ભારે વરસાદને કારણે દ્વારકાનુ રાવલ ગામ આઠમી વખત બેટમાં ફેરવાયું

  • બાબરામાં કોઝવે પર પાણી ભરાતા લોકો જીવના જોખમે રસ્તો પાર કરવા મજબૂર

 

દ્વારકા જિલ્લામાં પડેલા અનરાધાર વરસાદના પગલે કલ્યાણપુર તાલુકાનુ રાવલ ગામ આઠમી વખત બેટમાં ફેરવાયું છે. અમરેલી જિલ્લામાં ભારે વરસાદ પડતા બાબરાના નિલવડાના કોઝવે પર પાણી ફરી વળ્યું હતું. જેથી લોકો જીવના જોખમે રસ્તો પાર કરવા મજબૂર બન્યા હતા. બીજી તરફ ભાવનગર જિલ્લામાં પડેલા વરસાદના પગલે સૌરાષ્ટ્રના સૌથી મોટા શેત્રુજી ડેમમાં પાણીની મોટા પ્રમાણમાં આવક થઈ હતી. જેથી ડેમના ૧૫ દરવાજા ખોલવામાં આવ્યા હતા. આ સાથે જ અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે. રાજકોટમાં ગઈકાલે પડેલા વરસાદ બાદ મોડી રાત્રે ૨ ઈંચ વરસાદ પડ્યો છે. દ્વારકા સહિત ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના પગલે વર્તુ-૨ ડેમ, સોરઠી ડેમ અને સોની ડેમના પાણી કલ્યાણપુરના રાવલ ગામમાં ઘૂસી ગયા હતા. જેથી રાવલ ગામ આઠમી વખત બેટમાં ફેરવાયું છે. ગત મોડી રાત્રે પાણી ભરાવાનું શરૂ થઈ જતા રાવલ ગામનુ બસ સ્ટેન્ડ ૪-૪ ફુટ પાણીમાં ગરકાવ થઈ ગયું છે.
રાવલ ગામ તરફ જતા તમામ માર્ગ બંધ થઈ ગયા છે. જો આજે વરસાદ વિરામ લેશે તો સાંજ સુધીમાં પાણી ઓસરી જાય તેવી શક્યતા છે. અમરેલી જિલ્લામાં પડેલા અનરાધાર વરસાદના પગલે સ્થાનિક નદીનું પાણી નિલવડાના કોઝવે પર પાણી ફરી વળ્યું હતું. જેથી લોકો જીવના જોખમે પાણીમાંથી પસાર થઈને કોઝવે પાર કરવો પડી રહૃાો છે. ગોઠણસમા પાણીમાંથી વાહનો સાથે લોકો કોઝવે પસાર કરી રહૃાાં છે. બાબરા આવવા જવા માટેનો આ એક રસ્તો જ હોવાથી નિલવળા, સમઢીયાળા, વાંકીયા સહિતના ગામો બાબરાથી સંપર્ક વિહોણા થઈ ગયા હતા. ગીર સોમનાથ જિલ્લામાં પડેલા ભારે વરસાદના પગલે સરસ્વતી નદીમાં ઘોડાપૂર આવતા નદીના પાણી ખેતરોમાં ભરાયા હતા.
સરસ્વતી નદીની પુલ પરની રેલીંગ તૂટી જતા પાણી ખેતરોમાં ઘૂસી ગયા હતા. જેથી તમામ પાક નિષ્ફળ જતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ભારે વરસાદના પગલે હરસાણા, લાટી સહિતના ગામના ખેતરો બેટમાં ફેરવાઈ ગયા હતા.બીજી તરફ વેરાવળમાં અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. નગરપાલિકાની બેદરકારીના કારણે ગટરનું પાણી પીવાના પાણીમાં ભળી ગયું છે. જેથી લોકોને ભારે હાલાકી પડી રહી છે. પાણી ભરાયેલા વિસ્તારોમાં ધારાસભ્ય વિમલ ચુડસમા દૃોડી ગયા હતા અને સમગ્ર પરિસ્થિતનો ચિતાર મેળવ્યો હતો.