બાબાપુરના પાટીયેથી ઉઠાવી જવાયેલા અમરેલીના યુવકને પોલીસની સમયસુચકતાએ બચાવી લીધો

  • અમરેલી એલસીબીની ટીમે કુંકાવાવ પાસે ચોકી ચાર રસ્તેથી કારમાં લઇ જવાઇ રહેલ સુનીલ બિસ્નોઇને બચાવી તેને ઉઠાવનાર પૈકી બે ને પકડયા

અમેરલી,
અમરેલીના બાબાપુર ગામના પાટીયા પાસેથી ગત રાત્રીના સેવરેલોટ કારમાં બહેન સાથે વાત કરનાર યુવાનને મારી નાખવા માટે ઉઠાવીને લઇ જઇ રહેલા રાજસ્થાનના પાંચ યુવાનોને પકડવા માટે એસપીશ્રી નિર્લિપ્ત રાયના આદેશ અને માર્ગદર્શન અનુસાર અમરેલી એલ.સી.બી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. શ્રી.આર.કે.કરમટા તથા પો.સ.ઇ. શ્રી.પી.એન.મોરી તથા એલ.સી.બી. ટીમ દ્વારા કરાયેલી નાકાબંધી સફળ થઇ હતી અને અપહરણ કરાયેલા અમરેલીમાં રહેતા રાજસ્થાન યુવાનને સમયસર બચાવી લેતા તેમનો જીવ બચી ગયો હતો અને બે આરોપીઓ પોલીસના સકંજામાં આવી ગયા હતા.
આ અંગેની વિગતો એવા પ્રકારની છે કે ગઇ કાલે પોતાની બહેન સાથે ફોનમાં વાત કરનાર અમરેલીના કેરીયા રોડ પર રહેતા અને વાંકીયાની ગેસ એજન્સીમાં કામ કરતા સુનીલ માંગીરામ બિસ્નોઇને મારવાનું કાવતરૂ ઘડી તેને ઉઠાવવા માટે પહેલા બીજા બે નું અપહરણ કરી સુનીલને છળથી બાબાપુર બોલાવી અને વિકાસ મોહનરામ બિસ્નોઇ અશોક ઉર્ફે રમણ રામ બિસ્નોઇ, પ્રકાશ ભવરલાલ બિસ્નોઇ, અશોક મોહનરામ બિસ્નોઇ અને સુભાષ મોહનરામ બિસ્નોઇ કારમાં ઉઠાવી ગયા હતા જેને પગલે પોલીસ દ્વારા જિલ્લાની તમામ એન્ટ્રી તથા એકઝીટ પોઇંટને સીલ કરી અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ શ્રી પ્રશાંત લક્કડ તથા બીજા તાલુકાઓની પોલીસને એલર્ટ કરી ટીમો બનાવાઇ હતી દરમિયાન લોકલ ક્રાઇમ બ્રાન્ચના શ્રી કરમટા અને શ્રી મોરીની ટીમે અપહરણ કરાયેલા સુનીલને વડીયાના ચોકી ચાર રસ્તા પાસેથી સલામત રીતે છોડાવી અશોક મોહનરામ રે. રાણેરી તા.ફલુદી, જિ.જોધપુર અને પ્રકાશ ભવરલાલ રે. જાંબા તા.બાપ, જિ.જોધપુર રાજસ્થાનને કાર સાથે પકડી પાડયા હતા અને બાકીના ત્રણ આરોપીઓને શોધવાની તજવીજ હાથ ધરાઇ છે. પકડાયેલા બંને આરોપીઓને વડીયા પોલીસ સ્ટેશનના પીએસઆઇ શ્રી અર્જુન સાંબડને હવાલે કરવામાં આવ્યા છે.