બોર્ડની પરીક્ષાઓમાં ફેરફાર કરીને મોદીએ વિદ્યાર્થીઓને બચાવી લીધા

કોરોનાના વધતા કેસો અને તેના કારણે વધી રહેલા વિવાદ વચ્ચે નરેન્દ્ર મોદી સરકારે બુધવારે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેક્ન્ડરી એજ્યુકેશન (સીબીએસઈ)ની બોર્ડની પરીક્ષા અંગે બહુ મોટો નિર્ણય લઈ લીધો. સીબીએસઈની ધોરણ 12ની બોર્ડની પરીક્ષા 4 મેથી શરૂ થઈને 14 જૂન સુધી ચાલવાની હતી. મોદી સરકારે આ પરીક્ષા હમણાં નહીં યોજવાનું નક્કી કરીને પાછી ઠેલી છે જ્યારે ધોરણ દસની બોર્ડની પરીક્ષા તો રદ જ કરી નાખી છે. મતલબ કે, દસમાની બોર્ડની પરીક્ષા સાવ લેવાશે જ નહીં ને દસમામાં ભણતાં છોકરાંને વગર પરીક્ષાએ ઉપર ચડાવી દેવાશે. છોકરાંને ઉપર ચડાવવા માટે કયા ધારાધોરણ રખાશે તેનો ફોડ મોદી સરકારે નથી પાડ્યો. અત્યારે એવું કહ્યું છે કે, બોર્ડ દ્વારા નક્કી કરાયેલા હકારાત્મક માપદંડના આધારે ધોરણ 10નું બોર્ડનું પરિણામ તૈયાર કરાશે ને તેના આધારે છોકરાંને અગિયારમા ધોરણમાં ચડાવાશે.
આ માપદંડ શું હશે તેની આપણને ખબર નથી. સ્કૂલો દ્વારા લેવાતી આંતરિક કસોટી પણ તેનો માપદંડ હોઈ શકે ને બોર્ડ લેવા ખાતર ઓનલાઈન પરીક્ષા લે એવું પણ બને. જે પણ નક્કી થશે એ વાજતું ગાજતું સામે આવવાનું જ છે ને આજે નહીં તો કાલે ખબર પડશે જ પણ વાત ટૂંકમાં એટલી જ છે કે, સીબીએસઈ સાથે સંકળાયેલી સ્કૂલોનાં દસમા ધોરણનાં છોકરાંએ આ વરસે પરીક્ષા આપવા માટે પરીક્ષા કેન્દ્રોમાં જવું નહીં પડે. બોર્ડ પરીક્ષા ના લેતું હોય એ સંજોગોમાં જે પણ માપદંડ નક્કી થાય એ ઢીલા જ હોય એ જોતાં મોટા ભાગનાં છોકરાં અગિયારમા ધોરણમાં જતાં રહેશે એ નક્કી છે.
કેન્દ્ર સરકારે નક્કી કરી નાખ્યું પછી રાજ્યો વિદ્યાર્થીઓને પરીક્ષા લેવાની ફરજ પાડીને અળખામણાં શું કરવા બને ? રાજ્યો પણ મોદી સરકારના રસ્તે જ ચાલશે. રાજ્ય સરકારનાં બોર્ડ પણ મોદી સરકારે લીધો એવો જ નિર્ણય લેશે એ જોતાં આ વખતે દેશમાં દસમા ધોરણના મોટા ભાગના વિદ્યાર્થી પરીક્ષા આપવા જવાની કડાકૂટમાંથી છૂટી ગયા છે એ નક્કી છે. બારમા ધોરણની બોર્ડની પરીક્ષાના આધારે વિદ્યાર્થી કઈ લાઈનમાં જશે એ નક્કી થતું હોય છે તેથી બારમા ધોરણની બોર્ડની પરીક્ષા રદ ન કરી શકાય. બારમા ધોરણમાં બોર્ડની પરીક્ષામાં સાયન્સમાં તો પ્રેક્ટિકલ પરીક્ષા પણ હોય છે ને એ ઘેર બેઠા ન જ આપી શકાય એ જોતાં બારમા ધોરણની પરીક્ષા આજે નહીં તો કાલે લેવી જ પડે. એ વિના છૂટકો નથી એ જોતાં મોડી તો મોડી પણ બારમાના બોર્ડની પરીક્ષા લેવાશે જ પણ કમ સે કમ અત્યારે પરીક્ષા પાછી ઠેલાઈ ગઈ તેથી બારમાના વિદ્યાર્થીઓને પણ રાહત થઈ ગઈ છે.
સીબીએસઈની બોર્ડની પરીક્ષા રદ કરવા ક્યારનીય માગણી થતી હતી પણ મોદી સરકાર કશું નક્કી કરી શકતી નહોતી. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તો કે દિવસની ધોરણ 10 ની બોર્ડની પરીક્ષા રદ કરવાની આજીજી કરેલી. પ્રિયંકા ગાંધી સહિતનાં બીજા વિપક્ષી નેતાઓએ પણ આ માગણીમાં સૂર પુરાવેલો. છોકરાં પરીક્ષા આપવા જાય ને કોરોનાનો ચેપ લઈને ઘરે આવે તેમાં તેમની વાટ ના લાગી જાય એટલે હાલ પૂરતો પરીક્ષાઓમાં પૂળો મૂકો એવી માગણી એ બધાં છેલ્લા ત્રણ મહિનાથી કરતા હતા.
મોદીએ મોડે મોડે પણ આ નિર્ણય લઈને સારું કર્યું તેમાં શંકા નથી. કોરોનાના કેસમાં કોઈ ચાન્સ લેવાય એમ જ નથી ને તેમાં પણ કોરોનાનો નવો સ્ટ્રેઈન આવ્યો છે તેમાં તો બાળકો પણ કોરોનાનો ભોગ બને છે એ જોતાં જરાય ગાફેલ રહેવું પરવડે એમ જ નથી. કોરોના વાઈરસનો ચેપ ફેલાવાનો સૌથી વધારે ખતરો બાળકો અને વૃદ્ધોમાં હોય છે એવું નિષ્ણાતો ગાઈવગાડીને કહી ચૂક્યા છે. બાળકો અને વૃદ્ધોની રોગ પ્રતિકારક શક્તિ નબળી હોય છે તેથી તેમને ચેપ લાગવાનો ખતરો સૌથી વધારે હોય છે. બાળકોમાં સમજ ના હોય એ સંજોગોમાં એ કારણે ગમે ત્યાં અડકે ને અડક્યા પછી નાક-મોં પર હાથ ફેરવે તેમાં તેમને ચેપ લાગી શકે. આ બાળકો ઘરે આવે પછી પોતાના પરિવારજનો સાથે પણ પ્રેમથી વર્તીને એકદમ નિકટતા બતાવતાં હોય છે. તેના કારણે પરિવારજનો પણ તેમના સંપર્કમાં આવીને કોરોનાનો ભોગ બને એ જોતાં વિદ્યાર્થીઓને તો કોરોનાનો ચેપ લાગવાના ખતરાથી દૂર રાખવામાં શાણપણ જ છે.
કોરોના વાઈરસના ચેપથી બચવાનો સૌથી શ્રેષ્ઠ ઉપાય સોશિયલ ડિસ્ટન્સિંગ છે પણ પરીક્ષાઓમાં સોશિયલ ડિસ્ટન્સિંગની જાળવણી શક્ય જ નથી. એક બેંચ પર એક જ વિદ્યાર્થીને બેસાડવાના દાવા ભલે થતા પણ એ શક્ય નથી. મોટા ભાગની શાળાઓમાં સાવ ખોલકી જેવા રૂમો હોય છે તેથી બાળકોને એટલા નજીક બેસાડાય છે કે એકબીજાના શ્વાસ સુદ્ધાં અડકે. આ સ્થિતિમાં એક વિદ્યાર્થીને પણ ચેપ લાગે તો આખા ક્લાસને ચેપ લાગતાં વાર ન લાગે. ક્લાસને લાગે એટલે તેમનાં પરિવારજનો પણ ભોગ બને જ.
સરકાર કે સ્કૂલો ગમે તે કહે પણ આપણે ત્યાં શાળા, કોલેજો કે કોઈ પણ શૈક્ષણિક સંસ્થાઓમાં ક્લાસની બહાર પણ સોશિયલ ડિસ્ટન્સિંગની શું હાલત હોય છે તે આપણને બધાંને ખબર છે. આપણે બીજું કશું ના વિચારીએ ને માત્ર પીવાના પાણી કે બાથરૂમના ઉપયોગ જેવી અનિવાર્ય બાબતો વિશે વિચારીએ તો પણ સમજાય કે પરીક્ષાઓમાં સોશિયલ ડિસ્ટન્સિંગ શક્ય નથી ને ચેપ લાગવાનો ખતરો સૌથી વધારે છે. આ સંજોગોમાં પરીક્ષા નહીં યોજવી એ જ શ્રેષ્ઠ ઉપાય હતો ને મોદી સરકારે એ નિર્ણય લઈને સારું કર્યું છે. ને આમ પણ એક વરસ છોકરાં પરીક્ષા નહીં આપે તો કશું ખાટું મોળું થઈ જવાનું નથી., આભ તૂટી પડવાનું નથી.
આપણા માટે બાળકોના જીવ કરતાં વધારે મહત્ત્વનું કશું નથી. છોકરાં બે મહિના મોડી પરીક્ષા આપશે કે આખું વરસ પણ નહીં ભણે તો કશું બગડી જવાનું નથી. અહીં વાત જીવ પર વાત આવીને ઊભી રહી ગઈ છે ત્યારે છોકરાંની પરીક્ષાની ચિંતા કરવા જેવી નહોતી. છોકરાં ભણીને એક વરસ મોડાં પોપટ બનશે કે સાવ પોપટ નહીં બને તો પણ કોઈ ફરક પડી જતો નથી. જાન હૈ તો જહાં હૈ એ હિસાબે છોકરાંને સલામત રાખવાં વધારે જરૂરી છે ને મોદી સરકારે એ જ કામ કર્યું છે. મોદી સરકારે આવો જ નિર્ણય ધાર્મિક કાર્યક્રમોના મામલે લેવાની જરૂર છે. ધર્મસ્થાનોમાં જામતી ભીડ કઈ રીતે નુકસાન કરી શકે તે આપણે તબલીઘી જમાતના જલસાના અનુભવ પરથી જોયું જ હતું ને છતાં આપણે ત્યાં લોકો તેના પરથી કોઈ બોધપાઠ શીખ્યા નથી. અત્યારે કુંભમેળાના નામે એવો તાયફો ચાલી જ રહ્યો છે. તબલીઘીઓએ જલસો ન કર્યો હોત તો આભ તૂટી પડવાનું નહોતું.
લોકો પોતાનાં ઘરોમાં ભરાઈ રહ્યાં હોત તો સલામત રહ્યાં હોત. તેના બદલે આ જલસામાં ગયા ને તેમાં કેટલાય ઢબી ગયા. એ બધા ઢબી ગયા એ તો ઠીક પણ બીજાં કેટલાંયને પણ ચેપ લગાડતા ગયા. આ જ ખેલ અત્યારે કુંભમેળાના નામે થઈ રહ્યો છે. તબલિગી જમાત એક ઈસ્લામની શાખા છે ને કારણ વિના એને બહુ વધારે બદનામ કરવામાં આવ્યા. બેંગ્લોરની હાઈકોર્ટેમાં એના કેસ પણ બહુ ચાલ્યા. કુંભમેળામાં લાખોની ભીડ જામે છે ને સોશિયલ ડિસ્ટન્સિંગની તો પત્તર જ ખંડાઈ ગઈ છે. આ કુંભમેળો કોરોના વિસ્ફોટ સર્જે એવો પૂરો ખતરો છે ને એવું થાય એ પહેલાં મોદી સરકાર જાગે ને ચાબૂક ચલાવે એ જરૂરી છે.કુંભમેળો દર ચાર વર્ષે આવે જ છે ને એક વરસ નહીં યોજાય તો કશો ફરક પડી જવાનો નથી. ભગવાન બધું સમજે જ છે, કુંભમેળો નહીં યોજો તો એ નારાજ થવાના નથી. આ વાત માત્ર કુંભમેળાની નથી પણ જ્યાં પણ લોકો ભેગાં થાય એવા તમામ ધાર્મિક કાર્યક્રમો વરસ સુધી બંધ કરાવી દેવા જોઈએ કે જેથી એક મોરચે તો નિરાંત થઈ જાય. ધર્મ સંવેદનશીલ વિષય છે તેથી રાજકારણીઓ આંખ આડા કાન કરીને ધર્મના નામે ચાલતાં પ્રસંગોને રોકતા નથી. સામાન્ય સંજોગોમાં એ બધું ચાલે પણ અત્યારે આ બધું ન જ ચલાવાય.