ભાજપના મોવડી મંડળમાંથી શાહ નવાઝની હકાલપટ્ટી કેમ થઈ ગઈ? 

રાજકારણમાં રાજીનામુ આપવાં કરતા માંગવાની અનોખી પ્રથા છે. ગુજરાતમાં તો બે મુખ્યમંત્રીએ પોતાના કાર્યકાળ દરમિયાન અચાનક રાજીનામુ આપીને પ્રજાને સ્તબ્ધ કરી દીધી હતી. ચૂંટણી આવે એટલે ભાજપ અને કૉંગ્રેસ એકબીજાના પ્રતિદ્વંદ્વી બની જાય છે. હાલ બન્ને પક્ષમાં ઉલટસુલટ પ્રક્રિયાઓ બની રહી છે. એક તરફ કૉંગ્રેસમાં રાજીનામુ આપવાની મૌસમ શરૂ થઈ છે તો બીજી તરફ ભાજપમાં કદાવર નેતાઓના રાજીનામાં માંગવાની.., ગુજરાતમાં સી. આર. પાટીલના આગમન બાદ ‘નો રિપીટ થિયરી’ના ઓઠા તળે રૂપાણી જૂથ સુપરસીડ થયું હતું. જેમાં વર્ષોથી ફાયનાન્સ બોર્ડના ચૅરમૅન પદને શોભાવતા ધનસુખ ભંડેરી અને સુરેન્દ્રનગરના પ્રભારી નીતિન ભારદ્વાજ પાસેથી સ્વૈચ્છિક રાજીનામુ માંગી લેવાયું છે. પરંતુ ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તન બાદ બનેલી ભૂપેન્દ્ર પટેલ સરકાર હજુ એક વર્ષ પૂરું કરે ત્યાં સાવ નવાં ચહેરાંને લઇને બનેલા મંત્રીમંડળમાં ભ્રષ્ટાચારથી માંડીને સત્તાના દુરુપયોગ જેવાં લાંછનો લાગવા માંડતા ભાજપના મોવડીમંડળે બે સિનિયર કેબિનેટ મંત્રીના ખૂબ મહત્ત્વના ગણાય તેવાં બે ખાતાં પાછાં લીધા.

હજુ તો એ ઘટનાક્રમને માંડ ચોવીસ કલાક પૂરાં થયાં ત્યાં ‘ઘરડા ગાડા વાળે’ તેમ ભાજપના સંગઠનની કોર કમિટીમાંથી પડતા મૂકાયેલા વિજય રૂપાણીની ફરી નિમણૂક કરવામાં આવી. વિજય રૂપાણીની નિમણૂક પાછળ ઘણાં કારણો જવાબદાર છે. તેમનું સૌથી મોટું કારણ છે તેમની નિષ્કલંક કારકિર્દી અને બીજું અમિત શાહની તેમની પ્રત્યેની કૂણી લાગણી. આમ તો આ બે કારણ ભાજપના સુપ્રીમો નરેન્દ્ર મોદીને રાજી કરવા પર્યાપ્ત નથી પણ ત્રીજું કારણ ખુબ જ મહત્ત્વનું છે. વિજય રૂપાણીએ સ્વૈચ્છિક રાજીનામુ આપ્યા બાદ ક્યારેય પક્ષ વિશે ઘસાતા કે આંતરિક જૂથવાદ પેદા કરે તેવા નિવેદન આપ્યા નથી. એ જ કારણથી નરેન્દ્ર મોદીએ તેમને ફરી ‘સંગઠનની કોર કમિટી’માં સામેલ કરી લીધા.
‘જો ભાજપમાં રહીને સત્તા સ્થાને ટકી રહેવું હોય તો ક્યારેય પક્ષ વિશે બેફામ નિવેદનો ન આપવા’ તેવી સૂચના ભારતીય જનતા પાર્ટીના હાઈ કમાન્ડ દ્વારા વર્ષ ૨૦૧૪થી જાહેર કરવામાં આવી હતી. અલબત્ત આ સૂચના ઑફ ધ રેકોર્ડ છે. વાણી સ્વાતંત્ર્યનો સૌ ને અધિકાર છે પણ જેમણે આ અધિકારનો ઉપયોગ કર્યો તેમણે ભાજપમાંથી મહત્ત્વની સત્તા અને ફરજો ગુમાવવી પડી છે. નીતિન ગડકરીનું નામ તેમાં મોખરે છે હવે શાહનવાઝ હુસૈન પણ આ યાદીમાં સામેલ થતા જાય છે.
બિહારના રાજકારણમાં અટલ બિહારી વાજપેયીના એક સમયના ટ્રમ્પ કાર્ડ આજે ડોનાલ્ડ ટ્રમ્પની જેમ હાંસિયામાં ધકેલાઈ ગયા છે. દિવસો તો એવા આવી ગયા છે કે, એક સમયના કેન્દ્રીય કેબિનેટ મંત્રીએ નીતીશ કુમારના ફ્લોર ટેસ્ટ વખતે એક સામાન્ય કાર્યકરની જેમ હાથમાં બેનર લઈને વિરોધ કરવો પડે છે. ભલે બિહારમાં નીતીશ કુમારનું શાસન હોય પણ ૩ મહિના પહેલા તેમની જ સરકારના કેબિનેટ મંત્રી શાહનવાઝ હુસૈનની આવી કથળતી સ્થિતિ તેમના રાજકીય કરિયરની સમાપ્તિ તરફ ઈશારો કરે છે.
બિહારનું મંત્રી પદ ગયા પછી અચાનક ૨૦૧૮માં તેમના પર લાગેલો રેપ કેસ બેઠો થયો છે. એ પણે એવા સમયે જયારે બિહારમાં તેઓ સત્તા વિહોણા છે અને ભાજપની હાઈકમાન્ડ ગણાતી સેન્ટ્રલ ઈલેક્શન કમિટીમાંથી પણ તેમની હકાલપટ્ટી થઈ છે.. તો માત્ર બિહારના ધારાસભ્યનું પદ.., હવે વિવાદના નામે વલખાં મારવાનો મોકો પણ તેમની પાસે નથી.

શાહનવાઝ હુસૈને જીવનભર વિવાદને વળગીને જ વર્ચસ્વ પ્રાપ્ત કર્યું છે. શાહનવાઝ વર્ષ ૧૯૮૬માં દિલ્હીમાં ડિપ્લોમા એન્જીનિયરિંગ કરતા હતા. એ સમયે રેણુ શર્મા નામની યુવતીના પ્રેમમાં પડી ગયા. સરકારી નોકરી પ્રાપ્ત કરવા માટે સતત પરીક્ષાની તૈયારી કરતા જુવાનિયાઓનું હબ એટલે ઓલ્ડ રાજેન્દ્ર નગર.., આ વિસ્તારમાં આજે પણ શાંતિ છવાયેલી જોવા મળે છે કારણ કે અહીં દરેક વિધાર્થી પરીક્ષાની તૈયારીમાં ગળાડૂબ હોય છે. શાહનવાઝ અને રેણુના પ્રેમનું પુષ્પ આ જ વિસ્તારમાં ખીલેલું પણ હિંદુત્વનું સમર્થન કરતા એબીવીપીના કાર્યકરોએ વેલેન્ટાઈન્સ ડેના દિવસે બન્નેને પકડીને ચોક વચ્ચે ઓછાકોછાં શબ્દો કહીને શાહનવાઝને લવજેહાદનો આરોપી ગણાવી દીધો. બીજે દિવસે દિલ્હીના એક સ્થાનિક અખબારે શાહનવાઝનો ફોટો પણ છાપી દીધો. આજે તો સોશિયલ મીડિયામાં સમર્થન માંગવા બેસો તો કરોડો લોકો એકઠા થઈ જાય. ૧૯૮૬માં તો પત્રનો યુગ ચાલતો હતો.
ટૅક્નોલોજી પણ બાલ્યકાળમાં હતી. છતાંય જે દિવસે સવારે શાહનવાઝનું નામ ઉછળ્યું એ જ દિવસની રાત્રિએ લઘુમતી સમુદાયના યુવાનોનું એક મોટું ટોળું શાહનવાઝના સમર્થનમાં નીકળ્યું હતું. બીજે દિવસે ફરી શાહનવાઝ છાપાની હેડલાઈન બની ગયા. રેણુ અને શાહનવાઝના પરિવાર તરફથી પણ પ્રેમલગ્ન મામલે વિરોધ દર્શાવવામાં આવ્યો પણ આ વિવાદથી શાહનવાઝને ભાજપમાં એન્ટ્રી મળી ગઈ. તેમના નેતૃત્વને નીરખીને અટલ બિહારી વાજપેયીએ શાહનવાઝને તેમના પૈતૃક વતન બિહારમાં એબીવીપીના પ્રમુખ બનાવી દીધા. આઠ વર્ષ સુધી સતત શાહનવાઝ બિહાર ભાજપના વિકાસ અને વિવાદનો ચહેરો બનીને રહ્યા. કૉંગ્રેસેે તેમને પક્ષપલટો કરવાની પણ ઓફર આપી હતી તો તેની સામે શાહનવાઝે કોંગ્રેસમાંથી ૩૦ યુવાનોને પોતાના તરફ ખેંચી લીધા. એ સમયે નીતીશ કુમાર અને શાહનવાઝ હરીફ બની ગયા હતા. મુસ્લિમ સમુદાય તો તેમનો પડ્યો બોલ ઝીલતો હતો. પોતાની આ લોકપ્રિયતાને પગલે જ તેમણે બન્ને પરિવારને લગ્ન માટે મનાવી ૧૯૯૪માં પ્રેમલગ્ન કર્યા.

હવે તેની કસોટીનો સમય આવી ગયો હતો. અટલ બિહારી વાજપેયીએ બિહારમાં ૧૯૯૯ની લોકસભાની ચૂંટણીમાં શાહનવાઝને કિશનગંજ બેઠક પરથી ટિકિટ આપી. બિહારના ગેંગસ્ટરની કૃપાથી કૉંગ્રેસમાં મહત્ત્વનું પદ સાંભાળતા મોહમ્મદ તસ્લીમુદ્દીન કિશનગંજ બેઠકને પોતાનો ગઢ બનાવીને બેઠા હતા. ૩૧ વર્ષના શાહનવાઝે તેના ગઢમાં ગાબડું પાડીને ભવ્ય જીત મેળવી. શાહનવાઝની આવી પ્રચંડ લોકપ્રિયતાને પગલે વાજપેયીએ તેમને ૨૦૦૧ના નવેમ્બરમાં રાજ્ય કક્ષાના મંત્રી બનાવી દીધા. ૩૧ વર્ષે મિનિસ્ટર બનવાનો રેકોર્ડ આજે પણ દેશમાં કોઈ તોડી શક્યું નથી. પણ સત્તામાં આવતા શાહનવાઝે વિવાદોનો સહારો લેવાનો શરૂ કરી દીધું.

તેની આવી જોખમી માઈન્ડ ગેમ માટે વાજપેયીએ તેમને ચેતવ્યા પણ સત્તા મળ્યા બાદ ક્યાં કંઈ સુજે ?? પોતાની આ જ સ્ટ્રેટેજીના કારણે તેઓ સતત ૩ વખત લોકસભામાં ચૂંટાયા હતા. તેથી વાજપેયીએ તેમને સેન્ટ્રલ ઈલેક્શન કમિટીમાં સામેલ કરી લીધા. વર્ષ ૨૦૧૪માં ભાજપનો પીએમ પદનો ચહેરો નીતિન ગડકરી બને તેવી મહારાષ્ટ્ર ભાજપની માંગ હતી તો બીજી તરફ શાહનવાઝ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ બનવાના સપના સેવતા હતા.
મોદીનું વિકાસ મોડલ દેશભરમાં ગુંજી રહ્યું હતું. મોદીની વધતી લોકપ્રિયતા સામે ગડકરી અને શાહનવાઝ બન્ને વાંધો હતો. જે તેમના નિવેદનોમાં દ્રશ્યમાન થતું હતું. એક તરફ મોદી પૂર્વ પીએમ મનમોહન સિંહની ટીકા કરતા હતા. બીજી તરફ દિલ્હીમાં ખાસ ઈફ્તાર પાર્ટી યોજી શાહનવાઝે મનમોહન સિંહને પરિવાર સાથે આમંત્રિત કર્યા હતા. ચૂંટણી પ્રચારના બ્યુગલ ફૂંકાયા ત્યારે નરેન્દ્ર મોદી પીએમ પદનો ચહેરો બન્યા તો શાહનવાઝ દિલ્હીથી બિહાર જતા રહ્યા અને મોદીનું સમર્થન ન કરવાની સ્પષ્ટતા તેમણે સેન્ટ્રલ ઈલેક્શન કમિટીમાં કરી દીધી.

શાહનવાઝની આ સ્વચ્છંદતાને અમિત શાહે બરાબર નોંધી લીધી. મોદી પીએમ બન્યા ત્યારથી શાહનવાઝનું ડીમોશન શરૂ થઈ ગયું. પણ બિહારમાં ભાજપ-જેડીયુનું ગઠબંધન થયું તેમાં લઘુમતી સમુદાયના કદાવર નેતા મળ્યા નહીં એટલે નીતીશ કુમારે ના છૂટકે શાહનવાઝને ઉદ્યોગ મંત્રી બનાવી દીધા પણ હવે તો નીતીશ નીતિઓને કોરાણે મૂકીને યાદવ પરિવારના થઈ ગયા એટલે શાહનવાઝનું મંત્રી પદ પણ જતું રહ્યું. આ આઘાતને તેઓ સહન કરે તેના ૧૨ જ કલાકમાં સેન્ટ્રલ ઈલેક્શન કમિટીમાં તેમનું નામ કમી કરવામાં આવ્યું.

આ બબ્બે આઘાત ઓછા હોય તેમ અચાનક ૫ વર્ષ જૂનો બળાત્કારનો કેસ આવી ચડ્યો અને દિલ્હી હાઇ કોર્ટે શાહનવાઝ વિરૂદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધવા આદેશ આપી દીધો. જે વિવાદને માધ્યમ બનાવીને શાહનવાઝે સફળતા હાંસલ કરી એ જ વિવાદ હવે ઝેર બનીને તેમની કારકિર્દીમાં ફેલાઈ રહ્યો છે. જો કે શાહનવાઝ પણ અઠંગ ખેલાડી છે પોતાના પર લાગેલા લાંછનને કઇ રીતે સાફ કરવું એ તેઓ સમજે છે. ૨૦૧૮માં તેમણે રેપ કેસની એફઆઈઆર દાખલ ન થાય એ માટે આકશ – પાતાળ એક કરી દીધું પણ કેજરીવાલે માસ્ટરસ્ટ્રોક રમીને ફરિયાદ દાખલ કરવા આંદોલન કરાવ્યા. એટલે રેપની રાવ થઈ પણ પાંચ વર્ષ સુધી જાણે કેસ કારાવાસમાં હોય તેમ તેની કોઈ ચર્ચા ન થઈ અને અચાનક હવે બિલાડીના ટોપની જેમ કેસ ઊભો થયો છે. જો કે આ કથિત રેપ કેસમાં શાહનવાઝે સ્વ બચાવમાં સુપ્રીમ કોર્ટેમાં પિટિશન ફાઈલ કરી હતી. જેને અનુસંધાને સુપ્રીમ કોર્ટે આ કેસમાં પીડિતાને નોટિસ પાઠવી શાહનવાઝ સામેની તમામ કાર્યવાહી પર રોક લગાવી દીધી છે અને હવે આ મામલે સપ્ટેમ્બરના ત્રીજા સપ્તાહમાં સુનાવણી થશે. ત્યારે જોવાનું રહેશે કે એક સમયના વાજપેયીના વિશ્ર્વાસ પાત્ર નેતાને ક્લીન ચીટ મળશે કે તેઓ ખુદ સુપરસીડ થશે.