બાઇડનની સિક્યોરિટી સાથે સંકળાયેલા ૧૫૦થી વધુ સુરક્ષાકર્મી કોરોના પોઝિટિવ

અમેરિકી પ્રમુખ જો બાઇડનની સિક્યોરિટી સાથે સંકળાયેલા ૧૫૦ ઑફિસર્સ કોરોનાના ચેપનો ભોગ બન્યા હોવાના અહેવાલ પ્રગટ થયા હતા. અમેરિકામાં અત્યાર સુધીમાં કોરોનાના પગલે ચાર લાખથી વધુ લોકોનાં મરણ થયાં હતાં. ગૂરૂવારે ૨૧ જાન્યુઆરીએ એક જ દિવસમાં ચાર હજાર વ્યક્તિ કોરોનાના કારણે મરણ પામી હોવાના અહેવાલ હતા.

જો બાઇડને વીસમી જાન્યુઆરીએ પ્રમુખપદના સોગન લીધા એ પહેલાં ચાલુ માસની છઠ્ઠીએ ત્યારના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોએ કેપિટલ હિલમાં કરેલા હિંસક તોફાનો બાદ બાઇડનની સિક્યોરિટી વધારી દેવામાં આવી હતી. બાઇડનના સોગનવિધિ વખતે પણ તોફાનીઓ હિંસા આચરશે એેવા ડરના કારણે કેપિટલ હિલને વીસમી જાન્યુઆરીએ ૨૫ હજાર નેશનલ ગાર્ડઝ્ની મદદથી અભેદ્ય કિલ્લામાં ફેરવી નાખવામાં આવ્યો હતો.

વ્હાઇટ હાઉસની બહાર પણ બેરિકેડ્સ અને કાંટાળા તાર ગોઠવી દેવામાં આવ્યા હતા. વ્હાઇટ હાઉસ સાથે સંકળાયેલા એક અધિકારીએ પોતાનું નામ પ્રગટ નહીં કરવાની શરતે જણાવ્યું હતું કે વીસમી જાન્યુઆરીએ વૉશિંગ્ટન ડીસીમાં તહેનાત કરાયેલા ૨૫ હજાર સૈનિકોમાંના ઘણા કોરોના સંક્રમિત થયા હતા. આવા સૈનિકોની સંખ્યા વધવાની શક્યતા પણ હતી.

અમેરિકામાં ગુરૂવારે સતત બીજે દિવસે કોરોનાના કારણે ચાર હજાર લોકો મરણ પામ્યા હતા. રોઇટરના એક અહેવાલ મુજબ પબ્લિક હેલ્થ ડેટા વિભાગે અત્યાર સુધીમાં અમેરિકામાં કોરોનાના કારણે ચાર લાખ દસ હજાર વ્યક્તિનાં મોત થયાં હોવાના અહેવાલ પ્રગટ કર્યા હતા. જો કે નેશનલ ગાર્ડઝ્ તરફથી એવું નિવેદન પ્રગટ કરાયું હતું કે સૈનિકેાને લાગેલા કોરોના ચેપની વિગતો જાહેર કરવામાં નહીં આવે. જો કે એવી સ્પષ્ટતા કરવામાં આવી હતી કે તેમને વૉશિંગ્ટન ડીસીમાં તહેનાત કરાયા પહેલાં તેમનું કોરોના ટેસ્ટિંગ કરાયું હતું અને તેમના શરીરનું ટેમ્પરેચર પણ લેવાયું હતું. અમેરિકી લશ્કરે જણાવ્યા મુજબ હજારો સૈનિકોને ઘેર પાછા મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી છે અને આગામી પાંચ છ દિવસમાં ૧૫ હજાર સૈનિકોને વૉશિંગ્ટનથી તેમને ઘેર પાછા મોકલવાની જોગવાઇ કરવામાં આવશે.