બિહારની રાજનીતિ તો બ્રિટનના રાજ  કાજ કરતાં પણ અનોખી અને વિચિત્ર

 બિહારની રાજનીતિ બ્રિટનની રાજનીતિ કરતા પણ વિશિષ્ટ છે. અહીં નેતાઓ દબંગ બનીને પ્રજાને ડરાવે પણ છે અને દિલથી વોટ માંગે પણ છે. પરંતુ બિહારના ઇતિહાસમાં એક એવો પણ નેતા થઈ ગયો જેણે પોતાની કુશાગ બુદ્ધિક્ષમતાથી દરેક પક્ષની સાથે રહીને પોતાની સરકાર બનાવી છે. વિશ્ર્વના ઇતિહાસમાં તેણે જેટલીવાર છડેચોક પક્ષપલટો કર્યો. એટલીવાર દરેક પક્ષના લોકોએ તેને બિરદાવ્યો. બિહારના બેતાજ બાદશાહ નિતીશકુમાર રાજકારણના પાક્કા ખેલાડી છે. આઠમી વખત તેઓ બિહારનું સૂકાન સંભાળી રહ્યા છે પરંતુ બિહારના વિકાસમાં એમનું યોગદાન શું એવો કોઈ સવાલ કરે તો એનો કોઈ મોટો જવાબ મળે તેમ નથી. શિક્ષણ કે આરોગ્ય કે બેકારી જેવા મુદ્દે બિહારના લોકોનો ઉદ્ધાર નીતીશના શાસનમાં થયો હોય તેવું નથી. જ્ઞાતિવાદ એમની રાજનીતિનો મુખ્ય ચાલક છે. અત્યારે જે થયું તેમાં કોઇ મોટી નવાઈની વાત નથી.

નીતીશકુમારે ૧૦ ઑગસ્ટે ૮મી વખત બિહારના મુખ્યમંત્રી પદ તરીકે શપથ લીધા. ભાજપના નેતૃત્વવાળી એનડીએ સાથે સંબંધ તોડ્યા બાદ તેમને ૯ ઑગસ્ટે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું. હવે રાષ્ટ્રીય જનતા દળની સાથે ગઠબંધન કરી તેઓ ફરીથી મુખ્યમંત્રી પદ ગ્રહણ કર્યું છે. ભાજપ સાથે સંબંધ તોડવા કે જોડવા કે પછી આરજેડીની સાથે આવવું અને તેમનાથી અલગ થવું, નીતીશ માટે કોઈ નવી વાત નથી. છેલ્લાં લગભગ ત્રણ દાયકાથી તેઓના ભાજપ અનેઆરજેડીની સાથે ઘણી વખત સંબંધ બન્યા પણ છે અને બગડ્યા છે. એટલે કે એમ કહીએ કે છેલ્લાં ૩ દાયકામાં ઓછામાં ઓછી ચાર વખત નીતીશનું હૃદય પરિવર્તન થયું છે. તેમનું રાજકીય કરિયર પણ રોલર કોસ્ટર રાઈડ જેવું છે.

૧ માર્ચ ૧૯૫૧નાં રોજ બિહારના બખ્તિયારપુરમાં જન્મેલા નીતીશકુમારે ૧૯૭૨માં ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની ડિગ્રી લીધી હતી. એક ઈન્ટરવ્યૂમાં નીતીશે કહ્યું હતું, તેમને અધૂરા મનથી સ્ટેટ ઈલેક્ટ્રિસિટી બોર્ડની નોકરી જોઈન કરી, પરંતુ પહેલો જ દિવસ તેમનો છેલ્લો દિવસ સાબિત થયો કેમ કે શરૂઆતથી જ તેમનું મન રાજનીતિમાં લાગતું હતું. પોતાની રાજનીતિના શરૂઆતના દિવસોમાં તેમને રામમનોહર લોહિયા, એસએન સિન્હા, કર્પૂરી ઠાકુર અને વીપી સિંહ જેવા દિગ્ગજ નેતાઓની સાથે કામ કર્યું. ૧૯૮૫માં તેઓ સત્યેન્દ્ર નારાયણ સિન્હાની અધ્યક્ષતાવાળા જનતા દળથી જોડાયા અને તે જ વર્ષે પાર્ટીની ટિકિટ પરથી હરનૌતથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા.જનતા દળમાં પોતાના શરૂઆતના દિવસોમાં નીતીશ કુમારે ૧૯૮૯માં બિહાર વિધાનસભામાં લાલુ પ્રસાદ યાદવના નેતા વિપક્ષ તરીકે સમર્થન કર્યું હતું. નીતીશ અને લાલુ એકબીજાને કૉલેજના દિવસોથી ઓળખે છે. બાદમાં બંને જ જયપ્રકાશ નારાયણના આંદોલન સાથે પણ જોડાયાં હતા.

માર્ચ ૧૯૯૦માં લાલુ પ્રસાદ યાદવ જ્યારે બિહારમાં પહેલી વખત મુખ્યમંત્રી બન્યા હતા, તો તેમાં નીતીશકુમારે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી, પરંતુ લાલુ સાથેની તેમની આ મિત્રતા લાંબો સમય ટકી ન હતી.૧૯૯૪માં નીતીશે લાલુ વિરૂદ્ધ બળવો કર્યો. જેનું કારણ એ હતું કે તે દિવસોમાં જનતા દળ પર લાલુનો ક્ધટ્રોલ હતો. લાલુનો સાથ છોડીને નીતીશે જ્યોર્જ ફર્નાન્ડિઝની સાથે મળીને સમતા પાર્ટીની રચના કરી હતી. નીતીશે ૧૯૬૬માં પહેલી વખત ભાજપની સાથે હાથ મિલાવ્યા અને અટલ બિહારી વાજપેયીની ૧૩ દિવસની સરકારમાં કૅબિનેટ મંત્રી બન્યા. તે વર્ષે જનતા દળના અધ્યક્ષ શરદ યાદવ અને લાલુ પ્રસાદ યાદવ વચ્ચેના સંબંધો વણસ્યા જે બાદ લાલુએ રાષ્ટ્રીય જનતા દળના નામથી નવી પાર્ટી બનાવી.
નીતીશ ૩ માર્ચ ૨૦૦૦નાં રોજ ભાજપની આગેવાનીવાળા એનડીએના સમર્થનથી પહેલી વખત બિહારના મુખ્યમંત્રી બન્યા, પરંતુ બહુમતી પુરવાર ન કરી શકવાને કારણે ૭ દિવસમાં જ ૧૦ માર્ચનાં રોજ તેમને રાજીનામું આપવું પડ્યું.
ત્યારે એનડીએને ૧૫૧ સીટ અને લાલુના આરજેડી અને કૉંગ્રેસ ગઠબંધનને ૧૫૯ સીટ મળી હતી, પરંતુ બંને જ બહુમતી માટે જરૂરી ૧૬૩ સીટથી દૂર હતા. તે સમયે બિહાર વિધાનસભામાં ૩૨૪ સીટ હતી. નવેમ્બર ૨૦૦૦માં બિહારથી અલગ થયા બાદ ઝારખંડ રાજ્ય બન્યું અને બિહાર વિધાનસભા કુલ ૨૪૩ સીટવાળી બની.
નીતીશકુમારની સમતા પાર્ટીએ ૨૦૦૩માં શરદ યાદવની જનતા દળની સાથે વિલિનીકરણ કર્યું. જો કે નીતીશે ભાજપની સાથે પોતાનું ગઠબંધન યથાવત રાખ્યું. આ વિલયથી જનતા દળ યુનાઈટેડનનું ગઠન થયું, જેના ચીફ નીતીશકુમાર બન્યા. નીતીશે ૨૦૦૫ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અને તેમના સહયોગી દળની સાથે મળીને ચૂંટણી લડી અને પૂર્ણ બહુમતી મેળવી, ૨૪ નવેમ્બર ૨૦૦૫નાં રોજ તેઓ બીજી વખત બિહારના મુખ્યમંત્રી બન્યા. નીતીશભાજપ ગઠબંધનની સાથે મળીને ૫ વર્ષ સુધી સરકાર ચલાવી.

નીતીશઅને ભાજપનું ગઠબંધન ૨૦૧૦ વિધાનસભા ચૂંટણીમાં પણ યથાવત રહ્યું અને આ ચૂંટણીમાં બહુમતી મેળવ્યા બાદ ૨૬ નવેમ્બર ૨૦૧૦નાં રોજ નીતીશ ત્રીજી વખત બિહારના મુખ્યમંત્રી બન્યા. નીતીશ અને ભાજપનું મજબૂત ગઠબંધ લગભગ ૧૭ વર્ષ પછી જૂન ૨૦૧૩માં પહેલી વખત ત્યારે તૂટ્યું, જ્યારે ભાજપે નરેન્દ્ર મોદીને ૨૦૧૪ની લોકસભા ચૂંટણી માટે એનડીએના વડા પ્રધાન પદના ઉમેદવાર જાહેર કર્યા. નીતીશે તે સમયે ભાજપથી અલગ થવા માટે કોમ્યુનલિઝ્મ એટલે કે સાંપ્રદાયિકતાનું કારણ આગળ ધર્યું હતું. ભાજપથી અલગ થયા બાદ ૨૦૧૩માં નીતીશે આરજેડી અને કૉંગ્રેસની સાથે મળીને મહાગઠબંધન બનાવ્યું પરંતુ થોડાં જ મહિનામાં મે ૨૦૧૪માં તેમને રાજીનામું આપી દીધું. ત્યારે લગભગ ૬ મહિના માટે જીતનરામ માંઝી મુખ્યમંત્રી બન્યા.ફેબ્રુઆરી ૨૦૧૫ની વિધાનસભા ચૂંટણીના થોડા સમય પહેલાં માંઝીની જગ્યાએ નીતીશ ચોથી વખત બિહારના મુખ્યમંત્રી બની ગયા.

નીતીશે ૨૦૧૫ની વિધાનસભા ચૂંટણી આરજેડી અને કૉંગ્રેસની સાથે મળીને મહાગઠબંધનના નેતૃત્વમાં લડી. મહાગઠબંધનને ૨૪૩માંથી ૧૭૮ બેઠક મળી. બે વર્ષની અંદર જ નીતીશના જેડીયુ, કૉંગ્રેસ અને આરજેડી સાથે મળીને બનાવેલું મહાગઠબંધન ૨૦૧૭માં તૂટી ગયું. કારણ લાલુના પુત્ર અને નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવનું નામ રેલવે કૌભાંડમાં મની લોન્ડ્રિંગમાં સામે આવ્યું હતું.
જે બાદ આરજેડી પર કરપ્શનનો આરોપ લગાવતા નીતીશે ગઠબંધન તોડી મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું હતું. તેઓ ૨૪ કલાકની અંદર જ ભાજપના સમર્થનથી ફરીથી મુખ્યમંત્રી બની ગયા.નીતીશ અને ભાજપનું ગઠબંધન ૨૦૧૯ની લોકસભા ચૂંટણી સુધી યોગ્ય રીતે ચાલ્યું અને એનડીએ અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરતા બિહારની ૪૦માંથી ૩૯ લોકસભા સીટ જીતી હતી.

વિધાનસભા ચૂંટણી પહેલાં જેડીયુ અને ભાજપના સંબંધ બગડવા લાગ્યા હતા. જેડીયુએ ભાજપ પર એમ કહીને નિશાન સાધવાનું શરૂ કરી દીધું કે ભાજપની પાસે રાજ્યમાં કોઈ નેતા નથી અને નીતીશ જ એનડીએના સીએમ બની શકે છે. અંતે ભાજપે નીતીશ કુમારને મુખ્યમંત્રી ઉમેદવાર જાહેર કરતા એક સરખી સીટ પર ચૂંટણી લડ્યા.. આ ચૂંટણીમાં જેડીયુને મોટું નુકસાન થયું જ્યારે ભાજપને મોટો ફાયદો થયો. જેડીયુની સીટ ૨૦૧૫ની તુલનાએ ૭૧થી ઘટીને ૪૩ થઈ, જ્યારે ભાજપની સીટ ૨૧થી વધીને ૭૪ થઈ ગઈ. આ ચૂંટણીમાં ભાજપના સમર્થનથી નિતિશ કુમાર સાતમી વખત બિહારના મુખ્મંત્રી બન્યા.

લગભગ ૨૧ મહિના પછી ફરી એકવખત નીતીશ કુમારનું હૃદય પરિવર્તન થયું છે. જેડીયુના રાષ્ટ્રીય અધ્યક્ષ લલ્લન સિંહે કહ્યું- ભાજપ પાર્ટીને નબળી પાડવાના પ્રયાસ કરે છે. અને અંતે ૯ ઓગસ્ટે નીતીશ કુમારે એનડીએ સાથેના સંબંધ તોડવાની જાહેરાત કરતા રાજીનામું આપી દીધું અને થોડી વાર પછી લાલુના આરજેડી સાથે ગઠબંધનની જાહેરાત પણ કરી દીધી. ૧૦ ઑગસ્ટે તેઓ આરજેડીના સમર્થનથી ૮મી વખત બિહારના મુખ્યમંત્રી બની ગયા.
નીતીશકુમારને કંઈપણ કહીએ પરંતુ તેઓ બિહારના લોકપ્રિય નેતા છે. રાજકીય સોગઠા મારવામાં નિષ્ણાત છે તેવું ફરી એકવાર પુરવાર થયું છે. બિહારનું મુખ્યમંત્રી પદ હવે એમના માટે લક્ષ્ય નથી. ફક્ત એમના માટે પગથીયું છે. ૨૦૨૪માં આવી રહેલી લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાનપદના દાવેદાર તરીકે નીતીશ પોતાને જોઈ રહ્યા છે અને એ દિશામાં જઈ રહ્યા છે. આવું થશે કે નહીં તે તો કહેવું ઘણું વહેલું છે અને ભાજપને ફક્ત બિહારમાં આવો આંચકો લાગ્યો તેનો અર્થ એ નથી કે ૨૦૨૪માં સત્તા પરિવર્તન થાય પરંતુ ભાજપ માટે એક પડકાર ઊભો થયો છે તે તો નક્કી છે.

નીતીશકુમાર માટે જાણે કુદરત માર્ગ ખાલી રહી હોય એમ લાગે છે. વડા પ્રધાનપદ માટે સોનિયા ગાંધી કે રાહુલ ગાંધી હવે દાવો કરી શકે તેમ નથી કારણ કે એમની સામે હેરાલ્ડ વાળો કેઈસ ઈડી સતત મજબૂત બનાવી રહ્યું છે. લાલુપ્રસાદની હવે ઉંમર થઈ છે. મુલાયમસિંહ યાદવ પણ વડા પ્રધાનની રેસમાં હવે ન ગણાય અને અખિલેશને કોઈ એ પદ માટે આ દેશમાં સ્વીકારે એટલી હદે દેશની લોકશાહી અપરિપક્વ નથી. મમતા બેનર્જીની દોડ પણ હાવડાનો પુલ પસાર કરી શકે તેમ નથી. શરદ પવાર સામે પણ કેટલીક ફાઈલો છે. આ સ્થિતિમાં નીતીશકુમાર એક વ્યક્તિ છે જેમના પર વિપક્ષના સંગઠનને કોઈ ભરોસો હોય. કેજરીવાલ પણ દિલ્હી વિધાનસભાની પાળી ઠેકીને પંજાબ જઈ શકે પરંતુ લોકસભામાં ઉચ્ચપદ પર જઈ શકે તેવી કોઈ સંભાવના નથી.

નીતીશ આ સંજોગોમાં વિપક્ષની નૈયા પાર ઉતારી શકે તેમ છે. નીતીશકુમાર અત્યંત શાતિર નેતા છે. ભાજપ સાથે એના સંબંધો અઢી દાયકા કરતાં જુના છે પરંતુ મહારાષ્ટ્રમાં દોઢ માસ પહેલાં જે ખેલ થયો તે જોઈને નીતીશ ચેતી ગયા. એમને થયું કે કોઈ એકનાથ શિંદે આપણાંમાંય ક્યાંક જાગે તો, ભાજપ લાગ જોઈને એને શોધી લે તો પછી નીતીશ શોધ્યા મળે નહીં. આમ પણ લોકસભામાં કેબિનેટ દરજજામાં ભાજપે નિતીશને મહત્ત્વ આપ્યું નહોતું. મુખ્યમંત્રી તેઓ રહ્યા છતાં એમની ઈચ્છા મુજબ કેન્દ્ર સરકાર વર્તી નહોતી. મહારાષ્ટ્રમાં વર્ષો સુધી શિવસેનાના સહારે સત્તાની નદી પાર કર્યા પછી મોકો જોઈને શિવસેનાને જ જ્યારે ભાજપે મઝધારે છોડી દીધી ત્યારે બધાને થયું કે આ તો મોટી રમત છે. આવું જ
બિહારમાં પણ શક્ય છે. વર્ચસ્વ વધે પછી આરજેડી કે જેડીયુ બધાનું અસ્તિત્વ ખતમ કરીને ભાજપ ત્યાં પણ પોતાના થાણા સ્થાપી દે તો નવાઈ નહીં. એ ભાજપની તાકાત છે. એક જમાનામાં આ તાકાત કોંગ્રેસની હતી તે લોકો ભૂલી ગયા છે એટલે ભાજપની ટીકા કરે છે.