બાબાપુર પાસે ગોજારો અકસ્માત : એક જ પરિવારના 4 નાં મોત

  • જીજ્ઞેશભાઇ રાઠોડના પરિવારને યમરાજાએ મોડુ કરાવ્યું : સવારને બદલે બપોર પછી નીકળ્યા અને ગોજારો અકસ્માત સર્જાયો
  • માતા અને દાદી સાથે 3 અને 8 વર્ષના માસુમ ભાઇ બહેનનું મૃત્યું : પરિવારના મોભી કારચાલક અને એક મહિલાની હાલત ગંભીર : કુંકાવાવ ખરીદીમાં જઇ રહયા હતા
  • ઝેન સાથે કાળમુખો ટ્રક અથડાતા બનેલો બનાવ : સરપંચશ્રી ભાવેશભાઇ ગોસ્વામી 108ની ટીમ દોડી : એક જ પરિવારના 4 ના મોતથી ગાવડકામાં સન્નાટો : ઘેરો શોક

બાબાપુર,(હસમુખ રાવલ)
અમરેલીના બાબાપુર પાસે નવોદય સ્કુલ પાસે ગાવડકાથી બગસરા તરફ જઇ રહેલી ઝેન કાર અને સામેથી આવતો ટ્રક ધડાકાભેર અથડાતા ગાવડકાના એક જ પરિવારના ચાર લોકોના સ્થળ ઉપર જ કમકમાટી ભર્યા મૃત્યુ નીપજ્યા હતા જ્યારે ત્રણને ગંભીર ઇજાઓ થઇ હતી જેમાના બેની હાલતમાં નાજુક ગણાવાઇ રહી છે. આ ગોજારા બનાવની વિગત એવા પ્રકારની છે કે ગાવડકામાં રહેતા અને છુટક કામ કરતા જીજ્ઞેશભાઇ દેવશીભાઇ રાઠોડ પોતાના પત્ની કંચનબેન તથા માતા કનુબેન અને બે માસીઓ હંસાબેન તથા બાસુબેન અને બે નાના સંતાનો પ્રદિપ અને હેતલની સાથે બગસરા થઇ કુંકાવાવ ખરીદી માટે જતા હતા ત્યારે ગાવડકાથી બગસરા વચ્ચે બાબાપુરના પાટીયા પાસે નવોદય સ્કુલ સામે મારૂતી ઝેન જીજે06 જે.જે.5256 ને ટ્રક નં. જીજે03 એએક્સ 6130 એ હડફેટે લેતા કાર અને ટ્રક ધડાકાભેર અથડાયા હતા અને કારમાં બેઠેલ કાર ચાલક જીજ્ઞેશભાઇના માતા ગાવડકા ગામના કનુબેન દેવશીભાઇ રાઠોડ ઉ.વ.55 અને પત્ની કંચનબેન જીજ્ઞેશભાઇ રાઠોડ ઉ.વ.28 તથા પુત્રી હેતલ જીજ્ઞેશભાઇ રાઠોડ ઉ.વ.8 અને પુત્ર જયદીપ જીજ્ઞેશભાઇ ઉ.વ.4 ના એક જ પરિવારના સભ્યોના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત નીપજતા નાના એવા ગાવડકા ગામમાં શોકનો માહોલ છવાયો હતો. આ ઉપરાંત કારમાં બેઠેલા જીજ્ઞેશભાઇના બે સગા માસીઓ બાસુબેન કચરાભાઇ ઉ.વ.52, હંસાબેન હરીભાઇ ઉ.વ.50, કાર ચાલક જીજ્ઞેશભાઇ દેવશીભાઇ રાઠોડને ગંભીર ઇજાઓ થતા સારવાર માટે ભાવનગર રાજકોટ અને અમરેલી દવાખાને ખસેડવામાં આવેલ છે.જેમાના બાસુબેન અને જીજ્ઞેશભાઇની હાલત ગંભીર ગણાવાઇ રહી છે. આ પરિવાર સવારે કુંકાવાવ જવાનો હતો પરંતુ કોઇ કારણોસર મોડુ થતા બપોર પછી જવા નીકળ્યો હતો અને કાળનો કોળીયો બની ગયો હતો આ બનાવની જાણ થતા સરપંચ શ્રી ભાવેશભાઇ ગોસ્વામી તથા સેવાભાવી આગેવાનો અને 108 ની ટીમે બનાવના સ્થળે દોડી આવી હતી અમરેલી તાલુકા પોલીસે આ અંગે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.