બેન સ્ટોક્સ પરત ફરશે ત્યારે મારું સ્થાન જોખમમાં આવી જશે : બિલિંગ્સ

ઇંગ્લેન્ડનો સેમ બિલિંગ્સ હાલમાં શાનદાર રમત દાખવી રહૃાો છે. આયર્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામે શાનદાર બેટિંગ કરીને બિલિંગ્સે ઇંગ્લેન્ડની ટીમમાં મહત્વનું સ્થાન હાંસલ કરી લીધું છે પરંતુ હકીકત એ છે કે તેને ઓલરાઉન્ડર બેન સ્ટોક્સને સ્થાને ટીમમાં જગ્યા કરી આપવામાં આવી હતી. બેન સ્ટોક્સન પિતા બીમાર છે અને તેઓ ન્યૂઝીલેન્ડમાં સારવાર લઈ રહૃાા હોવાથી ઇંગ્લેન્ડનો મહાન ઓલરાઉન્ડર હાલમાં તેના પિતાની સાથે છે.
બિલિંગ્સે કબૂલ્યું હતું કે સ્ટોક્સ પરત ફરશે ત્યારે તેનું સ્થાન જોખમમાં છે કેમ કે મેં તો હાલમાં સ્ટોક્સની જગ્યા કામચલાઉ રીતે જ ભરી છે. સેમ બિલિંગ્સે ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ વન-ડે ક્રિકેટ મેચમાં શાનદાર ૧૧૮ રન ફટકાર્યા હતા. જોકે તેની સદી ઇંગ્લેન્ડને વિજય અપાવી શકી ન હતી. બિલિંગ્સ આ અગાઉ પણ માત્ર રિપ્લેસમેન્ટની રીતે જ ટીમમાં આવ્યો છે. ગયા મહિને આયર્લેન્ડ સામેની સિરીઝ વખતે જો ડેનલી ઘાયલ થયો હતો અને તેને કારણે બિલિંગ્સને ટીમમાં સામેલ કરાયો હતો. આ વખતે સ્ટોક્સની જગ્યાએ તેને સ્થાન મળ્યું છે.
ઓઇન મોર્ગન પણ ટીમમાં પરત ફરવા માટે તૈયાર છે. આમ બિલિંગ્સને ક્યારેક તો જગ્યા કરી જ આપવી પડશે. તેણે જણાવ્યું હતું કે ટીમમાં સ્થાન નિશ્ર્ચિત કરવાના મામલે તે હાલમાં વિશ્વની સૌથી કપરી ટીમ માટે રમી રહૃાો છે જેમાં સ્થાન હાંસલ કરવા માટે એક કરતાં વધારે શ્રેષ્ઠ ખેલાડી રાહ જોઈ રહૃાા છે.