બિલાવલનો વિરોધ ભારતમાં કરવાથી શું? શિરચ્છેદ માટે બે કરોડના ઇનામની ઓફર

પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારીએ આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને બુચર ઓફ ગુજરાત ગણાવ્યા એ મુદ્દે બબાલ ચાલી રહી છે. ભુટ્ટોએ ભારતમાં મુસ્લિમોની હાલત ખરાબ છે એવો ઉલ્લેખ કરીને લવારો કર્યો કે, ઓસામા બિન લાદેન તો માર્યો ગયો પણ બુચર ઓફ ગુજરાત જીવે છે અને ભારતમાં પ્રધાનમંત્રી છે. મોદીના રાજમાં ભારતમાં મુસ્લિમોની હાલત ખરાબ છે. બિલાવલના નિવેદન સામે ભાજપના નેતા દેશભરમાં દેખાવો કરી રહ્યા છે. આ મુદ્દે ભાજપે આખો દેશ માથે લીધો અને બિલાવલ ભુટ્ટો વિરોધી દેખાવો કર્યા. પાકિસ્તાન અને ભુટ્ટોના પૂતળા બાળીને ભુટ્ટો ભારતના ૧૩૫ કરોડ લોકોની માફી માગે એવી માગણી પણ કરી. ભાજપના કેટલાક નેતાએ તો પાકિસ્તાન ભિખારી થઈ ગયું છે તેની કથા પણ માંડી દીધી. આ મુદ્દા સાથે લેવાદેવા નથી એવી વાતો માંડીને ભાજપવાળા બેસી ગયા છે.

બિલાવલ ભુટ્ટોના નિવેદનના મુદ્દે ભાજપના નેતા ભારતમાં જે ધમપછાડા કરી રહ્યા છે એ હાસ્યાસ્પદ છે. બિલાવલ પાકિસ્તાનના વિદેશ પ્રધાન છે ને પાકિસ્તાનનો વિદેશ પ્રધાન ભારતના વડા પ્રધાન માટે શું કહેવાનો ? એ થોડો ભારતના વડા પ્રધાન કે બીજા કોઈ પણ નેતાના વખાણ કરવાનો ? એ તો ભારતના નેતાઓને કે સત્તામાં બેઠેલા લોકોને ગાળો જ દેવાનો ને ? બિલાવલ ભુટ્ટો ઝરદારી પણ એ જ કરી રહ્યા છે કેમ કે તેમણે પાકિસ્તાનમાં પોતાની રાજકારણની દુકાન ચલાવવાની છે. ભારતમાં ઘણા નેતા દરેક વાતમાં પાકિસ્તાનને વચ્ચે લઈ જ આવે છે કેમ કે તેમની દુકાન પાકિસ્તાનને ગાળો દેવાથી ચાલે છે. એ જ રીતે પાકિસ્તાનમાં રાજકારણીઓની દુકાન ભારતના નેતાઓને ગાળો દઈને ચાલે છે તેથી બિલાવલના બકવાસને ગંભીરતાથી લેવા જેવો નથી.

નેતાઓમાં આ સમજ નથી એવું નથી પણ તેમની પાસે લોકોને આપવા કંઈ નથી તેથી નાની વાતો લંબાવીને લોકોમાં ઉન્માદ પેદા કરવો પડે છે. આ કારણે તેમણે બિલાવલની વાતને આપી ન શકાય એટલું મહત્ત્વ આપવું પડે છે. આ મજબૂરીના કારણે કેટલાક નેતા તો સાવ કટ્ટરવાદીઓની જેમ વર્તી રહ્યા છે, બલ્કે તેમની નકલ કરી રહ્યા છે.સલમાન રશદીએ સેતાનિક વર્સિસ લખી પછી ઈરાનના સર્વોચ્ચ ધાર્મિક વડા આયાતોલ્લાહ ખોમેનીએ એલાન કરેલું કે, રશદીનું માથું વાઢી લાવનારને દસ લાખ ડૉલર ઈનામમાં આપીશું. એ પછી એ ચીલો જ પડી ગયો કે, ઈસ્લામ અંગે બોલે કે પયગંબર સાહેબ વિશે કંઈ પણ કહે તેનું માથું વાઢી લાવનારને જંગી ઈનામ આપવાનું એલાન કરી દેવાનું. સસ્તી પબ્લિસિટી મેળવવાનો આ સૌથી સરળ ઉપાય છે કેમ કે જંગી રકમ અને માથું વાઢી લાવવાની વાત બંને સનસનાટી પેદા કરે છે તેથી મીડિયાને તરત તેમાં રસ પડે છે.

આ જ સ્ટાઈલમાં યુપીમાં ભાજપના એક નેતાએ એલાન કરી દીધું છે કે, જે વ્યક્તિ પાકિસ્તાનના વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટોનું માથું કાપીને લાવશે તેને બે કરોડ રૂપિયાનું ઈનામ આપવામાં આવશે. ભલા માણસ, બિલાવલની વાતથી તમારી લાગણી દુભાઈ હોય ને તમને બહુ ખોટું લાગ્યું હોય તો તો તમે જ જઈને બિલાવલનું માથું વાઢી લાવો. પૈસાની લાલચ આપીને બીજાને ખૂની બનાવવા શું કરવા નીકળ્યા છો ? તમારી મર્દાનગી બહુ ઉછાળા મારતી હોય તો ઊપડો પાકિસ્તાનને બિલાવલને પાઠ ભણાવો, પૈસી ફેંકીને ભાડાના ટટ્ટુઓ પાસે શું કરવા આ બધું કરાવવું છે ?

આ જાહેરાત કરનારા ભાજપના નેતા મનુપાલ બંસલ જિલ્લા પંચાયતના સભ્ય છે. આ પહેલાં તેમને કોઈ ઓળખતું નહોતું પણ મનુપાલ બંસલે કહ્યું બિલાવલ ભુટ્ટોનો શિરચ્છેદ કરનાર વ્યક્તિને પોતાના તરફથી બે કરોડ રૂપિયાનું ઈનામ આપવાનું એલાન કર્યું તેમાં દેશભરમાં મીડિયાએ તેમની નોંધ લીધી. આખી જિંદગી ભાજપમાં મથ્યા કરતા હોત તો પણ ના મળી હોત એટલી પબ્લિસિટી બિલાવલના કારણે મળી ગઈ. મજાની વાત એ છે કે, બંસલ સાહેબને કોઈ પૂછતું પણ નથી કે તમે તો જિલ્લા પંચાયતના સામાન્ય સભ્ય છો તો પછી બે કરોડ રૂપિયા લાવશો ક્યાંથી ? બંસલ તો બે કરોડની વાત કરીને સૌની આંખે ચડી ગયા તેથી તેમની વાત કરી નાખી પણ બીજા નેતા પણ પાછળ નથી જ.

બિલાવલની ટિપ્પણી વાંધાજનક છે તેનો ઈન્કાર ન કરી શકાય પણ એ મુદ્દો ભારતે આંતરરાષ્ટ્રીય સ્તરે ઉઠાવવો જોઈએ. પાકિસ્તાન સરકાર સામે વિરોધ કરવો જોઈએ, ભારતમાં વિરોધ કરવાનો મતલબ નથી. પાકિસ્તાન અને ભારત વચ્ચે રાજદ્વારી સંબંધો છે, વ્યાપારી સંબંધો પણ છે. બિલાવલની ટિપ્પણી મુદ્દે ભારત સરકાર પાસે આ સંબંધો અંગે આકરા નિર્ણયો લેવાની પણ સત્તા છે જ.
મોદી સરકાર દેશની પ્રજાના મતોથી ચૂંટાયેલી સરકાર છે, આ દેશની જનપ્રતિનિધિ સરકાર છે. આ સરકારના વડા વિશે બીજા દેશનો નેતા અણછાજતી વાત કરે તેની સામે આખો દેશ સરકારને પડખે જ હોય એ કહેવાની જરૂર નથી. સરકાર જે પગલાં લેશે તેને આખા દેશનો ટેકો હશે એ પણ કહેવાની જરૂર નથી. મોદી સરકારે એ કરવું જોઈએ ને પાકિસ્તાનને અહેસાસ કરાવવો જોઈએ કે, ભારતના વડા પ્રધાન સામે ગમે તેવી વાતો કરશો ને ભારત ચૂપ બેસી રહેશે એવું ન માનતા. એ અહેસાસ પાકિસ્તાન સામે પગલાં લઈને કરાવી શકાય.

ભારતમાં તમે ગમે તે બોલો એ થૂંક ઉડાડવાથી વધારે કંઈ નથી. ભારતમાં ગમે તેટલો વિરોધ થાય કે દેખાવો થાય તેનાથી પાકિસ્તાનને કોઈ ફરક પડવાનો નથી. ઊલટાનું આ દેખાવ પછી પાકિસ્તાનના મંત્રી શાઝિયા મારીએ તો ભારતને પરમાણુ હુમલાની ધમકી આપી છે. સાઝિયાએ ખુલ્લી ધમકીની ભાષામાં કહ્યું કે, ભારત એ ન ભૂલે કે પાકિસ્તાન પરમાણુ તાકાત ધરાવતો દેશ છે. કોઈ પાકિસ્તાનને થપ્પડ મારશે તો પાકિસ્તાન થપ્પડથી જ જવાબ આપશે. એક ગાલ પર થપ્પડ પડે તો બીજો ગાલ આગળ કરી દે એવો દેશ પાકિસ્તાન નથી. શાઝિયા મારીના લવારા પછી તો ભારતે શું કરવું જોઈએ એ કહેવાની જરૂર છે ખરી?