ભારતના યુવાઓની સામે ઓસ્ટ્રેલિયાના યંગસ્ટર હજુ પ્રાઇમરી સ્કૂલમાં છે : ચેપલ

ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ સુકાની ઇયાન ચેપલે કાંગારુ ટીમના યુવા ખેલાડીઓની આકરી ઝાટકણી કાઢીને જણાવ્યું હતું કે ભારતના યુવા ખેલાડીઓની સરખામણીમાં ઓસ્ટ્રેલિયાના યંગ પ્લેયર્સ હજુ પણ પ્રાઇમરી સ્કૂલમાં છે. ભારતે સુકાની વિરાટ કોહલી, મોહમ્મદ શમી જેવા સ્ટાર ખેલાડીઓ વિના પણ બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ઓસ્ટ્રેલિયાને તેના જ ઘરઆંગણે ૨-૧થી પરાજય આપ્યો છે. ચેપલનું માનવું છે કે ભારતીય ક્રિકેટ બોર્ડની મજબૂત ડોમેસ્ટિક ફોર્મેટના કારણે આ સંભવ બન્યું છે. ચેપલે જણાવ્યું હતું કે ભારતના યુવાઓ જેમની પાસે કુલ ૨૦થી ૨૫ ટેસ્ટનો અનુભવ હોવા છતાં તેમની સામે અમારા યંગ ક્રિકેટર્સ નબળા યોદ્ધા સાબિત થયા છે.

ભારતના આ એવા યુવા ખેલાડીઓ છે જેમને અંડર-૧૬થી જ કપરી પરિસ્થિતિ સામે ઝઝૂમવાનું શીખવવામાં આવે છે. વિલ પુકોવસ્કી અને કેમરુન ગ્રીન અનુભવના મામલે હજુ પણ પ્રાઇમરી સ્કૂલમાં જ છે. નોંધનીય છે કે ઇયાન ચેપલે જ ટેસ્ટ શ્રેણી શરૂ થઈ તે પહેલાં યુવા ક્રિકેટર ગ્રીનની ભરપૂર પ્રશંસા કરીને તેને રિકી પોન્ટિંગ પછીનો સૌથી વધારે પ્રતિભાશાળી ખેલાડી તરીકે વર્ણવ્યો હતો. ઓસ્ટ્રેલિયન બોર્ડની પણ ચેપલે આકરી ઝાટકણી કાઢી હતી. ચેપલે બીસીસીઆઇ સાથે ઓસ્ટ્રેલિયન બોર્ડની સરખામણી કરીને જણાવ્યું હતું કે ઇલેક્ટ્રિક કારના જમાનામાં ઓસ્ટ્રેલિયન બોર્ડ હજુ પણ ૧૯૬૦ના મોડેલ તૈયાર કરી રહૃાું છે.

બીસીસીઆઇ પોતાના ખેલાડીઓ ઉપર કરોડો ડોલરનો ખર્ચ કરે છે. શેફિલ્ડ શિલ્ડ માટે ઓસ્ટ્રેલિયન બોર્ડનું યોગદાન ૪૪ મિલિયન ડોલર જ રહૃાું છે. જો ટેસ્ટ ક્રિકેટમાં નંબર-૧ ટીમ રહેવું હોય તથા અન્ય ટીમો ઉપર ધાક જમાવવી હોય તો ઓસ્ટ્રેલિયાએ આ પ્રકારના અંતરને દૂર કરવું પડશે. ભારતના યુવા ટીમોની સ્કિલ તથા તેમનું ટેલેન્ટ લેવલ ઓસ્ટ્રેલિયાની ફર્સ્ટ ક્લાસ ટીમોને પણ શરમાવે તેવું છે. ભારત પાસે ૩૮ ફર્સ્ટ ક્લાસ ટીમો છે જેનાથી તમને ખેલાડીઓના ટેલેન્ટનો પરચો મળી શકે તેમ છે.