બિહારની વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે પણ આ વખતે વરસાદી તારાજી બહુ છે. ઉપરાંત કોરોનાની સમસ્યા તો ખરી જ. આ પરિસ્થિતિમાં પણ ભારતના ચૂંટણીપંચે બિહારમાં સમયસર વિધાનસભાની ચૂંટણી થાય એ માટેની એક નવી ગાઈડ લાઈન જાહેર કરી છે. ભારત એક વિશાળ દેશ છે. વિશ્વની સૌથી મોટી લોકશાહીવાળો દેશ છે. આખું વર્ષ કોઈને કોઈ ચૂંટણીઓ દેશમાં ચાલતી હોય છે. એક આખું તંત્ર તેમાં વ્યસ્ત રહે છે. અબજોનો ખર્ચ અને માનવ શક્તિ તેમાં વ્યસ્ત રહે છે. કોરોના કાળમાં એક પણ ચૂંટણી યોજી શકાય નથી. હવે ડિસેમ્બર સુધીમાં મહાનગરપાલિકા, વિધાનસભાની પેટા ચૂંટણીઓ યોજવી પડે તેમ હોવાથી ચૂંટણી પંચે નવી ગાઈડ લાઇન બહાર પાડી છે.
કોરોના પ્રૂફ પ્રક્રિયા માટે આદેશો કર્યા છે. ડિસેમ્બરમાં કોરોનની શું હાલત હશે તે કોઈને ખબર નથી. દેશમાં સમયાંતરે એક દેશ, એક ચૂંટણી માટે અવાજ ઊઠતો રહે છે. દેશમાં સરેરાશ 13 પ્રકારની ચૂંટણીઓ યોજાય છે. પેટા ચૂંટણીઓ અલગ! રાજ્યસભા, લોકસભા, વિધાનસભા, મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, ગ્રામ પંચાયત મોટી – મુખ્ય ચૂંટણીઓ ગણાય. દરવર્ષે મતદાર યાદીઓ તૈયાર કરવી, મતદાન મથકો, ઇ.વી.એમ. , સલામતી, મતગણતરી જેવા ભગીરથ કાર્યોમાં તંત્ર સતત વ્યસ્ત રહે છે. ચૂંટણી ખરેખર તો લોકશાહીનું પ્રાણતત્ત્વ છે.
ચૂંટણીની વાત આવે એટલે ચૂંટણી કમિશ્નર ટી.એન.શેષાનને યાદ કરવા પડે. તેમણે કરેલા ચૂંટણી સુધારા અને આચરસહિંતાને કારણે સ્વચ્છ ચૂંટણીઓને નવી દિશા મળી. જો કે સમય જતાં તેમાં પણ છટકબારીઓ શોધી કાઢવામાં આવી છે. ગુજરાતની વાત કરીએ તો નજીકના સમયમાં વિધાનસભાની પેટા ચૂંટણી અને મહાનગરપાલિકાઓની મુદ્દત અનુસારની ચૂંટણી કરવાની થાય છે. પાંચ વર્ષના સમયગાળામાં મહાનગરપાલિકાઓના વિસ્તારમાં ઘણો વધારો કરવામાં આવ્યો છે. શહેરની આસપાસના ગ્રામ્ય વિસ્તારોનો ઉમેરો કરવામાં આવ્યો છે. જામનગરની વાત કરીએ તો હવે આ શહેર 125 કિલોમીટરનો વિસ્તાર ધરાવે છે. આ નવા ઉમેરાયેલા વિસ્તારો તંત્ર માટે માથાના દુઃખાવા સમાન છે. ત્યાં નવેસરથી વ્યવસ્થા ગોઠ વવી પડે.
ફરી પાછા એક જ ચૂંટણીની વાત ઉપર આવીએ તો, આ એક બહુ આદર્શ વ્યવસ્થા કહી શકાય, પરંતુ અમલમાં મૂકવી તે મહાભારતના યુદ્ધ જેટલું કઠિન છે. નરેન્દ્ર મોદી પોતે આ પદ્ધતિમાં રસ લઈ રહ્યા છે. જો આ સુધારાનો અમલ કરી શકશે તો દેશ તેનો કાયમ ઋણી રહેશે. ભારતમાં મોટાભાગની ચૂંટણીઓ દેશહિત કરતાં અંગત હિતો માટે વધુ લડવામાં આવે છે! સાચા સેવકો અદૃશ્ય થઈ ગયા છે. સ્વાર્થનું તત્ત્વ હવે ઉપર થઈ ગયું છે. આખા દેશમાં જો એક જ સમયે તમામ ચૂંટણીઓ માટે મતદાન કરવામાં આવે તો ઉત્તમ ગણાય. ગુજરાત તો કાયદો અને વ્યવસ્થાની બાબતમાં ઘણું સારું છે.
બિહાર, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, ઝારખંડ, ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ તો તોફાનો,મારામારી, ભ્રષ્ટાચારના ઘર છે. રામ ભગવાન આવે તો પણ દેશના 45 ટકા વિસ્તારમાં નિષ્પક્ષ ચૂંટણી કરાવી ન શકે! આજે સેવકો ના બદલે બાહુબલીઓ ખુરશી ઉપર ચડી બેસે છે. મોદી જો ખરેખર લોકશાહીને સ્વચ્છ કરવા માંગતા હોય તો, પક્ષપલ્ટા વિરોધી નિયમો કડક કરવાની જરૂર છે. જોકે તેમનો પક્ષ જ આ પ્રવૃત્તિ મોટા પાયે કરે છે. સરકારો ઊથલાવવી તે તંદુરસ્ત પ્રક્રિયા નથી! જે ઉમેદવાર જે ચિન્હ ઉપર ચૂંટાય ત્યાં ફરજિયાત પાંચ વર્ષ રહેવાનુ જ. તાજેતરમાં આપણે ગુજરાત અને રાજસ્થાનમાં ધારાસભ્યોની ભાગાભાગીના ખેલ જોયા. ગુજરાતને આજે પણ ખજુરાહો કાંડ યાદ છે.
તડ ને ફડ વાત કરીએ તો, દેશની પ્રજાને હવે કોઈ રાજકીય પક્ષ કે ઉમેદવારોમાં જીવંત રસ નથી. જિસ તડ મે લડ્ડુ, ઉસ તડ મે હમની માનસિકતા એ મતદારોનો વિશ્વાસ ડગમગાવી દીધો છે! એક દેશ એક ચૂંટણી આવે તો કમસેકમ અબજોનો ખર્ચ બચે! ભારતમાં સૌથી વધુ સમય અને શક્તિ ચૂંટણીઓના આયોજન અને યોજવા પાછળ થાય છે. લોકસભા કે વિધાનસભાની ચૂંટણી સમયે સરેરાશ 120 દિવસ સુધી વહીવટી તંત્ર ઠપ્પ રહે છે. બધા સરકારી વિભાગો માત્ર ચૂંટણીના જ કામો કરે છે. તેમાં તેનો પણ વાંક નથી ! પ્રક્રિયા અને નિયમો જ એટલા જટીલ છે કે, અધિકારીઓને રાત્રે ઊંઘ પણ નથી આવતી!
સંતોષની બાબત એ પણ છે જે, દેશમાં મજબૂત લોકશાહી છે. વિશ્વમાં 50 ટકા દેશોમાં નામની લોકશાહી છે. અંધાધૂંધી અને અવ્યવસ્થાથી પીડાય છે. પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ઈરાક, ઈરાન, લેબેનોન, સિરીયા જેવા દેશો તેનું અધમ ઉદાહરણ છે. વિશ્વના બે મોટા દેશો ચીન અને રશિયામાં પણ નામની જ લોકશાહી છે. આમ તો બન્ને સામ્યવાદી દેશો છે, તેથી તેમની પાસે અપેક્ષા રાખી પણ ન શકાય ! દેશના લોકો સ્વછ અને તંદુરસ્ત રાજની ખેવના રાખે છે. વર્તમાન સરકાર તે કેવી રીતે પૂર્ણ કરી શકે છે તે હિમાલય જેવડો સવાલ છે.