ભારતના નવા રાષ્ટ્રપતિને પ્રજાની એટલી જ અપીલ કે આપ રબર સ્ટેમ્પ ના બનશો

દેશના બંધારણીય વડા મનાતા રાષ્ટ્રપતિપદ માટેની ચૂંટણીમાં ભાજપનાં દ્રૌપદી મુર્મૂનો ધારણા પ્રમાણે સરળતાથી વિજય થઈ ગયો. ભાજપ વિરોધી પક્ષોએ ભાજપ છોડીને મમતા બેનરજીની તૃણમૂલ કૉંગ્રેસમાં ગયેલા ભૂતપૂર્વ કેન્દ્રીય નાણાં અને વિદેશ મંત્રી યશવંત સિંહાને ઉમેદવાર બનાવ્યા હતા. ભાજપે ઝારખંડનાં ભૂતપૂર્વ રાજ્યપાલ એવા મૂળ ઓડિશાનાં આદિવાસી મહિલા નેતા દ્રૌપદી મુર્મૂની પસંદગી કરી હતી.
ઓડિશાના નવીન પટનાઈકે એનડીએને ટેકો આપવો પડે એવી સ્થિતિ પેદા કરી દીધી હતી કેમ કે દ્રૌપદી મૂળ ઓડિશાનાં છે. નવીન પટનાઈકે ટેકો આપતાં જ બીજા રાજકીય પક્ષોની લાઈ લાગી ગઈ. નવીનના પગલે વાયએસઆર કૉંગ્રેસના જગનમોહન રેડ્ડી અને બસપાનાં માયાવતી પણ દ્રૌપદીને ટેકો જાહેર કરી દેતાં દ્રૌપદીનું પલ્લું નમી ગયું હતું. બાકી હતું તે શિવસેના પણ ભાજપની પંગતમાં બેસતાં મુર્મૂનો વિજય નક્કી થઈ ગયેલો.

ઈલેક્ટોરલ કૉલેજમાં કુલ ૧૦,૭૯,૩૯૪ મત છે તેથી બહુમતી માટે ૫,૩૯,૬૯૮ મત જોઈએ. ભાજપ પાસે ૫,૨૫, ૮૯૩ મત હતા જ્યારે વિરોધમાં ૫,૫૩, ૧૨૨ મત છે. ભાજપ વિરોધી મતોમાં કૉંગ્રેસના નેતૃત્વ હેઠળના યુપીએના ૨,૫૯, ૨૯૦ જ્યારે બીજા વિપક્ષોના ૨,૯૩,૮૩૨ મત છે. ભાજપને સ્પષ્ટ બહુમતીમાં ૧૩,૮૦૫ મત ખૂટતા હતા પણ નવીન પટનાઈક, જગનમોહન રેડ્ડી, માયાવતી. શિવસેનાના ટેકાના કારણે તેના કરતાં અનેક ગણા વધારે મત દ્રૌપદીને મળશે એ નક્કી હતું ને એવું જ થયું છે. દ્રૌપદી વિક્રમસર્જક સરસાઈથી જીત્યાં છે અને ઈતિહાસ રચી દીધો છે. દ્રૌપદી મુર્મૂના રૂપમાં દેશને પ્રતિભા પાટિલ પછી બીજા મહિલા અને પહેલાં આદિવાસી રાષ્ટ્રપતિ મળ્યાં છે.

દ્રૌપદી મુર્મૂની જીતથી ભારતમાં એક નવો અધ્યાય લખાયો છે કેમ કે દ્રૌપદી સાવ સામાન્ય અને છેવાડાના મનાતા સંથાલ આદિવાસી પરિવારમાંથી આવે છે. ઓડિશાનો સંથાલ આદિવાસી સમુદાય આજેય આદિમાનવોના જમાનામાં જીવે છે કેમ કે વિકાસ જ થયો નથી. જે સમાજ વિકાસથી સાવ વંચિત રહ્યો છે એ સમાજમાંથી કોઈ મહિલા આગળ આવે એ જ મોટી વાત કહેવાય ત્યારે દ્રૌપદી તો રાષ્ટ્રપતિ બન્યાં છે તેથી આ સિદ્ધિ બહુ મોટી છે. દ્રૌપદી મુર્મૂ આ દેશનાં કરોડો ગરીબ લોકો માટે રોલ મોડલ પણ છે. દ્રૌપદી બહુ સંઘર્ષ કરીને ભણ્યાં છે કેમ કે દ્રૌપદી એ જમાનાનાં છે કે જ્યારે ઝારખંડ બિહારનો હિસ્સો હતો. બિહારમાં શિક્ષણની શું સ્થિતિ છે એ કહેવાની જરૂર નથી. રાજકારણમાં આવ્યાં એ પહેલાં દ્રૌપદી શિક્ષિકા હતાં. થોડો સમય શિક્ષણ કાર્ય કર્યા, દ્રૌપદી પછી ઓડિશાના સિંચાઈ વિભાગમાં આસિસ્ટન્ટ તરીકે જોડાયાં હતાં ને પછી રાજકારણમાં આવી ગયાં.

દ્રૌપદીએ નગરપાલિકામાં કાઉન્સિલર તરીકે રાજકીય કારકિર્દી શરૂ કર્યા પછી ભાજપની ટિકિટ પર રાજરંગપુર વિધાનસભા બેઠક પરથી ૨૦૦૪ અને ૨૦૦૯માં બે વાર ચૂંટાયાં હતાં. દ્રૌપદીએ ઓડિશામાં ભાજપ આદિવાસી મોરચાના પ્રમુખ તરીકે ભાજપને મજબૂત બનાવવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું છે. એ રીતે દ્રૌપદીનો લોકો સાથે જીવંત સંપર્ક રહ્યો છે. ભાજપ અને બીજેડીનું જોડાણ હતું ત્યારે દ્રૌપદી ઓડિશાની નવીન પટનાઈક સરકારમાં મંત્રી પણ રહ્યાં છે એ વખતે પણ તેમની કામગીરી સરાહનીય હતી. ૨૦૧૪માં હારી ગયાં પછી મોદીએ ૨૦૧૬માં તેમને ઝારખંડનાં રાજ્યપાલ બનાવ્યાં હતાં.
દ્રૌપદી મુર્મૂએ અંગત જિંદગીમાં પણ ભારે સંઘર્ષ કર્યો છે. તેમના પતિ શ્યામચરણ મુર્મૂનું નાની વયે જ કાર્ડિયાક એરેસ્ટના કારણે મોત થતાં દ્રૌપદીએ બે પુત્ર અને એક દીકરીના ઉછેરની જવાબદારી એકલા હાથે ઉપાડી છે. તેમના એક દીકરાનું ૨૦૦૯માં રહસ્યમય સંજોગોમાં મોત થયું જ્યારે ૨૦૧૨માં બીજો દીકરો પણ અકસ્માતમાં ગુજરી જતાં તેમણે અંગત જીવનમાં પણ ભારે તકલીફો વેઠી છે.આ તકલીફો સામે વેઠીને દેશના સર્વોચ્ચ હોદ્દા પર બેસવાની લાયકાત કેળવીને દ્રૌપદી રોલ મૉડલ સાબિત થયાં છે.

દ્રૌપદી રાષ્ટ્રપતિ બનતાં ભારતની લોકશાહીની એક ગૌરવપ્રદ ખાસિયત ફરી છતી થઈ છે. આ દેશની લોકશાહીની ખાસિયત એ છે કે, કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના, કોઈ પણ વ્યક્તિ સર્વોચ્ચ હોદ્દા પર પહોંચી શકે છે.દ્રૌપદીના કિસ્સામાં બીજી એક વાત પણ નોંધવા જેવી છે. દ્રૌપદી મુર્મૂ ૨૦૧૭માં ભાજપનાં રાષ્ટ્રપતિપદનાં ઉમેદવાર બનવા માટે પ્રબળ દાવેદાર માનવામાં આવતાં હતાં પણ મોદીએ દલિત નેતા રામનાથ કોવિંદની પસંદગી કરતાં દ્રૌપદીને તક નહોતી મળી. દ્રૌપદીના મોં લગી આવેલો કોળિયો છિનવાઈ ગયો તેનાથી હતાશ થયા વિના મુર્મૂ લોકો માટે કામ કરતાં રહ્યાં. તેના કારણે જ હવે પાંચ વર્ષ પછી મોદીએ તેમને ફરી તક આપી, આ તક પણ એવી કે જેમાં તેમની જીત પાકી હતી.
દ્રૌપદી મુર્મૂ દેશનાં રાષ્ટ્રપતિ બન્યાં તેના કારણે દેશનું ગૌરવ ચોક્કસ વધ્યું છે. હવે દ્રૌપદી મુર્મૂ દેશના સર્વોચ્ચ બંધારણીય હોદ્દાનું ગૌરવ વધારે એવી આશા રાખીએ. ભારતમાં રાષ્ટ્રપતિનો હોદ્દો બંધારણીય રીતે ભલે સર્વોચ્ચ મનાતો હોય પણ રાજકીય રીતે બહુ મહત્વનો નથી. આઝાદ ભારતના ઈતિહાસમાં ઘણા એવા પ્રસંગો આવ્યા કે જ્યારે રાષ્ટ્રપતિનું પોતાનું રાજકીય વજન છે એ સાબિત કરવાની તક આવી હોય પણ મોટા ભાગના રાષ્ટ્રપતિ એ તક ઝડપીને પોતાનું ગૌરવ જાળવવામાં નિષ્ફળ ગયા છે.

દેશના બંધારણીય વડા અને દેશના લશ્કરના વડા તરીકે રાષ્ટ્રપતિના હોદ્દાનું પોતાનું ગૌરવ છે તેનો ઈનકાર ન થઈ શકે પણ મોટા ભાગના રાષ્ટ્રપતિ સત્તાધારી પાર્ટીની કઠપૂતળી બનીને વર્ત્યા છે. પોતાનું અલગ અસ્તિત્વ છે, પોતે દેશનાં બંધારણીય વડા છે તેનો અહેસાસ બહુ ઓછા રાષ્ટ્રપતિએ કરાવ્યો. તેના કારણે રાષ્ટ્રપતિનો હોદ્દો શોભાના ગાંઠિયા જેવો બની ગયો છે. દ્રૌપદી મુર્મૂ આ હોદ્દાનું ગૌરવ ફરી સ્થાપિત કરે, રાષ્ટ્રપતિ રબ્બર સ્ટેમ્પ નથી એવું પુરવાર કરે એવી આશા રાખીએ. આ દેશમાં રાષ્ટ્રપતિ ધારે તો ઘણું કરી શકે તેમ છે. પોતાની વગનો ઉપયોગ કરીને સરકારને પણ ઘણું કરવાની ફરજ પાડી શકે છે. માત્ર સરકારી કાર્યક્રમોમાં હાજર રહીને શોભાના ગાંઠિયાની જેમ વર્તવાના બદલે રાષ્ટ્રપતિ દેશના નિર્માણમાં યોગદાન આપી શકે છે. કમનસીબે આ દેશને આ બધું કરી શકે એવા કોઈ રાષ્ટ્રપતિ ના મળ્યા. દ્રૌપદી મેડમ એ મહેણું પણ ભાંગશે એવી આશા રાખીએ.