ પરિષદે કરેલા દાવા પ્રમાણે આ હિંસામાં 12 હિંદુઓનાં મોત થયાં છે ને એક હજારથી વધારે હિંદુઓ ઘાયલ થયા છે. 150 થી વધારે દુર્ગા પૂજા મંડપ તોડીફોડી નખાયા ને 362 મંદિરો પર હુમલા કરીને મૂર્તિઓ તોડી નાંખવામાં આવી છે. હિંદુ સ્ત્રીઓ પર સામૂહિક અત્યાચાર થઈ રહ્યા છે ને હિંદુઓને શોધી શોધીને મોતને ઘાટ ઉતારાઈ રહ્યા છે. બીજા પણ આંકડા અપાયા છે ને એ આંકડા જોયા પછી લાગે કે, સ્થિતિ ખરેખર ગંભીર છે. આ આંકડા સત્તાવાર નથી પણ છેલ્લા દસ દિવસથી સતત હુમલા થઈ રહ્યા છે તેથી આ આંકડા સાચા પણ હોઈ શકે.

આપણે આંકડાની વાતોમાં નથી પડતા પણ આ હુમલાઓએ બાંગ્લાદેશમાં હિંદુઓની હાલત શું છે તેના તરફ ફરી આપણું ધ્યાન દોર્યું છે. આપણે ત્યાં પાકિસ્તાનમાં હિંદુઓ પર અત્યાચારો થાય છે તેની ચોવટ બહુ થાય છે. દર પંદર દિવસે આ મુદ્દો ગાજે છે.  પાકિસ્તાનમાં હિંદુઓ રહી જ ન શકે એવા સંજોગો ઊભા કરાઈ રહ્યા છે ને હિંદુઓ ભાગી રહ્યા છે એવી વાતો થાય છે પણ બાંગ્લાદેશમાં હિંદુઓની સ્થિતિ વિશે કોઈ બોલતું નથી. બધાને પાકિસ્તાનના હિંદુઓની ચિંતા થાય છે, તેમની તકલીફો પર બધાં આંસુડાં સારે છે પણ બંગ્લાદેશના હિંદુઓની વાત કોઈ કરતું નથી. બંગલાદેશમાં મંદિરો અને હિંદુઓ પર થઈ રહેલા હુમલાઓને પગલે બંગ્લાદેશના હિંદુઓની બદતર હાલત તરફ લોકોનું ધ્યાન દોરાયું છે. બલ્કે સૌને અહેસાસ થયો છે કે, આપણે પાકિસ્તાનના હિંદુઓની ચિંતા કરીએ છીએ પણ બાંગ્લાદેશના હિંદુઓની હાલત પાકિસ્તાનની હિંદુઓ કરતાં જરાય સારી નથી.

બાંગ્લાદેશમાં હિંદુઓની બદતર હાલત પહેલેથી છે પણ  કોઈનું ધ્યાન જ ગયું નથી. બાંગ્લાદેશ  આઝાદી પહેલાં પૂર્વ બંગાળ હતું ને એ વખતથી બંગાળના મુસ્લિમોમાં હિંદુ વિરોધી માહોલ હતો. મુસ્લિમ લીગનો આ વિસ્તારમાં પ્રભાવ હતો ને સુહરાવર્દી જેવા નેતાઓએ કટ્ટરવાદી માનસિકતાને પોષી તેથી દેશ આઝાદ નહોતો થયો ત્યારે પણ આ વિસ્તારમાં કોમી રમખાણો થયાં કરતાં હતાં. મુસ્લિમ લીગે મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોમાંથી અલગ પાકિસ્તાનની માગણી કરી ત્યારે પૂર્વ બંગાળનો પાકિસ્તાનમાં સમાવેશ કરવાની માગ હતી જ કેમ કે પૂર્વ બંગાળમાં મુસ્લિમો બહુમતીમાં હતા. અંગ્રેજોએ આ માગણી સ્વીકારીને દેશના ભાગલા ધર્મના આધારે કર્યા ત્યારે પૂર્વ બંગાલ પાકિસ્તાનમાં ગયું ને પશ્ચિમ બંગાળ ભારતમાં રહ્યું.

આઝાદી વખતે હિંદુ બહુમતી ધરાવતા વિસ્તારોમાં મુસ્લિમો પર અને મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારોમાં હિંદુઓ પર હુમલા થયા. પૂર્વ બંગાળમાં હિંદુઓની લઘુમતી હતી તેથી ત્યાં હિંદુ મોટા પાયે હુમલાનો ભોગ બન્યા. આઝાદી પહેલાં કોલકાતા પાસેના નોઆખલીમાં થયેલાં કોમી રમખાણોમાં મોટા પાયે હિંદુઓની કત્લેઆમ થઈ હતી. આઝાદી પછી આ જ ક્રમ ચાલુ રહ્યો ને પૂર્વ બંગાળમાં હિંદુઓ પરના હુમલા ચાલુ રહ્યા. આઝાદી વખતે પૂર્વ બંગાળમાં એટલે કે હાલના બાંગલાદેશમાં હિંદુઓની ભારે કત્લેઆમ થઈ અને એ સિલસિલો પછી ચાલતો રહ્યો. પશ્ચિમ બંગાળમાં મુસ્લિમો લઘુમતીમાં હતા પણ ગાંધીજી સહિતના નેતાઓની સક્રિયતાના કારણે ભારતના બંગાળમાં મુસ્લિમો સલામત રહ્યા.
બાંગલાદેશમાં હિંદુઓને નિશાન બનાવાઈ રહ્યા છે તેનો પુરાવો વસતીના આંકડા પણ છે. ભારત આઝાદ થયું ત્યારે પાકિસ્તાનની કુલ વસતીમાં 13 ટકા હિંદુ હતા. તેમાં પૂર્વ બંગાળ એટલે કે હાલના બાંગલાદેશના હિંદુ પણ આવી ગયા. પૂર્વ બંગાળની કુલ વસતીમાં હિંદુઓનું પ્રમાણ 22 ટકા હતું જ્યારે પશ્ચિમ પાકિસ્તાન એટલે કે હાલના પાકિસ્તાનમાં હિંદુઓનું પ્રમાણ 1.6 ટકા હતું.  હાલમાં બાંગ્લાદેશમાં 1.24 કરોડ હિંદુ છે. અત્યારે બાંગલાદેશની કુલ વસતીમાં માત્ર સાડા આઠ ટકા હિંદુ છે. ભારત અને નેપાળ પછી વિશ્વમાં હિંદુઓની સૌથી વધારે વસતી બાંગ્લાદેશમાં છે પણ દેશ આઝાદ થયો ત્યારે જે પ્રમાણ હતું તેનાથી ત્રીજા ભાગનું પ્રમાણ છે. દેશ આઝાદ થયો ત્યારે બાંગલાદેશમાં હિંદુઓનું પ્રમાણ 22 ટકા હતું તે ઘટીને 8.5 ટકા થઈ ગયું છે. આ ઘટાડાનું કારણ એ છે કે, બાંગ્લાદેશમાં ચોક્કસ યોજનાના ભાગરૂપે હિંદુઓને ભગાડાઈ રહ્યા છે. દર વરસે રમખાણ કરાવાય છે તેથી હિંદુઓ ભાગી રહ્યા છે.

આપણને એમ લાગે છે કે, પાકિસ્તાનમાંથી હિંદુઓને સાવ કાઢી મુકાય છે પણ વાસ્તવમાં પાકિસ્તાનમાં હિંદુઓનું પ્રમાણ જળવાયું છે.  પાકિસ્તાનની વસતીમાં હિંદુઓ થોડા પ્રમાણમાં ઘટ્યા છે એવું આંકડા કહે છે તેથી હિંદુઓ ભાગી રહ્યા છે એવું કબૂલવું પડે.  પાકિસ્તાનની વસતીમાં મુસ્લિમોની વસતી વધી તેના પ્રમાણમાં હિંદુઓની વસતી ઘટી છે એ હકીકત છે પણ પૂર્વ  પાકિસ્તાન એટલે કે બંગલાદેશમાં હિંદુઓની વસતીમાં ધરખમ ઘટાડો થયો છે એટલો ઘટાડો પાકિસ્તાનમાં નથી થયો.

આપણી પિન પાકિસ્તાન પર ચોંટેલી છે તેથી બાંગલાદેશ તરફ આપણું ધ્યાન જતું નથી. બંગલાદેશનાં કોમી  તોફાનો વિશે આપણને ખબર પડતી નથી પણ બાંગલાદેશમાં હિંદુઓની કત્લેઆમ થાય છે,  મિલકતો લૂંટાય છે, બહેન-દીકરીઓની ઈજજત લૂંટાય છે ને ધર્મસ્થાનો પણ તોડી નંખાય છે. ભારત હિંદુઓનો સૌથી મોટો દેશ છે તેથી ભારતે હિંદુઓના મુદ્દે બોલવું જોઈએ. બાંગ્લાદેશ સરકાર પર દબાણ લાવવું જોઈએ કે જેથી હિંદુઓની કત્લેઆમ ન થાય. બાકી આ રીતે તો બાંગલાદેશમાંથી હિંદુઓ નામશેષ થઈ જશે.