ભાજપ સરકારની અયોગ્ય નીતિના કારણે ખેડૂત, ખેતીને ગામડા પાયમાલ : શ્રી ધાનાણી

  • સત્તાના મદમાં ભાન ભુલેલ ભાજપ સરકારે તાત્કાલિક ખેડૂતોની મદદે આવવું જોઈએ
  • વીમાકંપની અને ભાજપની સાંઠગાંઠના કારણે ખેડૂતોના 25 હજાર કરોડ રૂપિયા લૂંટાયા : શ્રી ધાનાણી

અમરેલી,
અપ્રમાણસર વરસાદથી થયેલ નુકસાન અંગે આજરોજ ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતાશ્રી પરેશ ધાનાણીએ જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ટીનમસ, કેશોદ તાલુકાના બામણાસા, સરોડ, અખોદર, બાલાગામ, માંગરોળ તાલુકાના ઓસા ઘેડ તેમજ માળિયા હાટીના તાલુકાના ગડુ ગામોની મુલાકાત લીધી હતી અને ખેડૂતોને થયેલ નુકસાનની માહિતી મેળવીને ખેડુતોને વેદના સાંભળી હતી.
શ્રી ધાનાણીએ જણાવ્યું હતું કે, આજે જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ટીનમસ ગામે રોડ કાંઠે છગનબાપાના ખેતરની મુલાકાત લીધી હતી. છગનબાપા 10 વિઘાના ખાતેદાર ખેડૂત છે. તેઓ તાણી તુંસીને મોંઘા ભાવનું મગફળીનું બિયારણ લાવ્યા. 1700થી 2500 રૂપિયાના મણ ભાવે દાણા મળતા હતા. મોંઘા ભાવનું બિયારણ, ખાતર, દવા, ખેડ, મજુરી આ બધું થયા પછી આજે 4 સપ્ટેમ્બરના રોજ ખેતરના પડામાં ઉભા છીએ ત્યારે મગફળી જ્યાં એક ખાંડી એટલે 20 મણ ઉતારો આવવાની અપેક્ષા હતી તેના બદલે બિયારણના પૈસા પણ પાછા મળે તેમ નથી તેવી સ્થિતિ છે. અરે બિયારણ તો એકતરફ રહ્યું ઢોરના મોઢે પાલો પણ નહીં થાય એવી લીલા દુકાળની પરિસ્થિતિનો વિસ્તારના લોકો સામનો કરી રહ્યા છે. જ્યાં સોયાબીનનો 15-17-20 મણનો ઉતારો થવાની ગણતરી હતી, ત્યાં આજે સામે છોડ છે, પરંતુ ખેતરના સારામાં સારા છોડમાં એક સીંગનો દાણો દેખાતો નથી. મારો જગતનો તાત કરશે શું ? આજે રાજ્યમાં ભાજપ સરકારની નીતિના કારણે ખેડૂત, ખેતી અને ગામડા પાયમાલ થઈ ગયા છે. વીમા કંપની અને ભાજપની સાંઠગાંઠના કારણે ખેડૂતોના અંદાજીત 25 હજાર કરોડ રૂપિયા લૂંટાયા છે. ભાજપની ખેડૂત વિરોધી નીતિ અને કુદરત રૂઠતા ખેડૂતો દેવાના બોજ તળે દબાઈ ગયા છે.
શ્રી ધાનાણીએ જણાવ્યું હતું કે, જગતનો તાત જીવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. ગુજરાતમાં ગામેગામ ખેડૂતના દીકરા એવા છગનબાપાની આંખમાંથી આંસુ વહી રહ્યા છે. એક તરફ સરકાર સત્તાના મદમાં ભાન ભુલી લોકોની સમસ્યાઓની અનદેખી કરી રહી છે. બીજી બાજુ જગતનો તાત ઉછીના વ્યાજે રૂપિયા લાવી મોંઘા ખાતરણ, બિયારણ દવા લાવીને વાવેતર કરેલ, કુદરત પાસે અપેક્ષા હતી કે 16 આની વરસ થશે તો જીવનના બે છેડા ભેગા થશે. કમનસીબે કુદરત પણ આજે કોપાયમાન થઈ છે. જુનાગઢ જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં 162% કરતાં વધુ વરસાદ થયો છે.
ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત જ્યાં જુઓ ત્યાં વરસાદે તબાહી બચાવી છે અને અંદાજીત 25 હજાર કરોડ રૂપિયા ખાતર, બિયારણ, દવા, ખેડ, પાણી અને મજુરીમાં ખેડૂતોના તણાઈ ગયા છે ત્યારે સત્તાના મદમાં ભાન ભુલેલ ભાજપ સરકારે તાત્કાલિક ખેડૂતોની મદદે આવવું જોઈએ તેવી માંગણી શ્રી ધાનાણીએ કરી હતી.