ભયાનક શત્રુઓની જેમ હવે આ દેશમાં માઓવાદીઓ જેહાદીનેય વટી ગયા છે

આપણે ત્યાં લાંબા સમયથી નક્સલવાદી વિસ્તારમાં શાંતિ હતી, પણ અચાનક આ શાંતિનો ભંગ થયો છે ને લાંબા સમયની શાંતિ પછી ફરી નકસલવાદીઓ વરતાયા છે. દસેક દિવસ પહેલાં એટલે કે 23 માર્ચે નકસલવાદીઓએ છત્તીસગઢના નારાયણપુર પાસે કરેલા હુમલામાં આપણા જવાન શહીદ થયા હતા. નારાયણપુરમાં તર્રેમ પોલીસ સ્ટેશનમાંથી સીઆરપીએફ, ડીઆરજી, ડિસ્ટ્રિક્ટ પોલીસ ફોર્સ અને કોબ્રા બટાલિયનના જવાનો નકસલવાદીઓને શોધવા નિકળેલા ત્યારે નકસલવાદીઓએ આઈઈડી બ્લાસ્ટ કરીને પાંચ જવાનોનાં ઢીમ ઢાળી દીધેલાં.
નકસલવાદીઓને સર્ચ ઓપરેશન શરૂ થયું તેની ખબર હતી જ તેથી નક્સલવાદીઓ બપોરે સિલગેરના જંગલમાં ફાંસલો ગોઠવીને બેઠેલા. નકસલવાદીઓ રસ્તામાં આઈઈડી લગાવીને તેમને પતાવી દેવા માટે તૈયાર જ બેઠેલા. કમાન્ડોને લઈને નિકળેલી ટ્રક જેવી પાસે આવી કે નકસલવાદીઓએ આઈઈડીનો બ્લાસ્ટ કર્યો. આ બ્લાસ્ટ એટલો જબરદસ્ત હતો કે ટ્રકના ફુરચેફુરચા ઊડી ગયા. આ હુમલા પછીની જે તસવીરો આવી છે એ હચમચાવી નાખે એવી છે. આઈઈડી બ્લાસ્ટ કરીને નક્સલીઓએ પાંચ જવાનોની હત્યા કરી પછી જવાનો દ્વારા સામે કાર્યવાહી કરવામાં આવી હતી, પણ તેમાં નકસલવાદીઓને કશું નુકસાન નહોતું થયું.
આ હુમલાની કળ વળે એ પહેલાં શનિવારે છત્તીસગઢમાં જ નકસલવાદીઓએ બીજો હુમલો કરીને 24 જવાનોની હત્યા કરી નાખી. છત્તીસગઢ નકસલવાદીઓનો અડ્ડો છે તેથી ત્યાં સતત જંગ ચાલ્યા કરે છે. નકસલવાદીઓ ક્યાં છૂપાયા છે તેની બાતમી મેળવીને સર્ચ ઓપરેશન કરાય છે. સુરક્ષાદળોને માહિતી મળેલી કે જોનાગુડાની ટેકરીઓ પર નક્સલવાદીઓએ ધામા નાખ્યા છે. સ્થાનિક નક્સલવાદીઓ ઉપરાંત જુદી જુદી એરિયા કમિટીના 270 જેટલા નક્સલવાદીઓ ધામા નાંખીને પડ્યા હોવાની બાતમી મળતાં જ શુક્રવારે રાત્રે સીઆરપીએફના કોબ્રા કમાન્ડો, સીઆરપીએફના બસ્તરિયા બટાલિયન અને સ્પેશિયલ ટાસ્ક ફોર્સના બે હજાર જવાનોએ ઓપરેશન શરૂ કર્યું અને નકસલવાદીઓનો સફાયો કરવા નિકળી પડ્યા.
કમનસીબે નકસલવાદીઓ વધારે ચાલાક સાબિત થયા. આપણા સુરક્ષા જવાનો જોનાગુડા ટેકરી પાસેના વિસ્તારમાં અલગ અલગ ટુકડીઓમાં પહોંચેલા ને તેમાંથી નક્સલવાદીઓએ 700 જવાનોને ઘેરી લઈને ત્રણ બાજુએથી ફાયરિંગ શરૂ કરી દીધું. જવાનોને કંઈ સમજાય એ પહેલાં ધાણીફૂટ ગોળીબાર શરૂ થયો ને જવાનોને છટકવાનો સમય જ ના મળ્યો તેમાં 24 જવાનોના જીવ ગયા ને બીજા કેટલાય ઘાયલ થયા. આ હુમલામાં 9 નક્સલવાદીઓ મરાયા હોવાનો દાવો કરાયો છે પણ તેમના મૃતદેહો મળ્યા નથી. પોલીસનું કહેવું છે કે, નક્સલવાદીઓ બે ટ્રેક્ટરમાં મૃતદેહોને લઈ ગયા તેથી નકસલવાદીઓના મોતનો સાચો આંકડો ખબર નથી.
રાજકારણીઓ શબ્દોથી કામ ચલાવી રહ્યા છે ત્યારે અધિકારીઓ આટલું જોરદાર નુકસાન થયું તેના માટે પોતે જવાબદાર નથી એ સાબિત કરીને પોતાની નોકરી બચાવવામાં પડ્યા છે ને જે જવાનો મરાયા તેમના પરિવારો સાવ નોંધારા થઈ ગયા છે. એ લોકો લોહીના આંસુએ રડી રહ્યા છે ને તેમનાં આંસુ લૂછનાર કોઈ નથી. અણઘડ આયોજન અને વેતા વિનાના અધિકારીઓના પાપે 24 પરિવારોએ પોતાના લાડકવાયા ને પરિવારના મોભીને ગુમાવી દીધા છે.
આ ઘટના આઘાતજનક છે ને તેના કારણે આપણે ત્યાં નકસલવાદનો ખતરો કેટલો મોટો છે તેનો અહેસાસ થયો છે. સાથે સાથે એ અહેસાસ પણ થયો છે કે, નકસલવાદીઓ તાલીમબદ્ધ ને એકદમ પ્રોફેશનલ કહેવાય એવા લડવૈયા છે ને તેમને સાફ કરવા સરળ નથી. નકસલવાદીઓએ જે રીતે આપણા જવાનોની હત્યા કરી તેના પરથી જ એ કેટલા સજ્જ છે તેનો અંદાજ આવી જાય. બીજાપુર-સુકમા જિલ્લાનો સરહદી વિસ્તાર જોનાગુડા નક્સલવાદીઓનો મુખ્ય વિસ્તાર છે અને અહીં મોટી સંખ્યામાં નક્સલવાદીઓ હંમેશાં તૈનાત રહે છે. આ નક્સલવાદીઓને સાફ કરવા દિવસોથી પ્લાનિંગ ચાલતું હતું ને સીઆરપીએફના ઓપરેશન્સ હેડ ઝુલ્ફિકાર હસમુખ, કેન્દ્રના વરિષ્ઠ સુરક્ષા સલાહકાર અને સીઆરપીએફના પૂર્વ ડીજીપી વિજય કુમાર અને હાલના આઇજી ઓપરેશન્સ છેલ્લા 20 દિવસથી જગદલપુર, રાયપુર અને બીજાપુરના વિસ્તારમાં ધામા નાખીને પડ્યા હતા.
આપણા જવાનોને નકસલવાદીઓ ક્યા વિસ્તારમાં છે તેની પાકે પાયે બાતમી હતી તેના કારણે આ વિસ્તારમાં બે હજારથી વધુ જવાનોને ઉતારી દેવાયા હતા. આ રીતે પાકે પાયે આયોજન કરાયા પછી નકસલી અડ્ડા પર હુમલો કરાયેલો ને છતાં 24 જવાનો શહીદ થયા તેનો અર્થ એ થાય કે, આપણાં સુરક્ષા દળોએ નકસલવાદીઓની તાકાતને ઓછી આંકી હતી. નકસલવાદીઓ કરતાં જવાનો ચાર ગણા કરતાં વધારે હોવા છતાં આટલી મોટી સંખ્યામાં જવાનો શહીદ થયા તેનો અર્થ એ જ થાય કે નકસલવાદીઓ ગમે તે સ્થિતિને પહોંચી વળવા સજ્જ જ હતા.
આ હુમલા સાથે સંકળાયેલી બીજી એક બાબતને પણ નજરઅંદાજ કરી શકાય તેમ નથી. નક્સલવાદીઓએ 17 માર્ચે શાંતિ મંત્રણાનો પ્રસ્તાવ છત્તીસગઢ સરકાર સામે મૂક્યો હતો. નક્સલવાદીઓએ કહ્યું હતું કે, સતત હિંસાથી કોઈનું ભલું થવાનું નથી તેથી સરકાર હિંસાનો અંત લાવવા માટે અમારી માગણીઓ પર ધ્યાન આપે. નકસલવાદીઓએ છત્તીસગઢની જનતાની ભલાઈ માટે છત્તીસગઢ સરકાર સાથે વાટાઘાટો કરવા તૈયારી બતાવી પણ સાથે સાથે ત્રણ શરતો પણ મૂકી હતી. નકસલવાદી વિસ્તારમાંથી સશસ્ત્ર દળોને હટાવવા, માઓવાદી સંગઠનો પરના પ્રતિબંધો હટાવી લેવા અને જેલમાં બંધ કરી દેવાયેલા તેમનાં નેતાઓની બિનશરતી મુક્તિ એ ત્રણ શરતો મુકાયેલી.
છત્તીસગઢમાં કોંગ્રેસની સરકાર છે ને ભૂપેશ બધેલ મુખ્ય મંત્રી છે, પણ નકસલવાદની સમસ્યા એક રાજ્ય પૂરતી મર્યાદિત નથી. નકસલવાદ સામે લડવામાં કેન્દ્રીય સુરક્ષા દળો પણ સામેલ છે તેથી છત્તીસગઢની સરકાર એકલી કોઈ નિર્ણય ના જ લઈ શકે. આ મુદ્દે કેન્દ્રે પણ નિર્ણય લેવો પડે તેમ હતો પણ કોઈ નિર્ણય ના લેવાયો. નકસલવાદીઓ સામેથી મંત્રણા માટે તૈયાર થયા તેનો અર્થ એ કઢાયો કે, લશ્કરી દળોના ઓપરેશન્સથી નકસલવાદીઓ હાંફી ગયા છે તેથી દયાની ભીખ માગતા આવ્યા છે. હવે આપણે થોડુંક દબાણ વધારીશું તો મસળી નાખીશું એવા મદમાં તેમની વાતને ગણકારી નહીં તો તેમણે પહેલાં નાનો હુમલો કરીને પોતાની તાકાતનો પરચો આપ્યો ને હવે એકસામટા 24 જવાનોની હત્યા કરી નાખી.
આ હુમલા પછી બધા દોડતા થઈ ગયા છે. અમિત શાહ આસામમાં ચૂંટણી પ્રચાર રોકીને દિલ્હી દોડી આવ્યા ને બેઠકો પર બેઠકો કરી રહ્યા છે. સીઆરપીએફના ડાયરેક્ટર જનરલ કુલદીપ સિંહને પણ તાબડતોબ છત્તીસગઢ મોકલી દેવાયા છે ને પરિસ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે. અમિત શાહ અને છત્તીસગઢના મુખ્ય પ્રધાન એકબીજા સાથે સતત સંપર્કમાં છે ને હવે શું કરવું તેનું મનોમંથન કરી રહ્યા છે. આ મનોમંથનના અંતે કશુંક નક્કર બહાર આવે એવી આશા રાખીએ પણ રાજકારણીઓએ ખરેખર આ દેશનું ભલું ઈચ્છતા હોય તો તેમણે નક્સલવાદની પ્રવૃત્તિને ગંભીરતાથી લેવાની જરૂર છે ને તેને કઈ રીતે નાથવો તે વિશે પણ વિચારવાની જરૂર છે જ.
નક્સલવાદને નાથવાના મુદ્દા વિશે વિચારીએ ત્યારે તેના મૂળ વિશે પણ વિચારવાની જરૂર છે જ. નકસલવાદ પશ્ર્ચિમ બંગાળમાં ઉદ્ભવ્યો ને તેનું કારણ જમીનદારો દ્વારા કરાતું શોષણ અને અત્યાચારો હતા. ડાબેરીઓએ તેનો પોતાના રાજકીય ફાયદા માટે ઉપયોગ કર્યો ને સત્તા કબજે કર્યા પછી કશું ના કર્યું. એ અલગ મુદ્દો છે પણ આજેય હાલત એ જ છે કે, આ દેશમાં નકસલવાદથી પ્રભાવિત જિલ્લા દેશના સૌથી ગરીબ વિસ્તારો છે. આ વિસ્તારોમાં ખનિજની ખાણો છે ને મોંઘી વન્ય પેદાશો પણ થાય છે પણ એ બધું માફિયાઓ ખાઈ જાય છે. સરકારી તંત્ર તેમને મદદ કરે છે ને જંગલમાં રહેનારા લોકોને દબાવીને માફિયાઓ બધું ઓહિયાં કરી જાય છે. તેના કારણે આ વિસ્તારોમાં રહેનારાં લોકોમાં આક્રોશ છે ને આ આક્રોશ નકસલવાદી હિંસાના રૂપે બહાર આવે છે.
કોઈ પણ સમસ્યાનો ઉપાય હિંસા નથી જ એ જોતાં નકસલવાદીઓ હિંસા અપનાવે એ ખોટું જ છે. હિંસા કરનારા લોકોને સજા મળવી જ જોઈએ, પણ સામે સરકાર પણ નકસલવાદ માટે જવાબદાર કારણોનું નિવારણ લાવે એ જરૂરી જ છે. નકસલવાદ એ આતંકવાદની જેમ બહારથી ઉદ્ભવેલી સમસ્યા નથી. તેને બહારથી મદદ મળતી હશે પણ આ રસ્તો અપનાવનારા ભારતીયો જ છે એ જોતાં આ સમસ્યાનો ઉપાય દેશના હિતમાં છે.