બાઇડેનની ટીમમાં મૂળ કાશ્મીરની યુવતી આયેશા શાહનો સમાવેશ

અમેરિકાના નવા વરાયેલા પ્રમુખ જો બાઇડનની ડિજિટલ ટીમમાં મૂળ કશ્મીરમાં જન્મેલી અને અમેરિકામાં ઊછરેલી આયેશા શાહનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
આયેશાને ડિજિટલ વિભાગમાં સિનિયર પોસ્ટ પર લેવામાં આવી હોવાની જાહેરાત સોમવારે વ્હાઇટ હાઉસે કરી હતી.
લાઉઝિયાનામાં મોટી થયેલી આયેશા પ્રમુખપદની ચૂંટણી દરમિયાન જો બાઇડન-હેરીસની ટીમમા ંડિજિટલ પાર્ટનરશીપ મેનેજર તરીકે કામ કરી ચૂકી હતી. એટલે આ બંને નેતાઓ બાઇડન અને હેરીસ એની પ્રતિભાથી પરિચિત હતાં. આયેશા વ્હાઇટ હાઉસની ડિજિટલ સ્ટ્રેટેજી ટીમમાં કામ કરશે. આ ટીમના ડાયેરક્ટર રૉબ લેહ્ટ્રી છે.
હાલ આયેશા સ્મિથસોનિયન સંસ્થામાં ડિજિટલ સ્પેશ્યલિસ્ટ તરીકે કામ કરે છે. એ પહેલાં આયેશા જ્હૉન એફ કેનેડી સેન્ટર ફોર ધ પર્ફોર્મિંગ આર્ટ્સના કોર્પોરેટ ફંડ વિભાગમાં ડેપ્યુટી મેનેજર તરીકે કામ કરતી હતી. એની પહેલાં બૉય નામની કંપનીમાં કોમ્યુનિકેશન એક્સપર્ટ તરીકે કામ કરતી હતી. આમ એની પાસે પોતાના ક્ષેત્રના કામનો બહોળો અનુભવ છે. આયેશા વ્હાઇટ હાઉસમાં ફરજ પર જોડાય ત્યારથી એની નિમણૂક કાયમી ગણાશે.