બાળકો કોરોનાની ઝપટમાં: અમદાવાદ સિવિલમાં ૧૨ સારવાર હેઠળ, ૨ ઓક્સિજન પર

અમદાવાદની સિવિલમાં અત્યારે ૧૨ બાળકો કોરોનાની સારવાર લઇ રહૃાા છે, જે પૈકી બે બાળકો અત્યારે ઓક્સિજન પર છે. આ ઉપરાંત બે નવજાત બાળકો પણ કોરોનાગ્રસ્ત થતાં તેમની સારવાર અહીં ચાલી રહી છે. તબીબોનું કહેવું છે કે ગર્ભવતી માતા જો કોરોના સંક્રમિત થાય તો તેના બાળકને પણ કોરોના થવાનું જોખમ છે. આ ઉપરાંત નવજાત બાળકો પર કોરોનાની અસર જલદી થાય છે.

સિવિલમાં અત્યારે અન્ય કોવિડ દર્દીઓ ઉપરાંત ૧૨ બાળકો પણ કોરોનાની સારવાર હેઠળ છે. બાળરોગ નિષ્ણાત તબીબોાની દેખરેખ હેઠળ હાલ તેમને સારવાર અપાઇ રહી છે. તેમાંથી બે બાળકો નવજાત હોવાથી તેમને આગળ જતાં વધુ મુશ્કેલીઓ ન આવે અને પરિસ્થિતિ વધુ ગંભીર ન બને તે માટે અલગથી સારવારની વ્યવસ્થા કરવામાં આવી છે. ૧૨ બાળકો પૈકી બે બાળકોની પરિસ્થિતિ ગંભીર હોવાથી તેમને ઓક્સિજન પર રાખવામાં આવ્યા છે.

જો કે કોરોનાના કારણે બાળકોના મોત થયા હોય તેવા બનાવ પણ ગત બે-ત્રણ અઠવાડિયામાં અમદાવાદમાં બન્યા છે. જેમાં અમરાઇવાડીની બે વર્ષની બાળકીનું ૨૩મી એપ્રિલના રોજ મૃત્યુ થયું હતું, પાંચમી એપ્રિલે ચાંદલોડિયામાં રહેતા આઠ વર્ષના બાળકનું કોરોનાથી મૃત્યુ થયું હતું, મેમનગરમાં રહેતી સાત વર્ષીય બાળકીનું ત્રણ એપ્રિલના રોજ મૃત્યુ થયું હતું.