બેંક કર્મચારીઓના પગારમાં 15 ટકાનો વધારો: નવેમ્બર 2017થી મળશે એરિયર્સ

  • બેંકો પર રૂ. 7,900 કરોડનું વધારાનું ભારણ આવશે
  • નવેમ્બર 2017 થી વધારો લાગુ પડશે : 33 મહિનાનો એરિયર્સ અપાશે

દિલ્હી,
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે એક મોટો નિર્ણય લઈને સરકારી બેંકોના કર્મચારીઓને ૧૫ ટકા પગાર વધારો આપવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત તેમને કામની ગુણવત્તાના આધારે પણ ઇન્સેન્ટિવ ચૂકવવામાં આવશે. આ ૧૫ ટકા પગાર વધારો પણ ૨૦૧૭ ના નવેંબરથી લાગુ પાડવામાં આવશે. નવેંબર ૨૦૧૭ થી આ વધારો લાગુ પડશે તેથી દરેક બેંક કર્મચારીને ૩૩ મહિનાનું જંગી રકમનું એરિયર્સ પણ મળશે.
બેંક કર્મચારીઓના વિવિધ યુનિયનોની લાંબા સમયની માગણી હતી કે, બેંક કર્મચારીઓને પગાર વધારો ઘણા સમયથી મળ્યો નથી તો આ સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે. આ અંગે સતત સરકાર સાથે વાટાઘાટો ચાલુ હતી. બુધવારે બેંક કર્મચારીઓનાં વિવિધ યુનિયન્સ અને ઇન્ડિયન બેંક્સ એસોસિયેશને ૧૧મા તબક્કાની વાટાઘાટો પૂરી કરી હતી અને એક સમજૂતી હેઠળ બેંક કર્મચારીઓને પંદર ટકા પગાર વધારો આપવાનું નક્કી થયું હતું.
આ પગાર વધારો આપવાના કારણે કુલ ૭,૯૮૮ કરોડ રૂપિયાનો વધારાનો ખર્ચ બેંકો પર આવી પડશે. ૦ ૨૦૧૭ના માર્ચની ૩૧મીથી એટલે કે ૨૦૧૭ના નવા નાણાંકીય વર્ષથી આ પગાર વધારો અમલી ગણાશે. છેલ્લે ૨૦૧૨માં બેંક કર્મચારીઓનો પગાર વધ્યો હતો. પાંચ વર્ષ પછી હવે ૨૦૧૭ થી ૨૦૨૨ સુધીના પાંચ વર્ષ માટે આ ૧૫ ટકાના પગાર વધારાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. બેંક યુનિયન્સ દ્વારા ૨૦ ટકાની માગણી કરવામાં આવી હતી જ્યારે ઇન્ડિયન બેંક્સ એસોસિયેશને સવા બાર ટકાની માગણી કરી હતી.