બેન સ્ટોક્સે વીલિયર્સના બદલે ચહલને મેન ઓફ ધ મેચનો હકદાર ગણાવ્યો..!

ઈંગ્લેન્ડ અને રાજસ્થાન રોયલ્સના ઓલરાઉન્ડર બેન સ્ટોક્સે કહૃાું છે કે, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચેની મેચમાં યુઝવેન્દ્ર ચહલને મેન ઓફ મેચનો એવોર્ડ મળવો જોઈતો હતો. સોમવારે શારજાહમાં થયેલ મુકાબલામાં બેંગ્લોરની ટીમે કોલકાતાને ૮૨ રનથી હરાવી મોટી જીત મેળવી હતી. કોલકાતાની સામે ૧૯૫ રનનો લક્ષ્ય હતો પણ તે ૨૦ ઓવરમાં ૯ વિકેટ ગુમાવીને ૧૧૨ રન જ બનાવી શકી હતી. ક્રિસ મોરિસ અને વોશિંગટન સુંદરે બે-બે વિકેટ ઝડપી હતી. ચહલે ચાર ઓવરમાં માત્ર ૧૨ રન આપીને કેકેઆરના કેપ્ટન દિનેશ કાર્તિકની વિકેટ લીધી હતી.
સ્ટોક્સે ટ્વીટ કરીને લખ્યું કે, બેટ્સમેનોનાં આ મુકાબલામાં યુઝવેન્દ્ર ચહલને મેન ઓફ ધ મેચ પસંદ કરવો જોઈતો હતો. શાનદાર બોલિંગ આક્રમણ ખાસ કરીને જ્યારે આ મેચ શારજાહમાં રમાય હોય. ઉલ્લેખનીય છે કે, ચહલે અત્યાર સુધી આઈપીએલમાં ૧૦ વિકેટ લીધી છે. તે સૌથી વધારે વિકેટ લેનાર બોલર્સની લિસ્ટમાં પાંચમા નંબરે છે.
આઈપીએલ અને ક્રિકેટમાં આ વિવાદ વર્ષો જૂનો છે. ક્રિકેટમાં હંમેશાથી બેટ્સમેનને વધારે પ્રાધાન્ય અપાતું હોવાના આરોપ લગાવવામાં આવે છે. જ્યારે બોલર્સની અવગણના થતી હોવાની પણ વાતો કરવામાં આવે છે. બેન સ્ટોક્સે પણ પોતાની ટ્વીટમાં ‘બેટ્સમેનોનાં આ મુકાબલામાં લખીને આ વાતને વધારે હવા આપી છે. તેવામાં બોલર્સના યોગદાનને કેમ ઓછો આંકવામાં આવે છે તેના પર સ્ટોક્સે સવાલ ઉભા કર્યા હતા.