પરંતુ, આરબીઆઇ ગવર્નરના અર્થતંત્રના સંયોગો વિશેના નિરીક્ષણે રોકાણકારોને વધુ સાવધ કર્યા છે. જે બેન્કોની બેલેન્સ શીટ મજબૂત છે તેમને પ્રમાણમાં ઓછી મૂડી જોઈશે. પણ તેમના શેરના મૂલ્યાંકન ઓછા ચાલી રહ્યા હોવાથી રોકાણકારોને આકર્ષણ ઓછું રહેશે. જેમની નાણાકીય સ્થિતિ મજબૂત નથી તેમના શેરમાં ઓછું આકર્ષણ રહેશે અને બોન્ડમાં વધુ વ્યાજ ચુકવવાની તૈયારી રાખવી પડશે. જે સંસ્થાકીય અને એચએનઆઈ- મોટા રોકાણકારોએ યસ બેન્કના એટી -1 બોન્ડમાં નાણાં રોક્યા હતા તેમણે એ બેન્કની કાચી પડવાની નોબત આવી ત્યારે એ બોન્ડમાં રોકેલા રૂ.8,415 કરોડથી હાથ ધોઈ નાખવા પડ્યા હતા. આ રોકાણકારો કડવો અનુભવ હજી ભૂલ્યા નથી. તેથી બેન્કોએ સામા પ્રવાહે તરવાનું થશે.
રેટિંગ એજન્સી ઈકરાનો અંદાજ છે કે આ વર્ષે બેન્કોને વધારાની 45,000થી 82,500 કરોડ રૂપિયાની વધારાની મૂડીની આવશ્યકતા પડશે. જાહેર ક્ષેત્રની સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (એસબીઆઈ) સહિતની કેટલીક બેન્કોની મૂડી પર્યાપ્તિનું પ્રમાણ લઘુત્તમ મર્યાદાથી ઉપર હોવા છતાં તેમની નફાશક્તિ દબાણ હેઠળ આવી હોવાથી તેઓ મૂડી બજારમાં આવી રહી છે. કોરોનાની મહામારી પહેલા રજૂ થયેલા આ વર્ષના બજેટમાં સરકારે જાહેર ક્ષેત્રની (પીએસયુ) બેન્કો માટે મૂડી ફાળવણીની કોઈ જોગવાઈ કરી નથી. થોડા સમય પહેલા પીએસયુ બેન્કોની માલિકી ધરાવતી સરકારે તેના બોન્ડની મુદત તાજી કરી આપીને નવી મૂડી ઉભી કરી હોવાનો દેખાડો કર્યો હતો, પણ રોકાણકારો આવી ચાલાકીથી ભોળવાય નહીં.
હવેના બદલાયેલા સંયોગોમાં સરકાર તરફથી નક્કર સહાયની અપેક્ષા પણ રખાય નહીં. આ કારણે પણ પીએસયુ બેન્કોએ નાણાં મેળવવા બજારમાં આવવું પડશે. જો તેઓ બફર મૂડી ઉભી નહીં કરે તો ક્રેડિટ સ્યુઈસની ગણતરી પ્રમાણે બેન્કોનો ખર્ચ બે ટકા સુધી વધશે, જે તેઓ ધિરાણ લેનારાના શિરે નાખશે. સરકાર કોવિદ-19ની કટોકટીમાં ટકી રહેવા વેપાર-ઉદ્યોગોને, ખાસ કરીને સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ (એમએસએમઈ) ક્ષેત્રને મદદ કરી રહી છે ત્યારે તેમનો ધિરાણ ખર્ચ વધારવાના કોઈ પણ પગલાના અવળા પરિણામ આવશે.
બેન્કિગ ક્ષેત્રમાં પાઘડીનો વળ છેડે, એટલે શેર અને ઋણ સાધનોમાં રોકાણ કરનારા ઉપર, આવી રહ્યો છે. ત્યારે રોકાણકારોનો આર્થિક સંયોગો વિશે કેવો અભિગમ લે છે તેના ઉપર બેન્કિગ ઉદ્યોગના મૂડી ભરણાની સફળતાનું ભાવિ નક્કી થશે. કોરોનાને કારણે માર્ચના અંતભાગેથી દેશભરમાં લાગુ કરવામાં આવેલા લોકડાઉન પછી જૂન મહિનામાં છૂટછાટો આપવાનું શરૂ થયું તેના પગલે રૂ.4 લાખ 30 હજાર કરોડનું કદ ધરાવતા ગ્રાહક વપરાશની ચીજો (ફાસ્ટ મુવીંગ કન્ઝ્યુમર ગુડ્સ-એફએમસીજી) ક્ષેત્રના આંતરપ્રવાહોએ ભારતીય અર્થતંત્રની ધીંગી તાકાત બતાવી છે.
અર્થતંત્રમાં ચોથા ક્રમે આવતા આ ક્ષેત્રનું વેચાણ જૂન મહિનામાં માર્ચ-20 પહેલાના સ્તરે પહોંચી ગયું હતું. આ માંગ લોકડાઉનના બે મહિનામાં મોકૂફ રહેલી ખરીદીની હોઈ શકે તેવી શક્યતાનું ખંડન એ હકીકતથી થાય છે કે જૂન મહિનામાં જીવનજરૂરિયાતની યાદીમાં ઓછા મહત્વની એવી ત્વચાની માવજતવાળી અને સૌંદર્ય પ્રસાધનોની કેટેગરીની ચીજોના વેચાણે આ સુધારાને દોર્યો હતો. એક સર્વેમાં જણાયેલી માંગની આ તરાહ સૂચવે છે આગળ જતા માંગવૃદ્ધિ ધીમી નહીં પડે, પણ વધતી જશે.
સામાન્ય રીતે ગ્રાહક પાસે ખર્ચ કરવાના નાણાં મર્યાદિત હોય ત્યારે તેની ખરીદીની અગ્રતા અન્ન અને ખોરાકની અને તે પછી કપડાં, સાબુ, તેલ જેવી જીવનજરૂરી ચીજોની હોય છે. પણ જયારે હેર કલર અને ડિઓડરન્ટ્સ જેવા સૌંદર્ય પ્રસાધનોની માંગ અન્ન અને ખાદ્ય પદાર્થો કરતા પણ વધુ હોય ત્યારે તે ચોક્કસ દિશાસૂચક છે.આ સર્વે કરનારી સંસ્થા નિલ્સનના સાઉથ એશિયા પ્રેસિડેન્ટ પ્રસૂન બસુનાં એ નિરીક્ષણની સાથે સહમત થઇ શકાય નહીં કે આ ખરીદી ગ્રાહકોના માલ સંગ્રહ કરવાના ઈરાદાથી થઇ હતી, કારણ કે જૂનમાં તેની કોઈ પુરવઠા સમસ્યા બજારમાં હતી નહીં. એમાંથી કેટલીક ખરીદી લોકડાઉનને કારણે મોકૂફ રહેલી ખરીદીના આવવાથી થઇ હોય તો પણ માંગમાં જે વૃદ્ધિ આવી તે ગ્રાહકોનો નિર્ણય સૂચવે છે.
શહેરોના કરતા ગ્રામીણ વિસ્તારોના ગ્રાહકોની એફએમસીજી પ્રોડક્ટ્સની ખરીદી વધુ હોવાનું સૂચવે છે. આ વિસ્તારોમાં કૃષિ પ્રવૃત્તિ સમયસર શરૂ થઇ અને શહેરોમાંથી આ વિસ્તારોમાં શ્રમિકોના આગમનથી પણ કુલ વપરાશી માંગ વધી હતી. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના સર્વેમાં પણ કહેવાયું છે કે સારા ચોમાસાના કારણે ગ્રામીણ વિસ્તારોની માંગ અર્થતંત્રમાં આ વર્ષના ઉત્તરાર્ધ (ઓક્ટોબરથી માર્ચ)માં તેના પૂર્વાર્ધ કરતા વધુ હશે અને તે આ વર્ષ 2020-21ના આર્થિક વિકાસને દોરશે. ગ્રામીણ માંગના ટેકે એફએમસીજી ક્ષેત્રની જેમ ઓટોમોબાઇલ સહિતનાઅન્ય ઉદ્યોગોમાં પણ માંગ વધશે. માંગમાં જૂનમાં દેખાયેલો સુધારો પાયો બનશે તેવી આશા અસ્થાને નથી.