અમરેલી, કોરોના વાયરસ અંતર્ગત લોકડાઉનની ગાઇડલાઇન અમલ હેઠળ અમરેલી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તા.18-4-20 ના રોજ આદેશ કરી જેસીબીથી ખાઇઓ ખોદી પાળા કરી રોડતોડીને અમરેલી જિલ્લાના 130 કરતા વધારે ગ્રામીણ માર્ગો કે જે પડોશના રાજકોટ, ભાવનગર, ગીર સોમનાથ, જુનાગઢ જિલ્લાના ગામડાઓને અમરેલી જિલ્લાના ગામડાઓ સાથે જોડાણમાં હતા તેવા 130 જેટલા ગ્રામીણ માર્ગો બંધ કરવાના નિર્ણય સામે માર્કેટ યાર્ડના ચેરમેનશ્રી દિપકભાઇ માલાણી તરફથી નામ ગુજરાત હાઇકોર્ટમાં જાહેર હીતની પીઆઇએલ દાખલ કરવામાં આવેલ.
જેની તા.22-5-20 ના રોજ નામ. હાઇકોર્ટમાં મુખ્ય ન્યાયમુર્તિશ્રીની ખંડપીઠ સમક્ષ સુનાવણી થતા આજે નામ.કોર્ટે સરકારશ્રીને પુછેલ કે આ પ્રશ્ર્નનું નીરાકરણ લાવવા માટે તા.1-5–20 ના આપેલ ડાયરેકશન મુજબ નીરાકરણ માટે શુ પગલા લીધ્ોલ છે સરકારશ્રી તરફે સરકારી વકીલે ખંડપીઠ સમક્ષ બે દિવસમાં તમામ માર્ગો ખોલી નાખવામાં આવશે તેવુ સબમીશન કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન જી.પં. અમરેલી ના પત્ર સાથે આપેલ છે. જેનાથી અમરેલી જિલ્લાના અને પડોશી જિલ્લાના ગામો વચ્ચે અવરોધાયેલ માર્ગ વાહન વ્યવહાર પુન: શરૂ થવાની આશા જીવંત બની છે. અને ખાસ કરીને વાવણીનો વરસાદ આવ્યા પહેલા આ નિર્ણય આવી જાય તો ખેડુતોના વાવણી પુર્વેના અટકી પડેલા કામો શરૂ થઇ શકશે. નહી તો કેટલાક ગામોના ખેડુતોની વાવણી જેવી પાયાની કામગીરી કરવાથી વંચીત રહે તેવી સ્થિતી ઉભી થયેલ છે. બે દિવસમાં રસ્તા ખોલી નાખવાની નામ.હાઇકોર્ટને ખાત્રી આપતુ જિલ્લા વહીવટીતંત્રની સબમીશન ગ્રામીણ વિસ્તારના ખેડુતો પશુપાલકો ખેત મજુરો સહિત તમામ વ્યવસાયકારો માટે પુન: સુવિધા આપનારૂ સાબીત થશે. આ પી.આઇ.એલ.માં અરજદારશ્રી દિપકભાઇ માલાણી તરફે હાઇકોર્ટમાં એડવોકેટશ્રી ભૌમિકભાઇ ઢોલરીયા હાજર રહેલ.