બ્રિટનમાં વેક્સિનનો વ્યાપક ઉપયોગ સંભવ થતાં જગતને આશા બંધાઈ

આપણે ત્યાં કોરોનાની રસીના મુદ્દે સરકાર સખત પ્રયત્નશીલ છે ત્યારે યુનાઈટેડ કિંગડમ (યુકે)એ કોવિડ-19 રસીને તાબડતોબ મંજૂરી આપીને પોતાના નાગરિકોને આવતા અઠવાડિયાથી કોરોનાની રસી આપવાનું એલાન પણ કરી દીધું. મૂળ અમેરિકાની પણ આખી દુનિયામાં પથારો કરીને બેઠેલી મલ્ટિનેશનલ ફાર્મા કંપની ફાઈઝર ઈન્કોર્પોરેશન અને જર્મનીની બાયોટેકનોલોજી કંપની બાયોએનટેકસ એસઈએ સાથે મળીને બનાવેલી આ રસી પર છેલ્લા ત્રણ મહિનાથી કામ ચાલતું હતું. ગયા મહિને જ બંને કંપનીએ એલાન કરેલું કે, ક્લિનિકલ ટ્રાયલ ડેટામાં આ રસી 95 ટકા અસરકારક હોવાનું માલૂમ પડ્યું છે. મેસેન્જર આરએનએ નામની નવી જ ટેકનોલોજી પર બનાવાયેલી આ રસીની કોઈ આડઅસર નહીં હોવાનો દાવો પણ કંપનીએ કરેલો.

અમેરિકા, બ્રિટન સહિતના પશ્ચિમના દેશોમાં કોઈ પણ દવા, રસી વગેરેને તાત્કાલિક મંજૂરી નથી મળતી. મામલો લોકોની જિંદગી સાથે સંકળાયેલો હોવાથી સત્તાવાળા પૂરી ચકાસણી કર્યા પછી જ માણસો પર રસી કે દવાના ઉપયોગની મંજૂરી મળે છે. અત્યાર લગીમાં સૌથી ઓછા સમયમાં રસીને મંજૂરી મળ્યાનો રેકોર્ડ 1960ના દાયકામાં બનેલી મમ્પ્સની વેક્સિનના નામે છે. મમ્પ્સને ગુજરાતીમાં ગાલપચોળિયું કહે છે. નાનાં બાળકોના ગાલ સૂઝીને દડા જેવા થઈ જાય એ એક જમાનામાં સૌથી ખતરનાક રોગ ગણાતો હતો. 1960ના દાયકામાં મમ્પ્સની રસીને સાડા ચાર વર્ષમા મંજૂરી મળી હતી. અત્યારે એટલો સમય રાહ જોવાય નથી ને કોરોનાના કારણે આખી દુનિયા ઊંચીનીચી થઈ ગઈ છે.

કોરોનાનો કેર ભારે છે ને ઢગલાબંધ કેસો રોજ સવાર પડે આવે છે. કોરોનાના કારણે મોત પણ થોકબંધ થાય છે તેથી ફાઈઝરે અમેરિકા, યુરોપિયન યુનિયન ને બ્રિટન ત્રણેય ઠેકાણે કોરોનાની રસીને તાત્કાલિક રીતે મંજૂરી આપવા કહેલું. યુરોપિયન યુનિયન અને અમેરિકા હજુ શું કરવું એ વિચારે છે ત્યાં બ્રિટનના વડા પ્રધાન બોરિસ જોનસને બુધવારે ફાઈઝરની રસીને મંજૂરી આપવાનું એલાન કરી નાખ્યું. સાથે સાથે આવતા અઠવાડિયાથી કોરોનાની રસીનો ડોઝ આપવાનું એલાન પણ કરીને ડોક્ટરોને તૈયારી કરવાનું ફરમાન પણ કરી દીધું.

અમેરિકા અને યુરોપિયન યુનિયનને પણ રસીની જરૂર તો છે જ પણ એ પૂરતી ચકાસણી કરીને આગળ વધે તેમાં કશું ખોટું નથી. અમેરિકામાં લાખોનાં મોત થઈ ચૂક્યાં છે ને કેસનો આંકડો પણ મોટો છે. યુરોપિયન યુનિયનના દેશોમાં પણ આ જ હાલત છે પણ કે આ મુદ્દો લોકોનાં જીવન સાથે જોડાયેલો છે તેથી ચેતતા રહેવું સારું. બ્રિટનમાં અમેરિકાની સરખામણીમાં પાંચમા ભાગની વસતી છે છતાં કોરોનાના કારણે 60 હજારનાં મોત થઈ ગયાં છે ને કેસોની સંખ્યા તો લાખોમાં છે. આ કારણે બ્રિટનમાં ગભરાટ છે તેથી બોરિસે એક જોખમ લઈ લેવાનું નક્કી કરી નાંખ્યું. મેડિકલ નિષ્ણાતો ઈમર્જન્સી એપ્રૂવલને જોખમી ગણાવે છે ને કોઈ નાની બાબત તરફ ધ્યાન ન ગયું હોય તો પણ કાળો કેર વર્તાઈ જાય. રસીના કારણે મોટા પ્રમાણમાં લોકો મરી જાય કે તેમનું જીવન હરામ થઈ જાય એવું બને. આ સ્થિતિ ન સર્જાય એટલા માટે અમેરિકા ને યુરોપિયન યુનિયન રાહ જોઈ રહ્યાં હશે પણ બ્રિટનને એવી રાહ જોવાનું ઠીક ન લાગ્યું.

બ્રિટને કરેલી જાહેરાત મોટી છે ને આવતા અઠવાડિયે કોરોનાની રસી અપાવાનું શરૂ થશે એ સાથે બ્રિટન કોરોનાની રસી આપનારો દુનિયાનો પહેલો દેશ બને. આ પહેલાં રશિયામાં વ્લાદિમીર પુતિને મોટા ઉપાડે કોરોનાની રસી લોંચ કરેલી. પુતિને પોતાની દીકરીને સૌથી પહેલી કોરોનાની રસી અપાવીને જોરદાર તામઝામ કરેલી. આખી દુનિયામાં રશિયાની વાહવાહ થાય એ માટે પુતિને બરાબર ખેલ કરેલો પણ તેમનો ખેલ નાકામિયાબ થઈ ગયો. અમેરિકા સહિતના વિકસિત દેશો રશિયાને બરાબર ઓળખે છે તેથી તેમણે પહેલાં જ ના પાડી દીધેલી પણ રશિયામાં પણ આ રસીનું કોઈ લેવાલ નથી.

રશિયાની કોરોનાની રસી અત્યારે રશિયામાં જ કોઈ લેતું નથી. આ રસી લેનારાને હાર્ટ સહિતની જાત જાતની તકલીફો થઈ પછી લોકો તેનાથી દૂર ભાગે છે. ટૂંકમાં રશિયાની રસી પુતિને રોલા પાડવા માટે કરેલો દાવ હતો ને આ દાવ ચાલ્યો નથી તેથી રશિયાની રસીને ગણતરીમાં ન લેવાય. એ સિવાય દુનિયામાં બીજા કોઈ દેશે કે કંપનીએ પણ કોરોનાની રસી બનાવી નથી તેથી વાસ્તવિક રીતે બ્રિટન કોરોનાની રસી આપનારો પહેલો દેશ બનશે.

આ રસી કેવી હશે એ ખબર નથી ને તેના કારણે કોરોના પર કાબૂ આવશે કે નહીં એ પણ કોઈને ખબર નથી પણ અમેરિકા અને પશ્ચિમના દેશોમાં દવા અને રસીઓના મુદ્દે કોઈ સમાધાન કરાતું નથી એ જોતાં આ રસી અસરકારક સાબિત થશે એવી આશા ચોક્કસ રાખી શકાય. આ દેશોમાં ડ્રગ્સ ઓથોરિટી કડક છે અને લોકોના જીવની કિંમત પણ છે તેથી કમ સે કમ લોકોના જીવને લાગતી બાબતોમાં હાઈ સ્ટાન્ડર્ડ જળવાય છે.

બીજું એ કે, આ દવા બનાવનારી કંપનીઓ પણ પ્રતિષ્ઠિત છે ને લોલંલોલ ચલાવીને રોકડી કરવામાં માનતી નથી. ફાઈઝર ઈન્કોર્પોરેશન વિશ્વની સૌથી મોટી પ્રતિષ્ઠિત કંપનીઓમાં એક છે. સંખ્યાબંધ જીવલેણ રોગોની દવા માત્ર ફાઈઝર જ બનાવે છે. બાયોએનટેક જર્મનીની બાયોટેકનોલોજી કંપની છે. આ કંપની આવકની રીતે બહુ મોટી નથી પણ સંશોધનમાં તેનું નામ મોટું છે. ખાસ કરીને ઈમ્યુનોથેરાપીઝ એટલે કે રોગપ્રતિકારકશક્તિ વધારીને કરાતી સારવારને લગતાં સંશોધનમાં તેનું નામ મોટું છે. આ બંને કંપનીઓની પ્રતિષ્ઠા અને અત્યાર સુધીનો ટ્રેક રેકોર્ડ જોતાં આ રસી અસરકારક સાબિત થાય એવી પૂરી શક્યતા છે.

યુ. કે.માં કોરોનાની રસી અપાવાની આવતા અઠવાડિયે શરૂઆત થશે એ સમાચાર કોરોનાના કારણે ફફડેલા આખી દુનિયાના લોકો માટે રાહતના છે. ભારત માટે આ સમાચાર વધારે રાહતના ને મહત્ત્વના છે કેમ કે તેના કારણે રસીનાં પારખાં થઈ જશે. આપણે ત્યાં કોરોનાના મામલા હોય કે રસીની વાત હોય, બધે ઝીંકાઝીકં ચાલે છે પણ પશ્ચિમના દેશો વધારે સિસ્ટેમેટિક છે. ત્યાં પણ ખોટું ચાલતું નથી એવું નથી પણ આપણા જેવી પોલંપોલ નથી ચાલતી. આપણે ત્યાં રાજ્ય સરકારો કોરોનાના દર્દી ને કોરોનાના કારણે મોતને ભેટનારા લોકોના આંકડામાં ઘાલમેલ કરીને પોતે સારું કામ કર્યું છે એવું બતાવવા ઓછા આંકડા બતાવે છે પણ પશ્ચિમના દેશોમાં સરકારો એવી બેઈમાની કરતી નથી. સાચું ચિત્ર લોકો સામે મુકાય છે કે જેથી લોકો કોરોનાને ગંભીરતાથી લે. આપણે ત્યાં લોકોના જીવની કોઈ કિંમત નથી તેથી દવાના કારણે કે રસીના કારણે કોઈ મરી જાય તો ફરક પડતો નથી. આપણે ત્યાં હોસ્પિટલોની બેદરકારીના કારણે સો-સો બાળકો મરી જાય કે લોકો મરી જાય એવું તો દર વર્ષે થાય છે પણ કોઈને ફરક પડતો નથી. મીડિયા ચગાવે એટલે થોડા દિવસ હોહા થાય ને પછી બધું ટાઢું પડી જાય.

આપણે ત્યાં કંઈ પણ થાય એટલે વાતને દબાવી દેવાના રસ્તા પહેલાં શોધી લેવાય. પશ્ચિમના દેશોમાં આ બધી બાબતોને બહુ મહત્ત્વ અપાય છે તેથી કોરોનાની રસીના કારણે કોઈને કોઈ પણ તકલીફ થાય કે આડઅસર થાય એ વાત છૂપી નહીં રહે. આપણા માટે આ વાત ફાયદાકારક છે કેમ કે તેના કારણે અહીં લોકોનો કોરોનાની રસીમાં વિશ્ર્વાસ વધશે. અત્યારે આપણે ત્યાં કોરોનાની રસીના મુદ્દે લોકો અવઢવમાં છે પણ બ્રિટનમાં રસી સફળ થશે તો ભારતમાં અવઢવ દૂર થઈ જશે. અત્યારે લોકો કોરોનાના ટ્રાયલમાં જોડાતાં પણ ડરે છે પણ બ્રિટનમાં ફાઈઝરની રસી સફળ થશે તો લોકો કોરોનાની રસી લેતાં ખચકાશે નહીં.

જો કે સામે આ રસી કારગત ન નિવડે તો કોરોનાનો ડર વધી જાય એવું પણ બને. તેના કારણે બીજી કોરોનાની રસીઓ પણ શંકાના દાયરામાં આવી જાય. કોરોનાના કિસ્સામાં પહેલાં એવું થયેલું જ છે. કોરોનાના કેસો વધવા માંડ્યા પછી શરૂઆતમાં હાઈડ્રોક્સિક્લોરોક્વિન અક્સીર હોવાનું બહાર આવેલું પણ પછી ડોક્ટરોએ એ લેવાની જ ના પાડી દીધી. એ જ રીતે રેમડેસિવિર નામના ઈંજેક્શનના કિસ્સામાં પણ પહેલાં એવું કહેવાતું કે, કોરોનાના દર્દીની હાલત ગંભીર હોય ને આ ઈંજેક્શન આપો તો બચી જાય પણ હવે એ જોખમી ગણાય છે. કોરોનાની ફાઈઝરની રસીના કિસ્સામાં પણ એવું થવાની પૂરી શક્યતા છે પણ આપણે આશા રાખીએ કે એવું ના થાય ને કોરોનાની રસી સફળ નિવડે. તેના કારણે લોકોમાં આશાનો સંચાર થશે, આત્મવિશ્વાસ વધશે. કોરોનાને પછાડી શકાય છે એવું સાબિત થશે તો આપોઆપ જ અડધી તકલીફ દૂર થઈ જશે.