બી.જે મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતી વિધાર્થિનીએ આપઘાત કરી લેતા ચકચાર

અમદાવાદની બી.જે.મેડિકલ કોલેજમાં પીજીના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ એકાએક આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. પ્રાપ્ત થતી જાણકારી પ્રમાણે, અમદાવાદ શહેરના અસારવા વિસ્તારમાં આવેલી બી.જે. મેડિકલ કોલેજમાં પીજીનો અભ્યાસ કરતી યુવતિએ આજે ઝેરી દવા પીને આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. મૃતક વિદ્યાર્થિની ગુરુવારે સવારે કોલેજ જવાનું કહીને ઘરેથી નીકળી હતી. ત્યારબાદ તેણીની માતાએ ફોન કરતા તેણે ફોન ઉપાડ્યો ન હતો.

જેથી માતાએ દીકરીના મિત્રને જાણ કરતા તે હોસ્ટેલના રૂમમાં તપાસ કરવા ગઈ હતી. જ્યાં દરવાજો ન ખોલતાં હોસ્ટેલમાં રહેલી બારીમાંથી જોતા વિદ્યાર્થિની એક પલંગ પર પડી હતી અને મોઢામાંથી પ્રવાહી નીકળી રહૃાું હતું. આપને જણાવી દઇએ કે, છેલ્લા ૧ વર્ષથી માનસિક તણાવની દવા લેતી હોવાનું ખુલ્યું છે અને તેણીએ માનસિક તણાવની દવા ખાઇને આત્મહત્યા કરી હોવાનો ખુલાસો કર્યો હતો.

આ બનાવ અંગેની જાણ નજીકના પોલીસ મથકે કરવામાં આવતા તાત્કાલિક અસરથી પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી હતી. જો કે, પ્રાથમિક તપાસમાં કોઇ ચોક્કસ જાણકારી મળી નથી.