ભાજપના ભીષ્મ પિતામહ કેશુભાઇ પટેલનું 92 વર્ષે નિધન

કોરોના પછી હદય અને ફેફસાની બીમારીથી ઉગરી ન શકયા : દેશભરના નેતાઓની શ્રદ્ધાંજલિ
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના ભીષ્મ પિતામહ કેશુભાઇ પટેલની એકાએક તબિયત લથડતા 10 દિવસ પહેલા જ તેમને અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જયા બે દિવસ બાદ તેમની તબિયાત સુધરી જતાં તેમને ડિસ્ચાર્જ આપવામાં આવ્યુ હતું પરંતુ એકાએક આજે તબિયત વધુ લથડતા તેમનું નિધન થયુ હતું. કેશુભાઇ પટેલને અગાઉ કોરોના થયા બાદ કેટલા દિવસથી ફેફસા અને હદયની પણ તકલીફ ઉભી થતાં તેમને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.
ભાજપના વરિષ્ઠ આગેવાન અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આદરણીય કેશુભાઇ પટેલના નિધનનો શોક વ્યક્ત કરતા ભાજપએ પેટાચૂંટણી સંબંધિત આજની તમામ જાહેરસભાઓ તેમજ પ્રચારકાર્ય બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.
થોડા સમય પહેલા કેશુબાપાએ પોતાનો કોરોના ટેસ્ટ કરાવતા તેમનો રિપોર્ટ પણ પોઝિટીવ આવ્યો છે. કેશુભાઇ પટેલનો રીપોર્ટ પોઝિટીવ આવ્યા બાદ હોમ કવોરન્ટીન થયા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કેશુબાપાના પુત્ર સાથે વાત કરી અને સારવારમાં કોઇ કચાસ નહી રહે એવી ખાતરી આપી હતી.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજયના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ અગ્રણી કેશુભાઇ પટેલના દુ:ખદ અવસાન અંગે શોકની લાગણી વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ પાઠવી છે. મુખ્યમંત્રી સ્વ. કેશુભાઇ પટેલને ગુજરાતમાં જનસંઘથી લઇને ભાજપ સુધી વટ વૃક્ષ ઉભું કરનારા અને રાજકીય ક્ષેત્રે મહત્વપૂર્ણ પ્રદાન કરનારા સમર્પિત નેતૃત્વ કર્તા ગણાવ્યા હતા. કેશુભાઇ પટેલે પોતાનું સમગ્ર જીવન રાષ્ટ્રને અર્પણ કર્યુ હતું. એટલું જ નહિ, ખેડૂત પુત્ર તરીકે પણ તેમણે ખેડૂત હિત સહિત અનેક લોકસેવા કાર્યોથી ભાજપને અપ્રતિમ લોકચાહના અપાવી છે. તેમ મુખ્યમંત્રીએ સદગત કેશુભાઇના પ્રદાનની સરાહના કરી હતી.