ભાજપના દિગ્ગજોની સામે એકલા હાથે ઝઝૂમતી લડાયક નારી મમતા

પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીને પછાડીને સત્તા કબજે કરવા ભાજપ પૂરી તાકાતથી મચી પડ્યો છે ને ગુરૂવારે બીજા તબક્કાનું મતદાન છે. આ મતદાન એટલા માટે મહત્ત્વનું છે કેમ કે આ તબક્કામાં નંદીગ્રામ બેઠક પર પણ મતદાન થવાનું છે ને નંદીગ્રામ મમતા બેનરજીના ભાવિનો ફેંસલો કરશે. મમતાના રાજકીય અસ્તિત્વનો આધાર નંદીગ્રામ બેઠકનું પરિણામ નક્કી કરશે તેથી આ ચૂંટણી બંગાળમાં સૌથી મહત્ત્વની છે. ભાજપે મમતા બેનરજીને પછાડવા માટે તેમના એક પછી એક સાથીઓને તોડી તોડીને ભાજપમાં ભરતી મેળો કર્યો તેની સામે મમતા એકલા હાથે લડી રહ્યાં છે.
મમતાને મોટો ફટકો મારવા માટે મમતાના ખાસ ગણાતા શુભેન્દુ અધિકારીને તોડીને અમિત શાહ ભાજપમાં લઈ ગયા ત્યારે સૌએ એવું માની લીધેલું કે મમતા ઢીલાંઢફ થઈ જશે પણ મમતા ભારાડી છે ને એ જલદી મચક આપવામાં માનતાં નથી તેથી શુભેન્દુને ભાજપ લઈ ગયો તો તેમણે સામો ફૂંફાડો મારીને એલાન કરેલું કે, પોતે નંદીગ્રામમાંથી ચૂંટણી લડશે ને શુભેન્દુને હરાવીને તેને ગદ્દારી બદલ પાઠ ભણાવશે. મમતાએ આ એલાન કર્યું ત્યારે કોઈને કલ્પના નહોતી કે મમતા પોતાની વાતમાં એકદમ ગંભીર છે.
મમતા છેલ્લી ચૂંટણીમાં કોલકાતાની ભવાનીપુર બેઠક પરથી જીતેલાં તેથી સૌને એમ હતું કે, મમતા ભવાનીપુર બેઠક પરથી તો ચૂંટણી લડશે જ પણ વધારામાં નંદીગ્રામ બેઠક પરથી પણ લડશે કે જેથી પોતે ભાજપથી ડરી ગયાં નથી એ સાબિત કરી શકાય. ભવાનીપુર બેઠક મમતાનો ગઢ છે તેથી આ ગઢમાં મમતાની જીત પાકી જ છે તેથી મમતા ભાજપને હૂલ આપવા જ નંદીગ્રામમાંથી લડવાની જાહેરાત કરી રહ્યાં છે એવું સૌ માનીને બેઠેલાં. આપણે ત્યાં મોટા ભાગના રાજકારણીઓ એક સલામત બેઠક રાખીને બીજી બેઠક પરથી લડે કે જેથી વીમો હોય એ બેઠક જાય તો પણ વાંધો નહીં. મમતા પણ રાજકારણીઓવાળો જૂનો દાવ ખેલશે એવું સૌને લાગેલું પણ મમતાએ ચૂંટણીની જાહેરાત પછી પોતાનું વચન માત્ર પાળ્યું જ નહીં પણ વટ કે સાથ ભવાનીપુર બેઠક પણ ખાલી કરીને મોટો દાવ ખેલી નાખ્યો. મમતાએ એલાન કરી દીધું કે, બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં પોતે એક જ બેઠક પરથી ચૂંટણી લડશે ને આ બેઠક માત્ર ને માત્ર નંદીગ્રામ હશે.
બંગાળ વિધાનસભાની ચૂંટણી માટે તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરતી વખતે મમતાએ ડંકે કી ચોટ પર એલાન કરેલું કે, પોતે નંદીગ્રામ બેઠક સિવાય બીજી કોઈ બેઠક પરથી ચૂંટણી લડવાનાં નથી. મમતાની આ જાહેરાતે ભાજપને સ્તબ્ધ કરી નાખેલો કેમ કે મમતા આવી હિંમત બતાવશે એવી તેમણે કલ્પના નહોતી કરી. ભાજપના ટોચના નેતાઓ તો સલામત બેઠકો શોધી શોધીને ચૂંટણી લડવામાં માને છે. મોદી પોતે 2014 માં પહેલી વાર લોકસભાની ચૂંટણી લડ્યા ત્યારે ગુજરાતના વડોદરાની સૌથી સલામત બેઠકની સાથે યુપીની વારાણસી બેઠક પરથી લડેલા. ભાજપના બીજા નેતાઓને પણ આ વાત લાગુ પડે છે તેથી મમતાનો દાવ જોઈને એ સ્તબ્ધ થઈ ગયા હતા.
મમતાના આ દાવે ઘણા રાજકીય વિશ્લેષકોને પણ સ્તબ્ધ કરી નાખેલા ને ઘણા ખરા માનતા હતા કે મમતાએ તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરોમાં ઉત્સાહ ભરવા માટે આ દાવ ખેલીને દુસ્સાહસ કર્યું છે. ઘણાંને આ પગલું મમતાનો ઓવર કોન્ફિડન્સ લાગતો હતો તો ઘણાં મમતાએ સામે ચાલીને રાજકીય આપઘાત કરી લીધો છે એવું પણ ઘણાં કહેતા હતા. બીજી તરફ એક વર્ગ એવો પણ હતો કે જે માનતો હતો કે ભાજપ નંદીગ્રામ વિસ્તારમાં વર્ચસ્વ ધરાવતા શુભેન્દુ અધિકારીને ખેંચી ગયો પછી આ વિસ્તારમાં તૃણમૂલ કોંગ્રેસ પતી જશે એવી વાતો વચ્ચે મમતાએ જબરદસ્ત આત્મવિશ્ર્વાસ બતાવ્યો છે. તેના કારણે તૃણણૂલ કોંગ્રેસના કાર્યકરોમાં એક સ્પષ્ટ મેસેજ ગયો છે કે ભાજપ ગમે તે કહે પણ આપણે જરાય ડરવાની જરૂર નથી ને આપણે જીતવાના જ છીએ. મમતાએ ભરેલું પગલું ખરેખ રાજકીય આપઘાત છે કે દુસ્સાહસ છે કે તેમનો આત્મવિશ્વાસ છે તેની કસોટી આ ચૂંટણીમાં થવાની છે તેથી નંદીગ્રામ બેઠકનું મતદાન સૌથી મહત્ત્વનું છે.
બંગાળની ચૂંટણીના સંદર્ભમાં બીજી રીતે પણ નંદીગ્રામનું મતદાન મહત્ત્વનું છે. બંગાળના રાજકારણમાં હિંસા કેન્દ્રસ્થાને છે અને વરસોથી બંગાળમાં રક્તરંજીત રાજકારણ રમાયા કરે છે. દેશમાં કેરળ અને બંગાલ બે સૌથી શિક્ષિત રાજ્યો રાજકીય હિંસામાં સૌથી મોખરે છે. બંગાળની હિંસાથી સામાન્ય લોકોને આશ્ર્ચર્ય થાય છે પણ બંગાળના રાજકારણની આ ખાસિયત છે. બંગાળનું રાજકારણ હિંસા આધારિત છે અને અંગ્રેજો આ દેશમાં રાજ કરતા હતા ત્યારથી બંગાળનું રાજકારણ આ રીતે જ ચાલે છે પણ આ વખતની ચૂંટણીમાં હિંસા ઓછી થઈ છે. તેનાં કારણો શું તેની પંચાતમાં આપણે પડતા નથી પણ બંગાળની આ વખતની ચૂંટણીમાં અગાઉ કરતાં હિંસા ઓછી એ સ્વીકારવું પડે. હવે નંદીગ્રામમાં મતદાન છે ત્યારે શું થશે એ સવાલ મહત્વનો છે કેમ કે નંદીગ્રામ ભાજપ, તૃણમૂલ કોંગ્રેસ, ડાબેરીઓ અને કોંગ્રેસ બધાં માટે મહત્ત્વનું છે. મમતા માટે નંદીગ્રામ અસ્તિત્વનો સવાલ છે તો અધિકારી પરિવારના પણ નાકનો સવાલ છે તેથી નંદીગ્રામના દિવસે હિંસા ભડકશે એવી આશંકા છે.
નંદીગ્રામનો ઈતિહાસ પણ હિંસાથી ભરપૂર છે ને મમતાનો ઈતિહાસ પણ હિંસાથી ભરપૂર છે. મમતાએ 1997માં કોંગ્રેસને રામરામ કરીને તૃણમૂલ કોંગ્રેસની સ્થાપના કરી પછી તો ડાબેરીઓ સામે ખુલ્લો જંગ જ શરૂ થઈ ગયેલો. મમતાએ ડાબેરીઓને હરાવવા લાંબી લડત કરવી પડેલી ને તેમાં નંદીગ્રામ મહત્ત્વનું છે કેમ કે ડાબેરીઓની ગુંડાગીરીને કોઈ ટક્કર આપી શકે તેમ છે એ નંદીગ્રામમાં જ સાબિત થયેલું. મમતાએ 2005માં ખેડૂતોની જમીનો છિનવીને ઉદ્યોગોને આપવાની બંગાળની ડાબેરી સરકારની નીતિ સામે મોરચો માંડ્યો તેનું કેન્દ્ર નંદીગ્રામ હતું. ઈન્ડોનેશિયાના સલીમ ગ્રુપને નંદીગ્રામમાં તથા તાતાને નેનો પ્રોજેક્ટ માટે સિંગુરમાં જમીન આપવા સામે તેમણે લડત આપી ત્યારે ડાબેરીઓએ સત્તાનો દુરૂપયોગ અને ગુંડાગીરી કરીને મમતાને દબાવી દેવા ભરપૂર કોશિશ કરી હતી પણ મમતા મરદની જેમ લડ્યાં ને ગુંડાગીરીનો જવાબ ગુંડાગીરીથી આપ્યો તેના પરિણામે બંગાળમાં ડાબેરીઓ સાફ થઈ ગયા.
મમતા બેનરજીએ ગુંડાગીરીનો રસ્તો અપનાવ્યો કેમ કે એ બંગાળની પ્રજાની નાડને સારી રીતે પારખે છે. દેશમાં સૌથી ભદ્ર અને સુસંસ્કૃત મનાતી બંગાળી પ્રજા ભારે ઝનૂની છે. પોતાના અધિકારો માટે હથિયાર ઉઠાવતાં તેમને સંકોચ થતો નથી. આ કારણે જ દેશમાં જ્યારે બીજે બધે અંગ્રેજો સામે અહિંસક લડત ચાલતી હતી ત્યારે બંગાળમાં ક્રાંતિકારીઓ હથિયારો ઉઠાવીને દેશને આઝાદી અપાવવા મથતા હતા. મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નહેરુ જેવા નેતા સત્યાગ્રહ ને અહિંસક આંદોલનો કરીને રાજકીય રસ્તે અંગ્રેજોને ખદેડવા મથતા હતા ત્યારે સુભાષચંદ્ર બોઝે આઝાદ હિંદ ફોજ બનાવીને લશ્કરી તાકાતથી અંગ્રેજોને ખદેડવા માટે તાકાત લગાવી હતી. અલબત્ત બંગાળના હાલના રાજકારણ સાથે સુભાષબાબુ કે બીજા ક્રાન્તિકારીની સરખામણી ના કરી શકાય પણ મૂળ વાત એ છે કે, બંગાળમાં તમે સિદ્ધાંતોને નામે સહેલાઈથી લોકોને હિંસા તરફ વાળી શકો છે. બંગાળમાં અત્યારે જે રાજકીય હિંસા જોવા મળી રહી છે એ સત્તાલાલસા માટેની છે. બંગાળીઓના ઝનૂનને ખોટી દિશામાં વાળીને રાજકીય ફાયદા માટે કરાવાતી ગુંડાગીરી છે પણ મમતા તેમાં પાવરધાં છે.
મમતા આ જ તાકાતના જોરે બંગાળ પર વર્ચસ્વ જમાવીને બેઠાં છે ને ભાજપે તેમના માણસોને તોડીને એ જ ભાષામાં મમતાને જવાબ આપ્યો છે. તેના કારણે બંગાળમાં લાંબા સમયથી રાજકીય હિંસા ચાલ્યા જ કરે છે. બંગાળમાં આમ તો છેલ્લા એક વર્ષમાં જ ચાલીસ જેટલી રાજકીય હત્યાઓ થઈ છે. ભારતમાં કેરળ રાજકીય હત્યાઓમાં મોખરે ગણાતું પણ છેલ્લા એક વર્ષમાં બંગાળમાં જે રીતે ઉપરાછાપરી રાજકીય હત્યાઓ થઈ રહી છે તેના કારણે બંગાળ આગળ નિકળી ગયું છે. થોડા સમય પહેલાં પશ્ર્ચિમ બંગાળના પ્રવાસે ગયેલા ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી. નડ્ડાના કાફલા પર પણ હુમલો થયો હતો. મમતા બેનરજીના ભત્રીજા અને તેમના રાજકીય વારસ એવા તેંત્રીસ વર્ષના અભિષેક બેનરજી ચોવીસ પરગણા જિલ્લામાં આવેલી ડાયમંડ હાર્બર લોકસભા બેઠકના સાંસદ છે. નડ્ડાનો કાફલો કોલકાતાથી ડાયમંડ હાર્બર તરફ જઈ રહ્યો હતો ત્યારે જ તેમના કાફલા પર હુમલો થયો હતો. નડ્ડા બુલેટપ્રૂફ કારમાં બેઠા હતા એટલે તેમની કારને કંઈ ના થયું પણ પાછળની કારમાં બેઠેલા ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી અને બંગાળમાં ભાજપના પ્રભારી કૈલાસ વિજયવર્ગીય તથા ભાજપના રાષ્ટ્રીય ઉપપ્રમુખ મુકુલ રોય ઘાયલ થઈ ગયા. તેમની કારના કાચ પણ તૂટી ગયા ને એ લોકો માંડ માંડ બચ્યા. આ હુમલાને પગલે ભાજપ અને તૃણમૂલ વચ્ચે જોરદાર જંગ જામેલો. તેની વાત આપણે નથી કરવી પણ વાત એક જ છે કે, બંગાળમાં રાજકીય હિંસા નવી વાત નથી ને નંદીગ્રામના જંગમાં તેનો પરચો જોવા મળી શકે.