બીજી ટી-૨૦ મેચમાં ઇંગ્લેન્ડે શાનદાર પ્રદર્શન કરી પાકિસ્તાનને પાંચ વિકેટે હરાવ્યું

ઓઇન મોર્ગનની કેપ્ટન્સઇનિંગ્સઅને ડેવિડ મલાન સાથે તેની સદીની ભાગીદારીની મદદથી રવિવારે બીજી ટી૨૦ ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચમાં ઇંગ્લેન્ડે શાનદાર પ્રદર્શન કરીને પાકિસ્તાનને પાંચ વિકેટે હરાવીને ત્રણ મેચની સિરીઝમાં ૧-૦ની સરસાઈ હાંસલ કરી લીધી હતી. વરસાદને કારણે બંને ટીમો વચ્ચેની પહેલી મેચ રમાઈ શકી ન હતી. હવે ત્રીજી મેચ પહેલી સપ્ટેમ્બરે રોજ ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે રમાશે.
ઇંગ્લેન્ડની સામે ૧૯૬ રનનો લક્ષ્યાંક હતો. જોની બેરસ્ટો ૨૪ બોલમાં તાબડતોબ બે સિક્સર અને ચાર ચોગ્ગાની મદદથી ૪૪ રન ફટકારીને ટોમ બેન્ટન (૨૦) સાથે પ્રથમ વિકેટ માટે ૬૬ રનની ભાગીદારી કરી હતી. બંને એક જ સ્કોર પર આઉટ થયા બાદ મોર્ગને માત્ર ૩૩ બોલમાં છ ચોગ્ગા અને ચાર સિકસરની મદદથી ૬૬ રન બનાવ્યા હતા અને મલાન (૩૬ બોલમાં અણનમ ૫૪ રન) સાથે ત્રીજી વિકેટ માટે ૧૧૨ રન જોડ્યા હતા. તે સાથે ઇંગ્લેન્ડે ૧૯.૧ ઓવરમાં ૫ વિકેટે ૧૯૯ રન બનાવીને શાનદાર જીત મેળવી હતી.
અગાઉ કેપ્ટન બાબર આઝમ (૪૪ બોલમાં ૫૬ રન) અને ફખર ઝમાન (૨૨ બોલમાં ૩૬ રન)ની જોડીએ પ્રથમ વિકેટ માટે ૭૨ રનની ભાગીદારી કરીને પાકિસ્તાનને સારી શરૂઆત અપાવી હતી. બાદમાં મોહમ્મદ હાફીઝે શાનદાર પ્રદર્શન કરતાં ૩૬ બોલમાં પાંચ ચોગ્ગા અને ચાર સિક્સરની મદદથી ૬૯ રન કરીને પાકિસ્તાનને ૧૯૫ના સ્કોર સુધી પહોંચવામાં મદદ કરી હતી.