ભાજપે ભવ્ય વિજયની અને કોંગ્રેસે પરાજયની પરંપરા જાળવી રાખી છે

અંતે બિહાર વિધાનસભાની ચૂંટણીનાં પરિણામ આવી ગયાં ને એક્ઝિટ પોલ પાછા ખોટા પડ્યા. શનિવારે છેલ્લા તબક્કાના મતદાન પછી આવેલા મોટા ભાગના એક્ઝિટ પોલમાં ભાજપ-જેડીયુને જીતવાનાં ફાંફાં પડી જશે ને તેજસ્વી યાદવના નેતૃત્વમાં આરજેડી-કૉંગ્રેસનું મહાગઠબંધન સ્પષ્ટ બહુમતી મેળવશે એવો વરતારો કરાયેલો. આ વરતારાના કારણે તેજસ્વી યાદવે તો પોતે બિહારની ગાદી પર બેસી જ ગયો હોય એ રીતે વર્તવા માંડેલું. બે દિવસ સુધી એ હવામાં જ હતા પણ મંગળવારે પરિણામ આવતાં જ તેમના બધા હવાઈ કિલ્લા ધરાશાયી થઈ ગયા ને બિહારની ગાદી પર બેસવાનાં સપનાં ચકનાચૂર થઈ ગયાં. ભાજપના નેતૃત્વમાં એનડીએએ સ્પષ્ટ બહુમતી સાથે 130ની આસપાસ બેઠકો કબજે કરી છે ને એનડીએની સરકાર બિહારમાં નિશ્ચિત બની છે.

એનડીએએ બિહારમાં સત્તાવાપસી ભલે કરી તેનો યશ ભાજપને જાય છે. એક રીતે તો આ પરિણામો ભાજપની જીત ને નીતીશકુમારની હાર જેવા છે કેમ કે ભાજપે જબરદસ્ત દેખાવ કર્યો તેમાં એનડીએનો ગઢ સચવાયો છે. બાકી નીતીશકુમાર તો તેજસ્વી યાદવ ને ચિરાગ પાસવાનની જોડી સામે ધબોય નારાયણ જ થઈ ગયા છે. બિહાર વિધાનસભાની છેલ્લી ચૂંટણીમાં નીતીશકુમારની પાર્ટીએ 71 બેઠકો જીતેલી. આ વખતે નીતીશની જેડીયુ પચાસના આંકડાને પણ પાર કરી શકી નથી. નીતીશકુમાર બિહારના મુખ્યમંત્રી હતા ને પોતે પંદર વર્ષમાં બિહારની દિશા બદલી નાંખી છે એવા ફડાકા મારતા હતા. તેમની વાતો પર લોકોને ઝાઝો ભરોસો નહોતો તેનો આ પરિણામ પુરાવો છે. તેમનાં નસીબ પાધરાં કે, ભાજપ તેની સાથે હતો તેમાં તેમની આબરૂ બચી ગઈ. બાકી નીતીશનો વરઘોડો ઘરભેગો જ થઈ ગયો હોત. જેડીયુની એક તૃતિયાંશ બેઠકોનું ધોવાણ થઈ ગયું એ નીતીશ માટે ડૂબી મરવા જેવી વાત કહેવાય.

ભાજપ બિહારમાં ખરો વિજેતા છે કેમ કે તેણે માત્ર પોતાની બેઠકોમાં વધારો જ નથી કર્યો પણ નીતીશની આબરૂ પણ સાચવી લીધી છે. છેલ્લી ચૂંટણીમાં નીતીશ-લાલુની જુગલ જોડી સામે ઝીંક ઝીલીને ભાજપ 56 બેઠકો જીતી લાવેલો. આ વખતે જેડીયુ તેની સાથે હતો ને ચિરાગ પાસવાનની એલજેપી તેને પાછલા બારણે મદદ કરતી હતી તેનો બરાબર ફાયદો ઉઠાવીને ભાજપે તેની બેઠકોમાં પચ્ચીસ ટકા કરતાં વધારેનો વધારો કરી દીધો છે. ભાજપ 75 બેઠકોની લગોલગ પહોંચી ગયો છે ને બિહારમાં સૌથી મોટા પક્ષ તરીકે ઉભર્યો છે. ભાજપ માટે આ મોટી જીત છે કેમ કે એક ઝાટકે એ જેડીયુના પડછાયામાંથી બહાર આવી ગયો છે ને નીતીશનો ઓશિયાળો રહ્યો નથી. વરસોની મહેનત પછી ભાજપ બિહારમાં આ સ્તરે પહોંચ્યો છે. ભવિષ્યમાં ભાજપ એકલા હાથે ચૂંટણી જીતીને પોતાની સરકાર રચી શકે તેનો તખ્તો આ ચૂંટણીમાં તૈયાર થઈ ગયો છે.

બિહારની ચૂંટણીમાં તેજસ્વી અને ચિરાગ પાસવાનની વાતો ન કરીએ તો વાત અધૂરી ગણાય. તેજસ્વી ભલે મહાગઠબંધનને જીતાડી ન શક્યો પણ તેણે સાબિત કરી દીધું કે, લોકો માનતા હતા એવો સાવ ગગો એ નથી ને તેને સાવ લખી વળી શકાય તેમ નથી. આ ચૂંટણીમાં આરજેડી-કૉંગ્રેસના પ્રચારનો બોજ તેજસ્વીએ એકલા હાથે ઉપાડ્યો હતો. લાલુપ્રસાદ જેલમાં છે ને લાલુના ખાનદાનમાં લોકોને આકર્ષી શકે એવું બીજું કોઈ છે નહીં. આરજેડી પાસે પણ એવા જોરદાર નેતા નથી કે જેના કારણે લોકો આરજેડીને મત આપે. આરજેડી માટે જે કંઈ ગણો એ તેજસ્વી જ હતો ને તેજસ્વીએ નીતીશની પાર્ટી કરતાં આરજેડીને વધારે બેઠકો અપાવીને પોતાની નોંધ લેવડાવી છે.

આ જ વાત ચિરાગ પાસવાનને પણ લાગુ પડે છે. રામવિલાસ પાસવાને પોતાની મર્યાદા સ્વીકારીને નીતીશને મોટા ભા તરીકે સ્વીકારી લીધા હતા. ચિરાગે બાપાના રસ્તે ચાલવાના બદલે પોતાનો નવો રસ્તો કંડારવાનું નક્કી કરવાની હિંમત બતાવી. મોટા ભાગનાં લોકો ચિરાગના પગલાંને આત્મઘાતી માને છે કેમ કે એલજેપીના ભાગે ગણીને બે બેઠકો આવી છે. આંકડાની રીતે આ દેખાવ બહુ રાજી થવા જેવો નથી જ પણ ચિરાગે જે રીતે નીતીશની હાલત બગાડી તેના કારણે તેને ગંભીરતાથી લેવો જ પડે એ નક્કી થઈ ગયું. પાસવાનની પાર્ટીએ છ ટકાની આસપાસ મત મેળવીને નીતીશનો આખો ખેલ બગાડી દીધો. પાસવાન એનડીએમાં હોત તો એનડીએ રમતાં રમતાં પોણા બસો બેઠકો લઈ ગયો હોત એ જોતાં પાસવાનને નહીં અવગણી શકાય એ નક્કી છે.

એનડીએએ બિહારનો ગઢ જીતી લીધો પછી હવે બીજી કોઈ નવાજૂની ન થાય તો સરકાર રચવાની ઔપચારિકતા બચે છે. ભાજપે પહેલાં જ કહી દીધું છે કે, નીતીશકુમાર જ બિહારમાં એનડીએના નેતા છે ને એનડીએ જીતશે તો એ જ ગાદી પર બેસશે. પરિણામો પછી પણ ભાજપે એ વાત દોહરાવી છે એ જોતાં ગાદી પર કોણ બેસશે એ મુદ્દે વિખવાદની શક્યતા નથી પણ નૈતિત રીતે જોઈએ તો બિહારની ગાદી ભાજપને મળવી જોઈએ, ભાજપનો નેતા મુખ્યમંત્રી બનવો જોઈએ. ભાજપ ચૂંટણી પહેલાં કહેલી વાતને વળગી રહે એ સારું કહેવાય પણ નીતીશકુમારને જ નૈતિક રીતે ફરી મુખ્યમંત્રી બનવાનો અધિકાર નથી એ જોતાં તેમણે સામેથી ખસી જવું જોઈએ.

બિહારની આ ચૂંટણી તેમની સરકારની કામગીરી સામેનો જનાદેશ હતો. આ જનાદેશ મેળવવામાં નીતીશ નિષ્ફળ ગયા છે કેમ કે લોકોએ તેમના સુશાસનના દાવાને સ્વીકાર્યો નથી. બિહારમાં એનડીએની જીત ભાજપને આભારી છે તેનો અહેસાન માનીને તેમણે સામેથી ભાજપને મુખ્યમંત્રીપદ આપવું જોઈએ ને પોતે માનભેર બાજુ પર જતા રહેવું જોઈએ. રાજકારણમાં આવું સૌજન્ય કોઈ બતાવતું નથી તેથી નીતીશ પાસેથી એવી અપેક્ષા રાખવા જેવી નથી પણ ખરેખર એવું થવું જોઈએ. નીતીશ પોતાને સિદ્ધાંતવાદી ગણાવે છે ત્યારે આ વાત તેમણે સાબિત કરવી જોઈએ.

બિહારની સાથે બીજાં રાજ્યોની પેટાચૂંટણીનાં પરિણામ પણ આવી ગયાં. ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી ટાણે ભાજપે કોંગ્રેસના 8 ધારાસભ્યોને તોડીને રાજીનામાં આપાવેલાં. તેના કારણે ખાલી પડેલી આઠ બેઠકોની પેટાચૂંટણીમાં ભાજપે પાંચ બેઠકો પર કોંગ્રેસમાંથી આવેલા પક્ષપલટુઓને ટિકિટ આપેલી ને ત્રણ પોતાના મુરતિયાને મેદાનમાં ઉતારેલા. ભાજપના પોતાના મૂરતિયા તો જીત્યા જ છે પણ કોંગ્રેસના પાંચેય પક્ષપલટુ પણ જીતી ગયા છે. કોંગ્રેસને સમ ખાવા પૂરતી એક બેઠક મળી નથી ને કોંગ્રેસે ઘૂઘરો વગાડવાનો વારો આવી ગયો છે. ભાજપે સી.આર. પાટીલને પ્રદેશ પ્રમુખ બનાવ્યા એ પછી આ પહેલી મોટી ચૂંટણી હતી તેથી તેને પાટીલની કસોટી ગણાવાતી હતી. પાટીલને હજુ પ્રમુખ બન્યે બે મહિના થયા નથી તેથી આ હાર-જીતને તેમના પરફોર્મન્સ સાથે બહુ લેવાદેવા નહોતી કેમ કે કોંગ્રેસમાંથી ધારાસભ્યોને તોડીને એ નહોતા લાવ્યા. બીજું એ કે તેમની પાસે પૂરતો સમય પણ નહોતો ને છતાં ભાજપને બધી બેઠકો જીતાડીને પાટીલે તાકાત પુરવાર કરી છે. કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને સાચવી નથી શકતી એ કારણે તેની ઈજ્જતનો કચરો થયેલો જ હતો ને હવે સાવ નાક વઢાઈ ગયું છે.

ભાજપે મધ્ય પ્રદેશમાં પણ કોંગ્રેસનાં સૂપડાં સાફ કરી નાખ્યાં છે. મધ્ય પ્રદેશમાં 28 બેઠકોની પેટાચૂંટણી હતી ને કોંગ્રેસ બે આંકડે પણ નથી પહોંચી. કમલનાથ સરકારને જ્યોતિરાદિત્ય સિંધિયાની મહેરબાનીથી ઘરભેગા કર્યા પછી ગાદી પર બેઠેલા શિવરાજસિંહ ચૌહાણે સત્તા ટકાવવા માટે 28 બેઠકોમાંથી 8 જ બેઠકો જીતવાની હતી જ્યારે કોંગ્રેસે બધી બેઠકો જીતવી પડે એમ હતી. કમલનાથ ને દિગ્વિજયસિંહની જોડી ફાંકા મારતી હતી કે, અમે બધી બેઠકો જીતીને પાછા સરકારમાં આવી જઈશું. સિંધિયા વિશે પણ એ લોકો એલફેલ બોલતા હતા. તેમનો બધો ફાંકો ઊતરી ગયો છે ને ભૂંડી રીતે પછડાયા છે. સિંધિયાની સાથે ગયેલા એક પણ ધારાસભ્યને કમલ-દિગ્ગીની જોડી હરાવી શકી નથી ને કોંગ્રેસની આબરૂનો સાવ ફજેતી થઈ ગઈ છે.

મધ્ય પ્રદેશ સિવાય ભાજપે કર્ણાટકમાં પણ સપાટો બોલાવીને બંને બેઠકો આસાનીથી જીતી લીધી છે. ઉત્તર પ્રદેશમાં સાત બેઠકોમાંથી છ બેઠકો જીતીને યોગી આદિત્યનાથે ફરી પોતાની સર્વોપરિતા સ્થાપિત કરી છે. ભાજપને પછાડવા નિકળેલાં માયાવતી ને કોંગ્રેસ ક્યાંય પિક્ચરમાં જ નથી. અખિલેશે એક બેઠક જીતીને આબરૂ સાચવી પણ ભાજપને પછાડવાનું કમ સે કમ અત્યારે તો તેમનું ગજું નથી એ વાત ફરી સાબિત થઈ છે. કોંગ્રેસ માટે છત્તીસગઢ ને હરિયાણાનાં પરિણામો થોડાંક આશ્વાસન કહી શકાય કેમ કે આ બંને રાજ્યોમાં કોંગ્રેસ પોતાની બેઠકો જાળવવામાં સફળ નિવડી છે. હરિયાણામાં તો ભાજપે ઓલિમ્પિક મેડલ વિજેતા કુશ્તીબાજ યોગેશ્વર દત્તને બીજી વાર મેદાનમાં ઉતારેલો પણ દત્ત પાછો હારી ગયો છે. કુશ્તીના અખાડામાં ભલભલાંને ધૂળચાટતા કરતો દત્ત રાજકારણના અખાડામાં ફરી ધૂળચાટતો થતાં હવે તેણે રાજકારણને રામ રામ કરી દેવા જોઈએ એવું લાગે છે. એકંદરે ભાજપે પોતાની સર્વોપરિતા જાળવી છે ને કોંગ્રેસે આબરૂનો ધજાગરો કરવાની પરંપરા જાળવી છે.