બાબરાના ખંભાળા પાસે પંમ્પીંગ સ્ટેશનમાં 12500 કે.વી.એ.નું વિજ જોડાણ અપાયું

અમરેલી,અમરેલી શહેર તેમજ જીલ્લાના કેટલાક તાલુકાઓને સૌની યોજના અંતર્ગત નર્મદાનું પાણી પુરૂ પાડવા માટેની કામગીરી યુધ્ધના ધોરણે ચાલી રહી છે. જેમાં બાબરા તાલુકાના ખંભાળા નજીક રાજકોટ ડીવીઝન તેમજ અમરેલી ડીવીઝનને નર્મદાનું પાણી આપવા માટે પંમ્પીંગ સ્ટેશન બનાવવામાં આવ્યુ છે. જેમાં પંમ્પીંગ સ્ટેશનમાં 2000 કેવીએની 6 જેટલી મોટરો ફીટ કરી દેવામાં આવી છે. અને આ કામગીરી પુર્ણ થઇ જતા અગાઉ 7500 કેવીએનું તેમજ આજરોજ 12500 કેવીએનું વિજ જોડાણ આપી અને મોટરોનું ટેસ્ટીંગ કરવામાં આવ્યુ હતુ. વિજ કંપનીના સુત્રોના જણાવ્યા પ્રમાણે એક નાના રૂમ જેવડી એક મોટર મુકવામાં આવી છે. અમરેલી સિંચાઇ ડીવીઝન માટે વિજ જોડાણ મેળવવા માટે અંદાજે રૂા. 20 કરોડનો ખર્ચ થયો છે તેમ અમરેલી સિંચાઇ વિભાગના સુત્રોએ જણાવ્યુ હતુ.
અમરેલી સિંચાઇ ખાતાના સુત્રોના જણાવ્યા પ્રમાણે બાબરાના ખંભાળાથી અમરેલી સુધીની 47 કિ.મી.સુધીની પાઇપલાઇન બીછાવવાની અલગ અલગ સેકશનમાં કામગીરી ચાલી રહી છે. જેમાં ચિતલથી અમરેલી સુધીની 15 કિ.મી.ની પાઇપલાઇન નાખવાની થાય છે તેમાંથી હાલમાં 6 કિ.મી.ની પાઇપલાઇન નાખવાની કામગીરી પુર્ણ થઇ ચુકી છે. અને બાકીની પાઇપલાઇન નાખવાનું કામ યુધ્ધના ધોરણે ચાલી રહયુ છે. અને આ કામ સંભવત જુન સુધીમાં પુર્ણ કરી દેવામાં આવશે તેમ અમરેલી સિંચાઇ ખાતાના સુત્રોએ જણાવ્યુ હતુ.