ભારતના આર્થિક પાટનગર મુંબઈની હાલત હજુય લોકડાઉન જેવી જ છે

મુંબઈ ભારતનું આર્થિક પાટનગર છે, પરંતુ મુંબઈનો ધબકાર હમણાં અટકી ગયો છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની સરકારે સમગ્ર મુંબઈમાં બજારો ચાલુ કરવા માટે જે એકાંતરાનો નવો ચીલો ચાલુ કર્યો છે એને કારણે પ્રજાની જરૂરિયાતો અને બજારો વચ્ચેનો તાલમેલ હજુ મળ્યો નથી. ઉપરાંત આનુષંગિક સેવાઓમાં પણ અનેક પ્રકારના પ્રતિબંધો છે. એટલે જે રીતે ગુજરાતમાં વ્યાપાર અને વાણિજ્ય એક સાથે જ ધબકતા થયા એવું હજી સુધી મુંબઈમાં શક્ય બન્યું નથી. આવનારા દિવસોમાં હાલની છૂટછાટમાં કઈ વધારો થાય એવી કોઈ શક્યતા નથી. એ વાત તો વારંવાર કહેવામાં આવી છે કે ભારતમાં મુંબઈ અને દિલ્હી કોરોના કેસમાં સૌથી વધુ આગળ નીકળી જવાના છે અને ત્યાં વધુ વિકટ પરિસ્થિતિ ઊભી થવાની છે.

પરંતુ જે રીતે દિલ્હીમાં કેજરીવાલ સરકારે પરિસ્થિતિ અંકુશમાં લીધી એવું ને એટલું કામ ઉદ્ધવ આણિ મંડળી કરી શકે એમ નથી. મુંબઈની ચોપાટીની હવા જે વ્યક્તિ એકવાર શ્વાસમાં લે છે એને જિંદગીની સફળતાની રેસમાં ઊતરવાનો જે ચસકો ચડે છે એ તો એવો અજાયબ હોય છે કે પછી એ દોડ જીવનભર રહે છે અને વ્યક્તિ એક પછી એક નવા કીર્તિમાન સ્થાપતો જ રહે છે ને કદી થાકતો નથી. પરંતુ અત્યારનું મુંબઈ સૂમસામ દેખાય છે. અહીં કોઈને ક્યાંયથી કોઈ જ પ્રકારની પ્રેરણા મળે એમ નથી. વાતાવરણ બહુ બોઝિલ બની ગયું છે.

મહારાષ્ટ્રમાં લોકડાઉન જૂન માસમાં હળવું કરવામાં આવ્યા તે પછીની દુકાનોને ફરીથી શરૂ કરવાને લગતી ત્યાંની રાજ્ય સરકારની નીતિ અવ્યવહારુ અને ધંધો કરવાની સુગમતાને સ્થાને તે અગવડતા વધારનારી છે. વેપારીઓની રાજ્યના 781 વેપારી સંગઠનોનું પ્રતિનિધિત્વ કરતા ફેડરેશન ઓફ એસોસિએશન્સ ઓફ મહારાષ્ટ્ર (ફામ)એ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે સમક્ષ સોમવારથી શનિવાર સુધી દુકાનો ખોલવા દેવાની રજુઆત કરી છે. મોટા દાવાઓ છતાં રાજ્યમાં અને ખાસ કરીને મુંબઈમાં કોરોના અંકુશમાં આવતો હોવાના ચિન્હો નથી ત્યારે સરકારની દ્વિધા સમજી શકાય છે કે મોટા પાયે વેપારી પ્રવૃત્તિને શરૂ કરવાની પરવાનગી કેવી રીતે આપી શકાય !  પરંતુ  તહેવારો થોડા દિવસોમાં શરૂ થઇ રહ્યા છે ત્યારે સરકારે આ  બાબત વાસ્તવિકતાની ભૂમિકા ઉપર નિર્ણય લેવો જોઈએ.

દુકાનો ફરી શરૂ કરવાની નીતિમાં મહારાષ્ટ્ર સરકાર દ્વારા થઇ રહેલા અખતરાથી વેપારીઓની અકળામણ વધી છે. લોકડાઉન એપ્રિલ અને મે મહિનામાં રહ્યા પછી ઉદ્ધવ સરકારે અંકુશો હળવા કરવાની શરૂઆત દારૂની દુકાનોને શરતો સાથે ફરી શરૂ કરવાથી આપી. બે મહિના દરમ્યાન ‘તરસ્યા’ લોકોએ એટલો ધસારો કર્યો કે તેમાં કોરોનાના પ્રસારને અટકાવવાની મુખ્ય શરત એવા સામાજિક સંસર્ગ ટાળવાના નિયમોના લીરા ઉડ્યા હતા. ઉદ્ધવ સરકારનો હેતુ લોકડાઉન દરમ્યાન થયેલા આર્થિક નુકસાનને દારૂના વેચાણ દ્વારા મળનારી કરઆવકથી સરભર કરી લેવાનો હતો. કમનસીબે, કપડાં કે સ્ટેશનરીની દુકાનોને બદલે દારૂની દુકાનોને પરવાનગી આપવામાં સરકારનો ખોટો અગ્રતાક્રમ દેખાઈ આવ્યો.

તે પછી જે અંકુશો હળવા કરાયા તેમાં કન્ટેનમેન્ટ ઝોનમાં હોય નહીં તેવી દુકાનોને સપ્તાહમાં ત્રણ દિવસ સાંજે પાંચ વાગ્યા સુધી એકાંતરે શરૂ કરવાની પરવાનગી આપવામાં આવી. આ મહિનાથી સરકારે માર્કેટ પ્લેસમાં આવતા મુંબઈના જથાબંધ અને છૂટક કાપડ બજારોની 33 ટકા દુકાનો એકાંતરે શરૂ કરવાની પરવાનગી આપી પણ હજી સુધી આઠથી દસ ટકા દુકાનો જ ખુલી છે. આગળ જતા પણ વધુ પ્રમાણમાં દુકાનો ખુલે તેવી વેપારીઓને આશા નથી. મુખ્ય કારણ લોકલ ટ્રેન સેવા હજી બંધ હોવાનું છે. આ ઉપરાંત, અન્ય કારણ તરીકે કાપડના ઉત્પાદનથી વેચાણ સુધીની- ટ્રાન્સપોર્ટ, આંગડિયા જેવી સંલગ્ન સેવાઓની શૃંખલા હજી ખોરવાયેલી હોવાનું પણ ખરું. સરકારે દુકાનો શરૂ કરવાની પરવાનગી સાથે સંલગ્ન સેવાની પણ મંજૂરી આપવી જોઈએ. કાપડ બજારો  ખુલી પણ કાપડ મિલો, પ્રોસાસિંગ હાઉસીસને પરવાનગી અપાય નહીં ત્યાં સુધી ધંધો વધી શકે નહીં.

રાજ્યના કેટલાક શહેરોમાં સપ્તાહમાં ત્રણથી પાંચ દિવસ દુકાનો ખોલવાની સરકારે પરવાનગી આપી છે. બાકીના દિવસોમાં લોકો ઘરે હોય ત્યારે સત્તાવાળાને કોરોના સંક્રમણના કેસનું પગેરું મેળવવાનું સુગમ બને તે આશય છે, પણ મહારાષ્ટ્રમાં વધી રહેલા કેસની સંખ્યા સૂચવે છે કે આ હેતુ સિદ્ધ થયો નથી. અત્યારે એકાંતરે અને સાંજે પાંચ વાગ્યા સુધી દુકાનો ખુલી રહેતી હોવાથી વેપારીઓને ધંધો ઓછો મળે છે અને પગાર, લાઈટ બીલના જેવા ખર્ચ તો ચાલુ જ છે. રાજ્યમાં કોરોનાનો કહેર વ્યાપક હોવાથી ગ્રાહકો ડરેલા છે ત્યારે તેમને દુકાનો સુધી લાવવાનું મુશ્કેલ છે. તેમને ઓન-લાઇન ખરીદીથી ફરીથી દુકાનો અને સ્ટોર્સ તરફ લાવવામાં સરકારનો સહયોગ આવશ્યક છે. સરકાર દુકાનો શરૂ કરવાની વ્યવહારુ નીતિ નહીં અપનાવે તો વેપાર-ધંધાને લાંબા ગાળાનું નુકસાન થશે, જેવું મુંબઈની કાપડ મિલોને લાંબો સમય ચાલેલી હડતાળને કારણે થયું હતું. વેપાર અને રોજગાર મહારાષ્ટ્રમાંથી બહાર જતા રોકવા માટે ઉદ્ધવ સરકારે વ્યવહારુ નીતિ અપનાવવી પડશે.

મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ અહીં જનમાનસની માનસિકતા અને વેપારીઓના હિતો સમજવા જરૂરી છે. બે મહિનાના લોકડાઉન દરમ્યાન અને હવે અંકુશો હળવા  બની રહ્યા છે ત્યારે યુવાઓ અને જેઓ કામ કરી શકતા હોય તેવા વરિષ્ઠ ઘરેથી કામ કરી રહ્યા છે. ઘરેથી કામ કરવાની શારીરિક અને માનસિક સમસ્યાઓ હોય છે. આ સમસ્યા વધી છે તેની નોંધ સરકારે લેવી જોઈએ. મુંબઈના કાપડ બજારોની વાત કરીએ તો જેઓ કડેધડે હોય વરિષ્ઠ વેપારીઓને પણ અત્યારે ફરજીયાત ઘરે બેસવાનો વારો આવ્યો છે. આ બરાબર નથી એટલે ઠાકરેની ટીકા થઈ રહી છે. નવી વાસ્તવિકતા (ન્યુ નોર્મલ)માં વર્ક ફ્રોમ હોમનું ક્લચર વિકસ્યું હોય અને ગ્રાહકો પણ ઓનલાઇન ખરીદી તરફ વધુ વળ્યાં હોય તો પણ તે દુકાનો-સ્ટોર્સમાં જઈને ખરીદી કરવાની પ્રણાલીનો તે વિકલ્પ બની શકે નહીં. ઓનલાઇન અને અૉફલાઇન વેપારના પાસા વિષે વિવાદ ચાલતો રહેશે પણ અહીં સરકારની ફરજ છે કે તે લોકડાઉનના બે મહિના દરમ્યાન અને તે પછીના બે મહિનામાં જનમાનસ અને ધંધાકીય પ્રવૃત્તિની સમસ્યાઓ સમજીને નિર્ણય લે.

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન આ મહિનાના અંતે લોકડાઉન વિશેનો નિર્ણય કરે ત્યારે પણ કેન્દ્ર સરકાર દ્વારા મુંબઈની લાઈફલાઈન એવી લોકલ ટ્રેન સેવા શરૂ કરવાની મર્યાદિત પરવાનગી અપાય તેવી સંભાવના નથી. ટ્રેન અને જાહેર પરિવહન સેવામાં સંચાર વેગવાન બને નહીં ત્યાં સુધી દુકાનોમાં ઘરાકી મોટા પાયે વધી શકે નહીં એ ખરું પણ હોટેલ-રેસ્ટોરાં અને થિયેટરો સામાજિક સંસર્ગ ટાળવાના નિયમોના પાલન સાથે ફરી શરૂ કરવાની પરવાનગી તો મુખ્ય પ્રધાન આપી  શકે. સરકારે આ માંગણી વિચારી પણ નથી.

એકાંતરે દુકાનો શરૂ કરવા દેવાનો સરકારનો અખતરો નિષ્ફ્ળ ગયો છે ત્યારે ‘ફામ’ની માંગણી મુજબ સરકાર સાત દિવસ દુકાનો ખોલવાની પરવાનગી આપે તો વેપારીઓનો સ્થાનિક ધંધો અને સાથે વિશ્વાસ પણ વધી શકે. ગ્રાહકો પણ દુકાન ખુલી હોય તો જ પગથિયું ચડે. જ્યાં સુધી મુંબઈની આંતરિક રેલવે સેવાઓ ચાલુ થાય નહિ ત્યાં સુધી અસલ મુંબઈ ફરી સજીવન થાય એમ નથી. કોરોનાના સતત વધતા જતા કેસને કારણે લોકલ ટ્રેન ચાલુ કરવાનું જોખમ સરકાર ઉઠાવી શકે એમ નથી. ઉપરાંત ટ્રેનમાં કે રેલવે સ્ટેશન પર સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય એવી સંભાવના જ નથી. એ વાત તંત્ર વાહકો સારી રીતે જાણે છે.