બાબરામાં ત્રણ, લાઠીમાં દોઢ ઇંચ વરસાદ : અન્યત્ર હળવા ઝાપટા

અમરેલી,

હવામાન વિભાગની વરસાદની આગાહીના પગલે આજે અમરેલી જિલ્લામાં છુટા છવાયા ઝાપટાથી ત્રણ ઇંચ જેવો ધોધમાર વરસાદ પડ્યો હતો. જેમાં બાબરા શહેર અને આસપાસનાં ગ્રામ્ય વિસ્તારોમાં બે થી ત્રણ ઇંચ જેવો ધોધમાર વરસાદ પડી જતા ઉપરવાસનાં વરસાદનાં કારણે બાબર કાળુભાર નદીમાં નવા નીર વહેતા થયાનું દિપકભાઇ કનૈયાએ જણાવ્યું હતું. લાઠીમાં અકાળામાં ધોધમાર એક ઇંચ વરસાદ પડ્યાનું રાજુભાઇ વ્યાસે જણાવ્યું હતું. દામનગર ભુરખીયા, રાભડા, ધામેલ, પાડરસીંગા, ઇંગોરાળા, ભીંગરાડ સહિતનાં વિસ્તારોમાં આજે બપોર બાદ ધોધમાર દોઢ થી બે ઇંચ વરસાદ પડ્યાનું વિનોદભાઇ જયપાલે જણાવ્યું હતું અને વાવણી બાદ સારા વરસાદથી ખેતીપાકો ઉપર કાચુ સોનુ વરસ્યું હતું. દલખાણીયા અને ગીર પંથકનાં ગામોમાં આજે વરસાદનાં હળવા ભારે ઝાપટા પડ્યાનું યોગેશ સોલંકીએ જણાવ્યું હતું. ડેડાણથી બહાદુરઅલી હિરાણીના જણાવ્યા અનુસાર ત્રાકુડામાં ધોધમાર એક ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે નીંગાળા, ફાચરીયા અને વાંગધ્રામાં અડધો ઇંચ વરસાદ પડ્યો હતો. લીલીયાનાં હાથીગઢમાં ધીમીધારે આજે બપોર બાદ સારો વરસાદ પડ્યાનું શ્રીકાંતદાદાએ જણાવેલ. જાફરાબાદ તાલુકાનાં ટીંબી, શેલણા, હેમાળ, એભલવડ, ભાડા, વડલીમાં આજે સવારનાં 10 થી બપોરનાં 2:30 સુધીમાં ધોધમાર અઢી ઇંચ જેવો વરસાદ પડી જતા ખેડુતોએ કરેલ વાવણી ઉપર સારા વરસાદથી ખેતીપાકોને ફાયદો થશે તેમ હિંમતદાદાએ જણાવ્યું હતું. અમરેલી જિલ્લા ફ્લડ કન્ટ્રોલનાં જણાવ્યા અનુસાર અમરેલી જિલ્લામાં નોંધાયેલ વરસાદમાં જાફરાબાદ 4 મીમી, બાબરા 81 મીમી, લાઠી 46 મીમી, વડીયા 17 મીમી, સાવરકુંડલા 3 મીમી વરસાદ નોંધાયો .