ભાજપની સૂનામી : અમરેલીની પાંચેય બેકઠમાં કમળ ખીલ્યું

અમરેલી,
રાજયભરમાં ભાજપની સુનામી આવી છે તેમા 2017માં કોંગ્રેસે કબજે કરેલો અમરેલી જિલ્લાનો ગઢ ભાજપે ફરી કબજે કર્યો છે કોંગ્રેસના દિગ્ગજોને પરાસ્ત કરી અમરેલી જિલ્લાની પાંચે પાંચ બેઠકો ઉપર ભાજપનું કમળ ખીલ્યું છે.અમરેલીની બેઠક ઉપર જાયન્ટ કીલર ગણાતા કોંગ્રેસના મહારથી શ્રી પરેશ ધાનાણીને 46657 જેવી રેકર્ડબ્રેક લીડથી ભાજપના ડાયનેમીક યુવા પ્રમુખ શ્રી કૌશિક વેકરિયાએ પરાજય આપી અમરેલીના રાજકારણમાં નવો રેકર્ડ બનાવ્યો છે.આપના ઉમેદવારે શ્રી રવી ધાનાણીએ પણ નોંધપાત્ર 26445 મત મેળવ્યા હતા પણ કોંગ્રેસ અને આપ બન્નેના મત કરતા પણ વધારે મત શ્રી વેકરિયાને મળ્યા છે.સાવરકુંડલાની ભાજપ માટે પ્રતિષ્ઠાભરી બેઠકમાં કોંગ્રેસના મજબુત અને જોરદાર ફાઇટ આપનારા ઉમેદવાર શ્રી પ્રતાપ દુધાતનો ભાજપના તેજીલા તોખાર એવા પ્રદેશ આગેવાન શ્રી મહેશ કસવાલા સામે પરાજય થયો છે આવી જ હાઇ પ્રોફાઇલ બેઠક રાજુલા હતી જેમા કોળી સમાજના માંધાતા શ્રી હિરાભાઇ સોલંકી સામે ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ અધ્યક્ષ શ્રી અંબરીષ ડેરનો પરાજય થયો છે તો કોંગ્રેસનો ગઢ ગણાતા પ્રદેશ આગેવાન શ્રી વિરજીભાઇ ઠુમ્મરનો પણ લાઠી બેઠક ઉપર ભાજપના શ્રી જનક તળાવિયાની સામે પરાજય થયો છે.જેને સૌએ આપની કે કોંગ્રેસની ગણી હતી તેવી ધારીની બેઠકે અણધાર્યુ પરિણામ આપ્યું છે સરળ સ્વભાવના ભાજપના શ્રી જેવી કાકડીયા સતત ત્રીજી વખત આપના શ્રી કાંતિભાઇ સતાસીયાને હરાવી વિજેતા થયા છે.કલેકકરશ્રી ગૌરાંગ મકવાણા દ્વારા પરિણામના કવરેજ માટે સુંદર વ્યવસ્થા કરાઇ હતી જિલ્લા પોલીસ વડાશ્રી હિમકર સિંઘ અને નાયબ જિલ્લા પોલીસ અધિકારીશ્રી હરેશ વોરા દ્વારા સહકાર અને સંયોજન સાંપડ્યા હતા. આ કામગીરીમાં જિલ્લા માહિતી કચેરીના ટેક્નિકલ આસિસ્ન્ટશ્રી વી.આર. પીપળીયા, માહિતી મદદનીશશ્રી ધર્મેશભાઇ વાળા, માહિતી મદદનીશશ્રી જયભાઇ મિશ્રા, ઓપરેટરશ્રી ભૂપતભાઇ પાથર, ઓપરેટરશ્રી એમ.એમ. ધડુક, પીજીવીસીએલના શ્રી નિરજભાઇ સંપટ, પીજીવીસીએલના શ્રી નિકુલભાઇ સોજીત્રા, જિલ્લા માહિતી કચેરીના સહાયક સર્વશ્રી એમ.વી. રાઠોડ, શ્રી જોગદીયા, શ્રી ચાવડા અને શ્રી ચિરાગભાઇ માલનીયા દ્વારા મીડિયા મોનીટરીંગ એન્ડ સર્ટિફિકેશન કમિટીની ચૂંટણીલક્ષી કામગીરી માટે ઉત્કૃષ્ટ રીતે ફરજ બજાવી હતી.