ઉત્તર પ્રદેશમાં સરેરાશ સાંઈઠ ટકા જેટલું મતદાન પ્રથમ તબક્કે પૂરું થયું છે. કોરોનાના ભય વચ્ચે પણ આ મતદાન ઓછું ન કહેવાય. યુપીની પ્રજા ફુલટાઈમ રાજકારણી છે. ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીમાં પહેલા તબક્કાના મતદાન પહેલાં એટલે કે બુધવારે રાત્રે 8 વાગ્યે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક રસપ્રદ ઈન્ટરવ્યૂ દેશની બધી ટીવી ચેનલો પર પ્રસારિત કરાયો. આ ઈન્ટરવ્યૂમાં મોદી સાહેબે ઉત્તર પ્રદેશની ચૂંટણી વિશે બહુ બધી વાતો કરી ને સૌથી લંબાણપૂર્વક વાત પરિવારવાદની કરી. મોદી “વંશવાદી પાર્ટીઓ’ને પરિવારવાદની વાતો પહેલાં પણ કરી ચૂક્યાં છે તેથી વિષય નવો નથી પણ નિશાન ચોક્કસ નવું હતું. અત્યાર સુધી મોદી કોંગ્રેસના પરિવારવાદની વાતો કરતા હતા ને નહેરૂ-ગાંધી ખાનદાનને માથે માછલાં ધોતા હતા. આ વખતે તેમના નિશાન પર સમાજવાદી પાર્ટી અને રાષ્ટ્રીય લોકદળ એ બે પ્રાદેશિક પાર્ટી હતી. ઉત્તર પ્રદેશમાં સક્રિય આ બંને પાર્ટીને નિશાન બનાવીને મોદીએ પરિવારવાદ દેશ માટે કેમ ખતરનાક છે તેની વાત માંડી દીધી.
સમાજવાદી પાર્ટી મુલાયમસિંહ યાદવ પરિવારની બાપીકી પેઢી જ છે જ્યારે રાષ્ટ્રીય લોકદળ ચૌધરી ચરણસિંહના પરિવારની પેઢી છે. સમાજવાદી પાર્ટીની સ્થાપના મુલાયમસિંહ યાદવે કરેલી અને હવે તેમનો દીકરો અખિલેશ સપાનો કર્તાહર્તા છે. રાષ્ટ્રીય લોકદળની સ્થાપના હાલના પ્રમુખ જયંત ચૌધરીના પિતા અજીતસિંહે કરેલી પણ તેનાં મૂળ અજીતસિંહના પિતા ને જયંતના દાદા ચૌધરી ચરણસિંહની પાર્ટી લોકદળમાં છે. ઉત્તર પ્રદેશમાં અખિલેશ અને જયંતે હાથ મિલાવ્યા છે. યુપીમાં ભાજપ ફરી જીતીને સરકાર રચવા માગે છે તેમાં અખિલેશ-જયંત મુખ્ય અવરોધ છે તેથી મોદીએ પરિવારવાદના નામે બંનેને બરાબરના લઈ પાડ્યા. મોદીનું કહેવું છે કે, પરિવારવાદ લોકશાહી માટે ખતરારૂપ છે તેથી લોકોએ પરિવારવાદ ચલાવતી પાર્ટીઓને લાત મારીને તગેડી મૂકવી જોઈએ.
મોદીએ પોતાની પારાયણમાં પરિવારવાદની વ્યાખ્યા પણ નક્કી કરી આપી. તેમના કહેવા પ્રમાણે, કોઈ એક પરિવારમાંથી બે લોકો ધારાસભા કે સંસદમાં ચૂંટાય તો એ પરિવારવાદ ન કહેવાય પણ કોઈ પાર્ટી પર એકજ પરિવાર કબજો કરીને બેસી જાય એ પરિવારવાદ કહેવાય. પોતાની વાતને સમજાવવા મોદીએ સમાજવાદી પાર્ટીનું ઉદાહરણ પણ આપ્યું. સમાજવાદી પાર્ટીમાં એક સમયે 45 લોકો જુદા જુદા હોદ્દા પર બેઠેલા હતાં ને એક પરિવાર જ ચડી બેઠેલો એવું તેમણે ઉદાહરણ પણ આપ્યું. આ રીતે પરિવારવાદથી ચાલતી પાર્ટી સત્તામાં આવે તો પરિવારનાં લોકો જ મોટા હોદ્દા વહેંચી લે ને બીજા કોઈને તક જ ન મળે એવું પણ મોદીએ કહ્યું. દેશમાં પંજાબ, ઝારખંડ, જમ્મુ અને કાશ્મીર વગેરે રાજ્યોમાં પરિવારવાદથી ચાલતી પાર્ટીઓના કારણે વિકાસ જ ન થયો એવો દાવો પણ તેમણે કર્યો.
મોદીની આ વાતો સાથે સહમત નહીં થવા માટે કોઈ કારણ નથી. પરિવારવાદ લોકશાહી માટે ખરેખર ખતરનાક છે તેમાં બેમત નથી. પરિવારવાદના કારણે લાયકાત ધરાવતા લોકોને તક ન મળે ને પરિવાર પોતાનાં હિતો સાચવવા ગમે તે હદે જાય એ આપણે ઘણા બધા કિસ્સામાં જોયું જ છે. પરિવારવાદ કે વંશવાદ ચલાવતી પાર્ટીઓના બીજા પણ ગેરફાયદા છે. મોદીએ એ ન ગણાવ્યા પણ પરિવારવાદ દેશના ફાયદામાં નથી જ એવી મોદીની વાત સાથે સહમત થવું જ પડે પણ સવાલ એ છે કે, મોદી જે જ્ઞાન લોકોને પિરસે છે તેનો અમલ પોતે કેમ કરતા નથી ? પરિવારવાદ દેશ માટે ખતરનાક હોય તો એવા પરિવારવાદને પોષતા પક્ષોથી ભાજપને કેમ દૂર નથી કરી દેતા? સત્તા માટે પરિવારવાદને પોષતા પક્ષોને કેમ મહત્ત્વ આપે છે? મોદી પોતે આટલું જ્ઞાન ધરાવે છે, દેશ માટે શું ખતરનાક છે એ સમજે છે છતાં અત્યાર સુધી કેમ પરિવારવાદને પોષતા રહ્યા છે. યુપીમાં અન્ય પક્ષોમાં અપના દળ (સોનેલાલ) અને નિષાદ પાર્ટી મોદીની વ્યાખ્યા પ્રમાણેની હળાહળ પરિવારવાદી પાર્ટી જ છે.
અપના દળ (સોનેલાલ)નાં કર્તાહર્તા પટેલ છે ને અનુપ્રિયા હળાહળ વંશવાદી રાજકારણની પેદાશ છે. અનુપ્રિયા ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરમાંથી સાંસદ તરીકે ચૂંટાયાં છે ને મોદી સરકારમાં મંત્રી પણ છે. અપના દલની સ્થાપના અનુપ્રિયાના પિતા સોનેલાલ પટેલે 1996 માં કરી હતી. સોનેલાલ કાંશીરામની નજીક હતા. કાંશીરામ સાથે મળીને તેમણે બહુજન સમાજ પાર્ટી સ્થાપેલી. કાંશીરામની તબિયત લથડી ને માયાવતી બસપા પર ચડી બેઠાં પછી સોનેલાલે અપના દળ બનાવીને નવો ચોકો રચેલો. સોનેલાલે પણ બીજા પ્રાદેશિક પક્ષોની જેમ વંશવાદને પોષ્યો છે. 2009માં સોનેલાલ ગુજરી ગયા ત્યાં સુધીમાં તેમણે પોતાની બંને દીકરી અનુપ્રિયા અને પલ્લવીને રાજકારણમાં લાવી દીધેલાં. તેમનાં પત્ની કૃષ્ણા પટેલ તો અપના દળમાં સોનેલાલ પછી નંબર ટુ જ હતાં.
સોનેલાલ ગુજરી ગયા પછી કૃષ્ણા પટેલ પ્રમુખ બનેલાં ને છેક 2016 સુધી આખો પરિવાર એક હતો. એ પછી સોનેલાલની દીકરીઓ અનુપ્રિયા અને પલ્લવી વચ્ચે ઝઘડો થતાં અપના દળમાં ભંગાણ પડ્યું હતું. અનુપ્રિયા અને તેમના પતિ આશિષ પટેલે અપના દળ (સોનેલાલ) રચ્યો જ્યારે માતા ક્રૃષ્ણા પલ્લવી સાથે રહ્યાં ને અપના દળ (કામેરવાદી)ની સ્થાપના કરી. અપના દલ (કામેરવાદી)માં કૃષ્ણા પટેલ, દીકરી પલ્લવી અને જમાઈ પંકજ નિરંજનનું વર્ચસ્વ છે. અનુપ્રિયા ભાજપ સાથે છે ને મોદીએ તેમને બે વાર મંત્રી બનાવ્યાં છે. અનુપ્રિયા હળાહળ પરિવારવાદ ચલાવે છે. અપના દળની જેમ નિષાદ પાર્ટી પણ પરિવારવાદ પર ચાલતી પાર્ટી છે. સંજય નિષાદે સ્થાપેલી પાર્ટી પર સંજય અને તેમના દીકરા પ્રવિણ કુમાર નિષાદનું વર્ચસ્વ છે. બંને બાપીકી પેઢીની જેમ જ આ પાર્ટીનો કારભાર ચલાવે છે.
જયંત ચૌધરીના પરિવારવાદ સામે વાંધો છે પણ મજાની વાત એ છે કે, જયંત ચૌધરીને મનાવવા વિવિધ નેતાઓએ જયંતના પગોમાં આળોટવાનું જ બાકી રાખ્યું છે. પરિવારવાદમાં બધાંના બાપ સાબિત થયેલા રામવિલાસ પાસવાનને વરસો સુધી દિલ્હીના રાજનેતાઓએ પોષ્યા ને હવે તેમના ભાઈ પશુપતિ પારસને પોષી જ રહ્યા છે. પારસ લોક જનશક્તિ પાર્ટી (એલજેપી)ના નેતા છે. રામવિલાસ પાસવાન જીવતા હતા ત્યાં સુધી પાર્ટી પર રામવિલાસ પાસવાનનું એકચક્રી શાસન હતું. પાસવાને સાવ બેશરમ બનીને પરિવારવાદ ચલાવીને આખા પરિવારને રાજકારણમાં લાવીને મહત્વના હોદ્દા અપાવેલા. પાસવાને પોતાના પુત્ર ચિરાગ પાસવાનને એલજેપીનો પ્રમુખ અને લોકસભામાં એલજેપીનો નેતા બનાવી દીધેલો. પાસવાનની આંગળી પકડીને તેમના ભાઈઓ પશુપતિનાશ પારસ અને રામચંદ્ર પાસવાન સાંસદ બની ગયેલા. રામવિલાસ પાસવાનનો ભત્રીજો પ્રિન્સ પાસવાન સાંસદ છે. પ્રિન્સ રાજ ચિરાગના કાકા રામચંદ્ર પાસવાનનો પુત્ર છે ને સમસ્તીપુરનો સાંસદ છે.
પાસવાન જીવતા હતા ત્યારે એલજેપીના છ સાંસદમાંથી ત્રણ સાંસદ પાસવાન પરિવારના જ હતા. રામવિલાસ પાસવાન પોતે રાજ્યસભાના સભ્ય હતા એ જોતાં પાસવાન પરિવારમાંથી ચાર-ચાર લોકો સંસદમાં હતા. રામવિલાસ તો મોદી સરકારમાં મંત્રી હતા.