ભાજપને વારંવાર શિંગડા ભરાવતા સાહની બિહારીને ભાજપે પછાડ્યા

બિહારમાં બહુ કૂદાકૂદ કરતા વિકાસશીલ ઈન્સાન પાર્ટી (વીઆઈપી)ના મુકેશ સાહની કે જેને સાહની બિહારી તરીકે પણ ઓળખવામાં આવે છે એને ભાજપે અંતે સાવ નવરા કરી દીધા. સાહની વિકાસશીલ ઈન્સાન પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ છે. એ પોતે વિધાનસભાની ચૂંટણી હારી ગયેલા તેથી વિધાનસભામાં સભ્ય નહોતા પણ વિધાન પરિષદના સભ્ય બનીને નીતીશ સરકારમાં મંત્રી હતા.
સાહની પાસે નીતીશ સરકારમાં પશુ તેમજ મત્સ્યપાલન મંત્રાલય હતું. ભાજપે મુકેશ સાહનીને પોતાના મંત્રીમંડળમાંથી બરતરફ કરવા કહેલું તેથી નીતીશે રાજ્યપાલને સોમવારે સાહનીને ઘરભેગા કરવા ભલામણ કરી. રાજ્યપાલે કલાકોમાં તો બરતરફના આદેશ બહાર પાડી દીધા ને સચિવાલયે નોટિફિકેશન પણ જાહેર કરી દેતાં સાહની સોમવારની રાત લગીમાં નવરાધૂપ થઈ ગયા.
બિહાર વિધાનસભાની ચૂંટણીમાં સાહનીના પક્ષના ચાર ધારાસભ્યો ચૂંટાયેલા. તેમાંથી એકનું નિધન થતાં ત્રણ જ રહી ગયેલા. સાહની ભાજપને છાસવારે ધમકીઓ આપતા તેથી અઠવાડિયાં પહેલાં જ ભાજપે વીઆઈપીના ત્રણેય ધારાસભ્યોને ભાજપમાં ભેળવીને સાહનીને પોતે શું કરી શકે છે તેનું ટ્રેલર બતાવી જ દીધેલું પણ સાહની તોરમાં જ રહ્યા તેમાં મંત્રીપદ પણ ગયું. સાહનીને નીતીશ મંત્રીમંડળમાંથી રવાના કરાયા એ આમ બહુ મોટી ઘટના નથી પણ મહત્ત્વની ચોક્કસ છે. ભાજપ હવે રાજકીય રીતે એટલો તાકાતવર છે કે ફાસફૂસિયા નેતાઓનું તેની સામે ટકવાનું ગજું જ નથી તેનો આ ઘટના પુરાવો છે. પોતાને તિસમારખાં સમજતા નાના નાના રાજકીય પક્ષોના નેતાઓને ચપટીમાં મસળી શકે એટલી જબરદસ્ત રાજકીય તાકાત ભાજપ પાસે છે તેનો આ પુરાવો છે.
સાથે સાથે એ પણ સાબિત થયું છે કે, ભાજપ આંધળૂકિયાં કરીને ફટકો મારવાના બદલે પોતાને ન ગણકારતા નેતાઓને આયોજનપૂર્વક રવાના કરવાની મુત્સદીગીરીમાં પણ પાવરધો છે. ભાજપ અને સાહની વચ્ચે લાંબા સમયથી પટ્ટાબાજી ચાલતી જ હતી. સાહની ભાજપ સામે આંખો કાઢ્યા કરતા હતા તેથી ભાજપ ભડકેલો હતો જ. ભાજપ સાથેના તેમના સંબંધોમાં ખટાશ હતી જ ત્યાં ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં સાહનીએ પોતાની પાર્ટીના ઉમેદવારો ઊભા રાખીને ભાજપને હરાવવાનો હુંકાર કર્યો એટલે ભાજપ વધારે બગડેલો. ભાજપને સાહનીને સીધા કરવા બહાનું જોઈતું જ હતું ને મૂરખના સરદાર સાહનીએ સામેથી આ બહાનું આપી દીધું.
સાહનીએ પોતાના મંત્રાલયમાં મછુઆરા કો-ઓપરેટિવ સોસાયટીના ચેરમેન તરીકે માછીમાર સમાજના ન હોય એવી વ્યક્તિની નિમણૂક કરી નાખી. સાહનીએ એક અધિકારીને ચેરમેન બનાવતાં ભાજપના પ્રદેશ પ્રમુખ ડો. સંજય જયસ્વાલે સાહનીને આ નિર્ણય બદલવા કહેલું. સાથે સાથે ચીમકી પણ આપેલી કે, આ નિર્ણય નહીં બદલાય તો સાહનીએ તેની કિંમત ચૂકવવી પડશે.
સાહની રાજાપાઠમાં હતા તેથી જયસ્વાલની વાત એક કાનેથી સાંભળીને બીજા કાનેથી કાઢી નાખી પણ નીતીશ કુમાર ભાજપના ઓશિયાળા છે તેથી જયસ્વાલની વાત એક કાનેથી સાંભળીને બીજા કાનેથી કાઢી શકે તેમ નથી. જયસ્વાલની વાત માનીને તેમણે સાહનીને ઘરભેગા કરી દેવા પડ્યા.
સાહની હવે શું કરશે એ ખબર નથી. તેમની પાસે રાજકીય રીતે કોઈ તાકાત બચી નથી તેથી ભાજપ કે નીતિશ કુમારનું કશું બગાડી શકે તેમ નથી પણ એક સમયે એ બિહારમાં કિંગ મેકર હતા. બિહાર વિધાનસભાની ચૂંટણીમાં કોઈ પક્ષને કે મોરચાને સ્પષ્ટ બહુમતી નહોતી મળી. બિહાર વિધાનસભાની 243 બેઠકોમાંથી ભાજપને 74 અને નીતીશ કુમારની જેડીયુને 43 બેઠકો મળતાં સ્પષ્ટ બહુમતીમાં એનડીએનો પનો પાંચ બેઠકો માટે ટૂંકો પડી ગયેલો. આરજેડીના નેતૃત્વ હેઠળના મહાગઠબંધનને 110 બેઠકો મળતાં સ્પષ્ટ બહુમતીમાં તેનો પનો પણ 12 બેઠકો માટે ટૂંકો પડી ગયો હતો.
આરજેડી 144, કોંગ્રેસ 70 અને ત્રણ ડાબેરી પક્ષો 29 બેઠકો પર લડેલા. આ પૈકી આરજેડી 75 અને ડાબેરીઓએ 16 બેઠકો જીતીને શાનદાર દેખાવ કરેલો પણ કોંગ્રેસે ધોળકું ધોળીને મહાગઠબંધનને ડૂબાડી દીધું હતું. આરજેડી પોતે લડ્યો હતો એ પૈકી બાવન ટકા બેઠકો પર જીત્યો છે જ્યારે ડાબેરીઓ 55 ટકા બેઠકો પર જીત્યા છે. કોંગ્રેસે પણ પચાસ ટકાની આસપાસ બેઠકો જીતવાની જરૂર હતી. તેના બદલે કોંગ્રેસે માત્ર 19 બેઠકો જીતી હતી. કોંગ્રેસ પોતે લડેલી બેઠકોમાંથી માત્ર 27 ટકા બેઠકો જીતી તેમાં મહાગઠબંધનનું પાટિયું અધ્ધર થઈ ગયું હતું.
એનડીએ કે મહાગઠબંધન બંનેને બહુમતી ન મળતાં જીતનરામ માંઝી અને મુકેશ સાહનીના ભાવ આવી ગયેલા કેમ કે બંનેની પાર્ટી 4-4 બેઠકો જીતેલી. ઓવૈસીની પાર્ટીના પણ 5 ધારાસભ્યો જીતેલા. ઓવૈસી તેજસ્વીને ટેકો આપવા તૈયાર હતા પણ તેના કારણે મહાગઠબંધનની તાકાત 110થી વધીને 115 થાય તેથી બીજા સાત સભ્યો જોઈએ. અપક્ષ અને બસપા ટેકો આપવા તૈયાર હતા તેથી સંખ્યાબળ 117 સુધી પહોંચેલું પણ છતાં પાંચ ધારાસભ્યોની ઘટ પડતી હતી.
આ ઘટ પૂરી કરવા માંઝી અને સાહનીને ખેંચવા જરૂરી હતા. હિંદુસ્તાન અવામ મોરચા (હમ)ના જીતનરામ માંઝી અને વીઆઈપીના મુકેશ સાહનીને મોટા હોદ્દાની લાલચ આપીને ખેંચી લવાય તો 125 બેઠકોનો આંકડો પાર કરીને તેજસ્વી સરકાર રચવાની સ્થિતિમાં આવી શકે તેમ હતા. એ વખતે પણ ભાજપ જોરાવર સાબિત થયેલો ને માંઝી તથા સાહની બંનેને ખેંચી ગયેલો. તેમના ટેકાથી જ નીતીશની સરકાર રચાયેલી ને સવા વરસથી ચાલે છે.
સાહનીને એ વખતે ભાજપને ટેકો આપ્યો તેનો અત્યારે અફસોસ થતો હશે. વીઆઈપી પાર્ટીના સ્થાપક મુકેશ સાહની બોલીવૂડમાં સેટ ડિઝાઈનર હતા. રાજકારણમાં ઝંપલાવીને પહેલાં તેઓ તેજસ્વી યાદવના મહાગઠબંધન સાથે જ જોડાયા હતા, પરંતુ બેઠકોની વહેંચણીમાં ડખો પડતાં અલગ થયા.
સાહનીએ 15 બેઠકો માગી હતી પણ તેજસ્વી તૈયાર ન થતાં તેમણે છેડો ફાડ્યો હતો. તક ઝડપીને ભાજપે પોતાને મળેલી સીટના ક્વોટામાંથી સાહનીને 11 બેઠકો આપી હતી. સાહની પોતે હારી ગયા હતા પણ 4 બેઠકો પર તેમના ઉમેદવાર જીત્યા હતા. ભાજપે તેમને પ્રધાન બનાવ્યા પણ બહુ કૂદવા માંડતાં નવરા પણ કરી દીધા.સાહનીની હાલત જોયા પછી માંઝી પણ તણાવમાં હશે. જીતનરામ માંઝી પણ જેડીયુથી છેડો ફાડ્યા પછી મહાગઠબંધનમાં જ હતા અને ચૂંટણી પહેલાં એનડીએ સાથે જોડાયા હતા. એ પણ બહુ કૂદે છે એ જોતાં આજે નહીં તો કાલે તેમનો વારો પડશે જ.