ભાડુઆતો પાસેથી મકાનમાલિકો એક મહિના સુધી ભાડું માંગી શકશે નહીં

અમરેલી,
હાલ સમગ્ર વિશ્વ કોરોના સામે જંગ ખેલી રહ્યું છે. ત્યારે અમરેલી કલેકટરશ્રી આયુષ ઓક દ્વારા નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005 હેઠળ જાહેરનામું બહાર પાડી કેટલાક પ્રતિબંધાત્મક આદેશો જારી કર્યા છે. જિલ્લામાં કોરોના વાયરસનું સંક્રમણ ન ફેલાય તે માટે કોઈપણ વ્યક્તિએ બિનજરૂરી રીતે ઘરની બહાર ન નીકળવું કે જિલ્લાની સરહદ ક્રોસ કરવી નહીં તેમજ લોકડાઉનનું ચુસ્તપણે પાલન કરવું. જિલ્લા વિસ્તારમાં કોઈ મકાન માલિક તેમના મકાનમાં ભાડે રહેતા કામદારો, શ્રમિકો અને વિદ્યાર્થીઓને તેમની ભાડાવાળી જગ્યા છોડવાનું કહી શકશે નહીં. તેમજ જિલ્લા વિસ્તારમાં મજૂરો, સ્થળાંતર થયેલ લોકો સહિત જે લોકો ભાડેથી રહે છે, તેમના મકાનમાલિકોએ એક મહિના સુધી ભાડું માંગવાનું રહેશે નહીં. ઉપરાંત કોઈપણ ઉદ્યોગ વ્યાપારિક કે વાણિજ્યિક સંસ્થા, દુકાન, કોન્ટ્રાક્ટર તેમના શ્રમિકોને બળજબરીપૂર્વક તેમના કામના રહેઠાણના સ્થળને છોડવાનું કહી શકશે નહીં, ઉપરાંત લોકડાઉન સમયે ઉદ્યોગ-ધંધા બંધ રહ્યા હોય તો પણ શ્રમિકોને કામના સ્થળે નિયત થયેલ મહેનતાણું નિયત થયેલ તારીખે જ કોઈપણ પ્રકારના કપાત વગર પૂરેપૂરું ચૂકવવાનું રહેશે.