ભાજપ સરકારે ગુજરાતમાં અનેક કામો કર્યા એમાં પાણીપ્રશ્ન બાકી છે

નરેન્દ્ર મોદીએ રવિવારે પહેલી વાર “મન કી બાત’માં ફરી એક વાર જળસંચયનો મુદ્દો ઉખેળ્યો. મોદી સાહેબ જ્ઞાનનો ભંડાર છે ને દરેક મુદ્દે આપણને જ્ઞાન પિરસ્યા કરે છે. મન કી બાત’માં મોદી સાહેબે પોતાનો જ્ઞાનનો ભંડાર ખુલ્લો મુકીને આત્મનિર્ભર ભારતની વાત માંડી તો સાથે સાથે વિજ્ઞાનનું મહત્ત્વ સમજીને તેને લોકપ્રિય બનાવવાની હાકલ પણ કરી નાંખી. થોડા સમયમાં પરીક્ષાઓ શરૂ થશે તેથી શિક્ષકો ને વાલીઓને પરીક્ષા પે ચર્ચા માટે નોંતરી દીધાં ને કોરોના સામે લડવામાં ઢીલા ના પડતા એવી સૂફિયાણી સલાહ પણ આપી દીધી. ટૂંકમા મોદી સાહેબે “મન કી બાત’ના જ્ઞાનસત્રમાં ઢગલાબંધ મુદ્દા આવરી લીધા પણ તેમા જળસંયચનો મુદ્દો વધારે મહત્ત્વનો છે કેમ કે જળ જીવન છે ને જળ હશે તો આપણે જીવીશું, બાકી રામ રામ.
મોદીએ લોકોને જળસંયચનું મહત્ત્વ સમજીને ચોમાસાના આગમન પહેલાં તમામ જળાશયોને સાફ કરવા માટે સો દિવસનું અભિયાન છેડવા હાકલ કરી નાંખી. ચોમાસામાં વરસાદ શરૂ થાય એ પહેલાં વરસાદી પાણીના સંગ્રહ માટે જળાશયોને સાફ કરી નાંખવાની હાકલ કરીને મોદીએ સલાહ પણ આપી દીધી કે, આપણે બધાંએ સમજવું પડશે કે જળસંચયએ એકલી સરકારની નહીં પણ તમામ લોકોની સામૂહિક જવાબદારી છે. જળસંયય મુદ્દે મોદીએ લોકોને દિલ ખોલીને જ્ઞાન આપ્યું. જળસંચયના મહત્ત્વથી માંડીને જળસંયચ કઈ રીતે કરવું ત્યાં સુધીની વાતો તેમણે “મન કી બાત’ કાર્યક્રમમાં આવરી લીધી. કેન્દ્ર સરકારનું જળશક્તિ મંત્રાલય “કેચ ધ રેઈન’ અભિયાન શરૂ કરવાનું છે તેની પણ વાત કરી ને ચોમાસામાં પાણી ના સાચવ્યું તો પછી કેવી તકલીફ પડશે તેની વાત પણ કરી નાંખી. ટૂંકમાં મોદી સાહેબની વાતનો સાર એ છે કે, લોકોએ જાતે જ પાણીનો સંગ્રહ કરવા માટે મથવું પડશે ને સરકારના ભરોસે ના બેસી રહેતા.
રસપ્રદ વાત એ છે કે, મોદી 2019માં બીજી વાર વડા પ્રધાન બન્યા પછી તેમણે પહેલી વાર મન કી બાત’ કરી ત્યારે જળસંયચનો મુદ્દો છેડેલો. મોદી વડા પ્રધાન બન્યા ત્યારે ઉનાળો આવી ગયેલો ને દેશભમાં પાણીના કકળાટ મચેલો હતો. એ વખતે મોદીએ દેશમાં પાણીની સ્થિતિ ગંભીર છે એ કબૂલીને લોકોને ત્રણ વિનંતી કરી હતી. પહેલી વિનંતી સ્વચ્છતા અભિયાનની જેમ દેશમાં જળસંયચ અભિયાન શરૂ કરવાની કરી હતી. બીજી વિનંતી જળસંચય માટે પરંપરાગત રીતે જે પદ્ધતિઓ અપનાવાતી હતી તેનું જ્ઞાન બીજાં લોકો સુધી પહોંચાડવાની કરી હતી. ત્રીજી વિનંતી તેમણે દેશમાં જળસંચય માટે કામ કરતાં લોકો અને સંસ્થાઓનાં નામ લોકો સુધી પહોંચાડવાની કરી કે જેથી એક ડેટાબેઝ તૈયાર કરી શકાય. પોતાની સરકારે અલગ જળશક્તિ મંત્રાલય ઊભું કર્યું છે ત્યારે તેનો લાભ લેવાની વિનંતી કરીને મોદીએ જળસંચયને એક દેશવ્યાપી અભિયાનમાં ફેરવી દેવાની અપીલ લોકોને કરી હતી. મોદીએ એ વખતે નિખાલસતાથી કબૂલાત કરી હતી કે, આપણે ત્યાં પડતા વરસાદમાંથી માત્ર 8 ટકા વરસાદી પાણી જ આપણે સંગ્રહી શકીએ છીએ અને આ પ્રમાણ વધારવું જોઈએ. લગભગ પોણા બે વર્ષ પછી પણ તેમણે એ જ વાત કરી છે.
મોદીનો મુદ્દો સાચો છે પણ માત્ર જ્ઞાન પિરસવાથી કશું થતુ નથી. એ જ્ઞાનને વાસ્તવિકતામાં ફેરવવું પડે તો જ લોકોને ફાયદો થાય ને હકીકત એ છે કે, વાસ્તવિક રીતે તેમની સરકાર જ એવું કશું કરતી નથી કે જેના કારણે જળસંચય મોરચે કશું થતું હોય. આ સ્થિતિ માત્ર રાષ્ટ્રીય સ્તરે છે એવું નથી. મોદી ગુજરાતમાં 13 વર્ષ મુખ્યમંત્રી રહ્યા ને એ પછી પણ ગુજરાતમાં પાણીનો કકળાટ છે જ. ગુજરાતમાં કેશુભાઈ પટેલના શાસનને ગણતરીમા ન લઈએ તો પણ 2002ની સાલથી મોદી યુગ છે. મોદીના શાસનનાં 13 વર્ષ ને આનંદીબેન પટેલ તથા વિજય રૂપાણીનાં સાત વર્ષ ગણો તો 20 વર્ષથી મોદી યુગનું ભાજપ શાસન ચલાવે છે છતાં દર વરસે પાણીનો કકળાટ થાય જ છે. આ 20 વર્ષમાં મોદી સહિતના ગુજરાતના શાસકો ગુજરાતમાં એવી સ્થિતિ સર્જી નથી શક્યા કે પાણીના મામલે ગુજરાત પાણીદાર બને.
આ વીસ વર્ષમાં મોટા બંધ ના બન્યા કે પાણીનો સંગ્રહ કરી શકાય એવી સ્થિતિ ના સર્જી શક્યા તેમાં હજુય વરસાદ સારો પડે તેના પર જ નિર્ભર રહેવું પડે છે ને દર વર્ષે વરસાદ સારો પડે એની પ્રાર્થનાઓ કરવી પડે છે ને ભીખ માગવી પડે છે. રૂપાણી સહિતના તમામ ભાજપના શાસકો પણ પાણીના મામલે તો પાણી વિનાના જ સાબિત થયા તેમાં આ બધી મોકાણ છે. મોદી જળસંચય માટે જળાશયો સાફ કરવા માટેનું 100 દિવસનું અભિયાન છેડવાની વાત કરે છે એવાં અભિયાન પણ ગુજરાતમાં બહુ થયાં છે. ગુજરાત સરકારે 2018માં જ વરસાદી આફતને પહોંચી વળાય ને વરસાદી પાણી વેડફાઈ ના જાય એટલે મોટા ઉપાડે જળસંચય અભિયાન હાથ ધરેલું. ગુજરાતમાં ઉનાળો શરૂ થાય એ પહેલાંથી પાણીનો કકળાટ શરૂ થઈ જાય છે ને પાણી પૂરું નહી પડે તેના ભણકારા વાગવા માંડે છે. સરકાર કશું કરતી નથી ને પાણીનો કકળાટ વધે પછી પોતે સાવ હાથ પર હાથ મૂકીને બેસી નથી રહ્યા એ બતાવવા સરકારી રાહે અભિયાન શરૂ કરી દે છે.
રૂપાણી સરકારે આ રીતે જ 2018માં જળસંચય અભિયાન શરૂ કરેલું. જળસંયચ અભિયાન હેઠળ વિજય રૂપાણી સરકારે આખા ગુજરાતમાં જળાશયો ઊંડા કરવાનાં કામ શરૂ કરાવ્યાં હતાં. મોદી જે વાત કરે છે એ જ પ્રકારનું અભિયાન રૂપાણી સરકારે છેડેલું. એ વખતે એવો દાવો કરાયેલો કે, જળાશયો ઊંડા કરાશે તો તેના કારણે ભવિષ્યમાં ફાયદો થશે ને વરસાદી પાણી સચવાશે. રૂપાણી સરકારે પણ એ જ કર્યું ને હઈસો હઈસો કરીને બધા મચી પડેલા. તેના કારણે એવો માહોલ પેદા કરી દેવાયેલો કે આ વખતે ચોમાસામાં કંઈ વાંધો નહીં આવે ને વરસાદી પાણી બધું જળાશયોમાં સચવાશે. ને ખરેખર અઢળક ભંડાર તો ભરાયા છે.
રાજ્ય સરકાર પ્રમાણે જિલ્લા તંત્ર કામ ન કરતા હોવાનો અનુભવ છે. ગયા ચોમાસે એવું જ થયું હતું. તો પણ વરસાદ શરૂ થયો ત્યાં જ હાલત બગડવા માંડી હતી. પાણીના સંગ્રહ માટે અસરકારક વ્યવસ્થા ઊભી જ નહોતી કરાઈ ને તેમાં ક્યાંય જળબંબાકરા થઈ ગયું ને ક્યાંક બધું કોરૂધાકોર રહી ગયું. જિલ્લાઓનું સરકારી તંત્ર હાથ ખંખેરીને બેસી ગયું ને લોકો ભગવાન ભરોસે જીવતાં થઈ ગયાં હતાં. જળસંચય અભિયાનના નામે કરોડો રૂપિયાનું આંધણ કરીને ગુજરાત ઠેરનું ઠેર રહ્યું ને લોકોની હાલતમાં એક ટકો પણ ફરક ના પડ્યો. આ જળસંયચ અભિયાન પછી ગયા વરસે પાણીનો કકળાટ રહ્યો જ ને અત્યારે ઉનાળો આવ્યો એ પહેલાં તો કકળાટ શરૂ થઈ જ ગયો છે. ટૂંકમા સરકારી રાહે થતાં અભિયાનોથી કશો ફરક પડતો નથી.
આપણે ત્યાં સરકાર જે કામ હાથ ધરે એ બધાં સરકારી રાહે જ ચાલતાં હોય છે ને તેમાં પૈસા ચવાઈ જવા સિવાય કશું થતું નથી. કાગળ પર બધું રૂડુંરૂપાળું બતાવી દેવાનું ને આંકડાની માયાજાળ રચી દેવાની, બાકી રામ રામ. જળસંચય અભિયાનમાં પણ એવું જ થયું તેમાં ત્રણ વરસ પછી પણ ગુજરાતમાં સ્થિતિ સુધરી નથી.
ગુજરાતની વાત એટલે કરી કેમ કે ભાજપ ગુજરાત મોડલની વાત કરે છે. ગુજરાતમાં જોરદાર વિકાસ થયો એ રીતે દેશનો વિકાસ કરીશું એવી વાતો કરે છે. ગુજરાતમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો થયો, ભરતીઓમાં ભ્રષ્ટાચાર બંધ થયો ને પારદર્શક ભરતી થવા માંડી એ સહિતનાં સારાં પરિણામ મળ્યાં છે પણ પાણીને મોરચે સ્થિતિ એ જ છે. મોદીએ મુખ્યમંત્રી બન્યા પછી પહેલા પાચં વર્ષમાં પંચશક્તિની વાતો કરેલી ને તેમાં જળશક્તિ એક હતી. એ માટે મોદીએ પ્રયત્નો પણ કરેલા પણ તેના કારણે સ્થિતિ બદલાઈ નથી એ વાસ્તવિકતા છે.
લોકોએ આ વાસ્તવિકતા સમજવાની જરૂર છે ને જળસંચય માટે સરકારના ભરોસે બેસી રહેવાના બદલે પોતે જ આગળ આવવું પડશે. સરકાર કે સત્તાધીશો ભલું નહી કરે એ વાત સમજવાની જરૂર છે. જળ નહીં રહે તો આપણે બધાં પતી જઈશું એ વાત લોકો સમજે એ જરૂરી છે. આ સમજ કેળવીને સરકારી રાહે ચાલતાં અભિયાનો પર નિર્ભર રહેવાના બદલે સમસ્યાનો કાયમી નિવેડો આવે એ પોતે પગલાં લેવાં પડે, સામૂહિક શક્તિ બતાવીને પોતે જ બધું કરવું પડે. રાજ્યોની રાજધાનીઓ કે દિલ્હીમાં બેઠેલા લોકોથી કશું થવાનું નથી. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને ધંધે લગાડીને લોકોએ આ સમસ્યા ઉકેલવી પડે ને એ જ રસ્તો છે.