ભાજપ સરકારના સતત સકારાત્મક પગલાથી અર્થતંત્ર બેઠું થવા લાગ્યું

સામાન્ય રીતે સત્તાધારી પક્ષની ટીકા કરવી એ લોકશાહી દેશોની ફેશન છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે આજે દુનિયાની દરેક લોકશાહી પોતાની પ્રજાને કોરોનામાંથી ઉગારવામાં વ્યસ્ત છે. ભારતમાં પણ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો કોરોના સામે લડવામાં વ્યસ્ત છે. ભારતમાં મંદીના કારણે બેરોજગારી ફેલાઈ રહી છે એવી વાતો વિચાર્યા વિના વિરોધ પક્ષો કહે છે. પરંતુ તેમની પાસે જગતનું અખિલ ચિત્ર હોતું નથી. વિપક્ષો દ્વારા મોદી સરકાર પર માછલા ધોવાઈ રહ્યાં હતાં પરંતુ તેઓએ મોદી સરકારના લોકાભિમુખ વહીવટ માટે કદી પણ એક સારો શબ્દ ઉચ્ચાર્યો નથી. દેશમાં મંદી હોવાનો સ્વીકાર સરકાર તેના ગયા વખતમાં કર્યો છે અને આજે પણ નાણાં પ્રધાન નિર્મલા સીતારામન સતત વાસ્તવિકતાને નજર સામે રાખે છે.

વિપક્ષો ઉપરાંત કેટલાક અર્થશાસ્ત્રીઓ પણ એવો દાવો કરી રહ્યાં હતાં કે, ભારતમાં મંદીની વિપરીત અસરો પડી રહી છે અને લોકોએ લાખો નોકરીઓ ગુમાવી છે. ધંધા-ઉદ્યોગો જે ઠપ્પ થઈ રહ્યાં છે અને ઓટો મોબાઈલ્સ, ટેક્સટાઈલ્સ અને રિયલ એસ્ટેટ સહિતના વિવિધ સેકટર મંદીમાં સપડાયા છે એની પાછળનું મૂળ કારણ તો વૈશ્વિક આર્થિક મંદીના પ્રવાહો છે. આવી સ્થિતિમાં કોવિડ-29 નું સંક્રમણ ફેલાયું અને આખી દુનિયા તેના ભરડામાં આવી ગઈ. લાખો લોકોએ જીવ ગુમાવ્યા. લોકડાઉન થયા અનલોક શરૂ થયા, પરંતુ દુનિયાના દેશોના અર્થતંત્રોને આ મહામારીએ વેર વિખેર કરી નાંખ્યા.

કોરોનાની મહામારીના કારણે વૈશ્વિક અર્થતંત્રો પડી ભાંગ્યા છે. આ અંગે વૈશ્વિક સર્વેક્ષણોના ચોંકાવનારા વિશ્લેષણો અને પરિણામો જોવા મળી રહ્યાં છે. “ડન એન્ડ બ્રોડ સ્ટ્રીટ” દ્વારા એક વૈશ્વિક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે, જેનો વિષય “વિશ્વના દેશોના જોખમો અને તેની વૈશ્વિક અસરો” છે. આ રિપોર્ટના તારણો મુજબ વૈશ્વિક અર્થવ્યવસ્થા વર્ષ-ર૦૧૯ પહેલા એટલે કે, કોરોનાની મહામારી પહેલા હતી, તેવી સ્થિતિમાં આવતા હજુ બે-અઢી વર્ષ લાગશે, તેનો અર્થ એવો થાય કે, ભારતની વર્ષ-2019 ની જે મંદીની સ્થિતિ હતી, ત્યાં સુધી પહોંચતા પણ બે-અઢી વર્ષ લાગશે, જેથી એમ કહી શકાય કે અત્યારે દેશ મહામંદીથી પણ બદતર સ્થિતિનું અર્થતંત્ર ધરાવે છે અને તેમાંથી બહાર નીકળતા જ વર્ષો નીકળી જશે.

આ રિપોર્ટ જણાવે છે કે, કોરોનાના વધી રહેલા સંક્રમણને જોતા અર્થવ્યવસ્થા વર્ષ-2020 માં 5.2 ટકાનો તોતીંગ ધટાડો જોવા મળશે. મતલબ કે આખી દુનિયાના અર્થતંત્રો પડી ભાંગશે, જે કારણે ભારતના અર્થતંત્રને પણ માઠી અસર થશે. આ રિપોર્ટ જણાવે છે કે, વૈશ્વિક અર્થવ્યવસ્થાનું ચિત્ર ધૂંધળુ છે અને વર્ષ-2020 સુધી એટલે કે લગભગ અઢી વર્ષ સુધી તે કોરોના પહેલાની એટલે કે વર્ષ-2019 પહેલાની સ્થિતિમાં આવી શકે તેમ નથી, આ સર્વેક્ષણમાં વિશ્વના 132 દેશોને આવરી લેવાયા છે.

રિપોર્ટમાં જણાવાયું છે કે, બીજા વિશ્વયુદ્ધ પછી વૈશ્વિક અર્થવ્યવસ્થામાં ઘટાડો થયો હતો, તે પછીનો સૌથી મોટો આર્થિક ફટકો વૈશ્વિક અર્થતંત્રોને લાગશે. વર્ષ-2009 માં પણ જ્યારે મહામંદી હતી, ત્યારે 1.9 ટકા જેવો ઘટાડો અર્થવ્યવસ્થામાં જોવા મળ્યો હતો. આ રિપોર્ટમાં એવો દાવો કરાયો છે કે, વર્ષ-ર૦ર૦ સમાપ્ત થતા સુધી એશિયા-પ્રશાંત ક્ષેત્રો મહામારીના કારણે થયેલા આર્થિક નુકસાનીની અસરો હેઠળ જ રહેશે.

આ સંસ્થાના મુખ્ય અર્થશાસ્ત્રી અરૃણસિંહના જણાવ્યા મુજબ કોરોનાની મહામારીથી વિશ્વના અનેક દેશોએ લોકડાઉન જાહેર કર્યા હતાં, અને હવે ભારત સહિતના ઘણાં દેશો તેમાં છૂટછાટ આપી રહ્યાં છે, પરંતુ વિશ્વના દેશોની જે તસ્વીર સામે આવી રહી છે, તેમાં વિકાસની ગતિશિલતા અને આર્થિક પીછેહઠ વચ્ચે ઘણું અંતર છે. આ કારણે સમગ્ર વિશ્વમાં ભયંકર મહામંદી લાંબી ચાલે, તેવી આશંકા હોવાથી વર્ષ-ર૦રર પહેલા વિશ્વના અર્થતંત્રોની ગાડી પાટે નહીં ચડે, તેવું અનુમાન કરવામાં આવી રહ્યું છે.

આ રિપોર્ટમાં વર્ષ-2021માં ભારત સહિતના કેટલાક અર્થતંત્રો સુધરશે, તેવા આશાવાદની સાથે-સાથે એવી આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે કે, બેરોજગારી અને ગરીબી જેવી સમસ્યાઓ વધુ ઘેરી બની છે, અને અનલોક પછી સોશ્યલ ડિસ્ટન્સીંગ તથા અન્ય સાવધાની નહીં રાખવાના સંબંધોમાં પુનઃ આંશિક કે પૂર્ણ લોકડાઉન જેવા સંજોગો ઊભા થાય તો આર્થિક સ્થિતિ વધુ બગડી શકે છે અને તેવું થાય તો અર્થતંત્રો તદ્દન ભાંગી જતા ચિંતાજનક પરિસ્થિતિ પણ આવી શકે છે. છેલ્લા ચાર દાયકાથી ભારતની અર્થવ્યવસ્થા એકંદરે મજબૂત રહી અને વિકાસ દરમાં વૃદ્ધિ થતી રહી હતી, પરંતુ પહેલી વખત સૌથી મોટો ઘટાડો જોવા મળશે. ભારતની માર્ચ-2020 રેટિંગ ડીબી-4-ડી માંથી ડીબી-પ૦-સી કરવામાં આવેલ છે. તે નોંધપાત્ર છે, અને સરકાર માટે મોટો પડકાર ઊભો થયો છે.

લોકડાઉનના અંકુશો હળવા થાય તે છતાં કોરોનાનો વૃદ્ધિ દર સપાટ બનતો જણાય તે પરસ્પર વિરોધી વલણ ગણાય, છતાં ભારતમાં તેનો સમન્વય થતો હોવાનો પ્રથમ નિર્દેશ મળ્યો છે. આગળ જતા આ બે વલણનો સમન્વય બળવત્તર બને તો તે આંતરરાષ્ટ્રીય સ્તરે નોંધ લેવા જેવી ઘટના ગણાય. વિદેશમાં લોકડાઉન હળવું થવા સાથે કોરોનાના કેસ વધવાનું અને આર્થિક પ્રવૃત્તિ વધવાનું એક સાથે શરૂ થયું, પણ ભારતમાં આ વલણ જુદું પડ્યું છે. અહીં લોકડાઉનના અંકુશો હળવા સાથે આર્થિક પ્રવૃત્તિ વધી અને કોરોનાના સંક્રમણનો દર કાબુમાં આવતો હોવાનું જણાયું છે. આનું મુખ્ય કારણ છે ભારતીય અર્થતંત્રનો કૃષિ આધારિત પાયો. દેશમાં ચોમાસાની સારી પ્રગતિ સાથે કૃષિ ક્ષેત્રે પ્રવૃત્તિ વધી છે અને તેની સારી અસર વીજળી, ખાતર, ટ્રેકટર, બે-ત્રણ પૈડાના વાહનો બનાવતા ઉદ્યોગો સહિત ગ્રામીણ માંગ ઉપર પડી રહી છે. ઉપરાંત કેન્દ્ર સરકાર ઉપરાઉપરી અર્થતંત્ર માટે સકારાત્મક પગલા લીધા જ કરે છે.

ધીમો પડેલો આર્થિક વિકાસ દર અહીંથી પુનઃ વધવો શરૂ થયો છે અને આગળ જતા તે બળવત્તર બનશે તેમાં શંકા નથી. અંકુશો હળવા કરવા સાથે મે અને જૂન મહિનામાં આર્થિક પ્રવૃત્તિમાં સંચાર વધ્યો છે. આની સાથે  કોરોનાના કેસની અને મૃત્યુ પામનારાની કુલ સંખ્યા વધી રહી છે એ સાચું પણ આ નકારાત્મક ઘટનાની ઓથે સકારાત્મક ઘટના એ બની કે દર્દીઓ સાજા થવાનો દર 61 ટકાથી આગળ વધ્યો છે. આ રોગથી મૃત્યુ પામનારાની સંખ્યા દસ હજાર દીઠ 0.15 છે, જે અમેરિકામાં 3.97 અને બ્રિટનમાં 6.65 હોવાનું એક વિદેશી સમાચાર સંસ્થાએ નોંધ્યું છે.

સાજા થનારા કેસનું વધતું પ્રમાણ અને ઓછા મૃત્યુ દરનુંઓછું પ્રમાણ કુલ સંક્રમિત કેસના કુલ પ્રમાણથી આગળ નીકળ્યું છે. ત્રણ મહિનામાં આ સારી ઘટના પ્રથમ વાર બની છે.  કોરોનાના સંક્રમિત કેસની સંખ્યા સાત લાખને અને તેના કારણે મૃત્યુ પામનારાની સંખ્યા 20,000 પાર થઇ હોવા છતાં તેનો વૃદ્ધિ દર સપાટ બની રહ્યો છે અને તેની સાથે લોકડાઉનના નિયંત્રણો હળવા થવા છતાં દેશમાં આર્થિક વિકાસ મે અને જૂન માસમાં પુન? નવપલ્લવિત થઇ રહ્યો છે, એવો અહેવાલ નાણાં મંત્રાલયે આપ્યો છે. કોરોનાની સારવાર માટે બહેતર સુવિધા વિકસી અને સાવચેતીના પગલાં લેવાયા તેનું આ પરિણામ હોવાનું મંત્રાલયે કહ્યું છે. બીજા શબ્દોમાં, સરકારને શ્વાસ ખાવાનો સમય મળ્યો છે જેનો સદુપયોગ આર્થિક વિકાસને સંગઠિત કરવા માટે થઇ શકશે.