ભરૂચનો નામચીન બુટલેગર બે વર્ષ બાદ નવસારીના ગણદૃેવીથી ઝડપાયો

ભરૂચ એલસીબી પોલીસ મથકનો સ્ટાફ વિવિધ ગુનામાં વોન્ટેડ આરોપીઓને શોધી કાઢવામાં માટે અલગ અલગ ટીમો બનાવી પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે, ભરૂચ જિલ્લામાં ૧૦ જેટલા પ્રોહીબીશન એક્ટના ગુનામાં અને હાલોલ તાલુકા પોલીસ મથકના મારામારીના ગુનામાં વોન્ટેડ આરોપી નયન ઉર્ફે બોબડો કિશોર કાયસ્થ નવસારીના ગણદૃેવી ખાતે રોકાયેલ છે. બાતમીના આધારે ભરૂચ એલસીબી પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે મૂળ ભરૂચના દૃાંડિયાબજાર અને હાલ ઝાડેશ્ર્વર ચોકડી સ્વામીનારાયણ મંદિર સામે આવેલી રવીપુજન સોસાયટીમાં રહેતો કુખ્યાત બુટલેગર નયન ઉર્ફે બોબડો કિશોર કાયસ્થને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી બે ફોન અને રોકડા મળી કુલ ૧૨ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ભરૂચ એ ડીવીઝન પોલીસ મથકને હવાલે કર્યો હતો. ઝડપાયેલ કુખ્યાત બુટલેગર ભરૂચ એ ડીવીઝનના પાંચ પ્રોહીબીશન,ત્રણ સી ડીવીઝનના પ્રોહીબીશન,બે નબીપુર પોલીસ મથકના પ્રોહીબીશન તેમજ દહેજ મરીન,વાગરામાં મળી ૧૩ ગુનાઓમાં વોન્ટેડ છે જયારે તે અગાઉ રાજયની અલગ અલગ જેલોમાં ૭ વાર પાસા કાપી ચુક્યો છે અને ૨૦૧૦થી અત્યાર સુધી ભરૂચ,ગોધરા,વડોદરા ગ્રામ્ય,નવસારી,વલસાડ જીલ્લામાં પ્રોહીબીશન એક્ટના ગુનામાં ઝડપાયેલ છે જયારે મારામારીના પાંચ ગુનામાં પણ તેની ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.હાલ પોલીસે તેની અટકાયત કરી તેના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.