ભારતના શ્રેષ્ઠ ક્રિકેટર અને એક મહાન કેપ્ટન તરીકે ધોની હજુ સૌનો લાડકો છે

અંતે મહેન્દ્રસિંહ ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી. ધોનીએ નિવૃત્તિ લેવી જોઈએ કે ન લેવી જોઈએ એ ચર્ચા લોકડાઉન પહેલાં જોરશોરથી ચાલતી હતી. લોકડાઉનના કારણે ક્રિકેટ જ બંધ થઈ ગયું છે તેથી ક્રિકેટરોની વાતો પણ બંધ હતી. આ કારણે ધોનીની નિવૃત્તિની ચર્ચા પણ કોઈ કરતું નહોતું ત્યાં અચાનક જ સ્વાતંત્ર્ય દિને ધોનીએ ધડાકો કરીને ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંકેલો કરી નાખ્યો. ધોની ટેસ્ટમાંથી પહેલાં જ વિદાય લઈ ચૂક્યો છે ને હવે એ ટી-20 અને વન ડે મેચમાં પણ નહીં રમે. આઈપીએલમાં રમશે તેથી ધોની સાવ આઉટ ઓફ એક્શન નહીં થાય પણ આઈપીએલ વરસના બે મહિના રમાય છે તેથી એ વખતે ધોનીને રમતો જોવાનો સંતોષ લેવો પડશે.

ધોનીની વિદાય સાથે ભારતીય ક્રિકેટનો એક યુગ પૂરો થયો છે. ધોની નિ:શંકપણે ભારતીય ક્રિકેટના મહાનતમ ક્રિકેટરોમાં સ્થાન પામે. ભારતીય ક્રિકેટમાં જેમને ગર્વથી યાદ કરાય ને જેમના નામે એક આખો યુગ લખાઈ ગયો હોય એવા ક્રિકેટરો બહુ ઓછા આવ્યા. ક્રિકેટમાં એ ટીમ તાકાતવાન ગણાય છે કે જે બીજા દેશની ધરતી પર જઈને ફતેહના ઝંડા રોપે. ભારતીય ક્રિકેટમાં બહુ ઓછા ખેલાડી એવા આવ્યા કે જે આ માપદંડમાં ફિટ બેસતા હોય. સુનિલ ગાવસકર, કપિલદેવ, ભગવત ચંદ્રશેખર, અનિલ કુમ્બલે, સચિન તેંડુલકર જેવા ગણતરીના ક્રિકેટરો આ કેટેગરીમાં આવે ને ધોનીને આ કેટેગરીમાં ગણવો જ પડે એટલું મોટું તેનું યોગદાન છે.

ધોનીના ભારતીય ક્રિકેટમાં યોગદાન વિશે લખવા બેસો એ સૂરજ સામે દીવો ધરવા જેવું કહેવાય. ધોનીની કેરિયરની વાત કરો એટલે કેપ્ટન તરીકે તેની કામગીરીની વાત કરવી જ પડે કેમ કે ધોની તેની કારકિર્દીમાં મોટા ભાગનો સમય ભારતીય ટીમનો કેપ્ટન જ રહ્યો. ધોનીની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એન્ટ્રી 2004 માં થઈ ને 2007 માં તો એ ભારતનો કેપ્ટન બની ગયેલો. ધોનીએ ક્રિકેટર તરીકે પોતાની તાકાત પહેલાં જ સાબિત કરી દીધેલી ને તેના જોરે જ એ કેપ્ટન બનેલો પણ 2007ના ટી-20 વર્લ્ડ કપમાં જીત અપાવીને ધોનીએ ધમાકો કર્યો પછી તેની અસલી કારકિર્દી શરૂ થઈ. ધોનીની ક્રિકેટર તરીકેની કારકિર્દીના મોટા ભાગના માઈલસ્ટોન્સ પણ એ કેપ્ટન હતો ત્યારના છે તેથી ક્રિકેટર ધોનીની વાત કરો ત્યારે કેપ્ટન ધોનીને યાદ કરવો જ પડે.

ધોની નિ:શંકપણે ભારતીય ક્રિકેટ ઈતિહાસમાં પેદા થયેલા મહાનતમ કેપ્ટન્સમાંથી એક છે. ધોનીએ ભારતને જેટલી મોટી ટુર્નામેન્ટ્સમાં જીતાડી એટલી ટુર્નામેન્ટ બીજો કોઈ કેપ્ટન ભારતને નથી જીતાડી શક્યો. કેપ્ટન તરીકે તો ધોનીનો રેકોર્ડ એટલો જબરદસ્ત છે કે તેને વિશ્વના શ્રેષ્ઠ કેપ્ટન્સમાં પણ ગણતરીમાં લેવો પડે. ધોની વિશ્વનો એક માત્ર એવો કેપ્ટન છે કે જેણે ભારતને વન ડે વર્લ્ડકપ અને ટી -20 વર્લ્ડકપ બંને જીતાડ્યા હોય. મિનિ વર્લ્ડકપ ગણાતી ચેમ્પિયન્સ ટ્રોફી પણ ભારત ધોનીના નેતૃત્વમાં જીત્યું છે. ભારતનો કોઈ કેપ્ટન આ રેકોર્ડની બરાબરી કરી શકશે કે કેમ તેમાં શંકા છે. ધોનીએ ભારતને ટેસ્ટ ચેમ્પિયનશિપ પણ અપાવી છે એ જોતાં કોઈ એવી મોટી ટુર્નામેન્ટ નથી કે જે ધોનીના નેતૃત્વમાં ભારત ન જીત્યું હોય.

ધોની પોતાની ક્રિકેટ કારકિર્દીમાં અનેક યાદગાર મેચો રમ્યો ને ભારતને અકલ્પનિય જીત અપાવી પણ તેની કારકિર્દીનો પણ પીક પોઈન્ટ એટલે કે સર્વોચ્ચ શિખર 2011ના વર્લ્ડકપની ફાઈનલ છે. એ ફાઈનલમાં કેપ્ટન તરીકેની ધોનીની ભૂમિકા લગભગ સમાપ્ત થઈ ગઈ હતી ને એક ક્રિકેટર, એક બેટ્સમેન તરીકે ધોનીએ જે ઈનિંગ્સ રમી એવી ઈનિંગ્સ ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં બહુ ઓછી જોવા મળી છે. કપિલદેવે 1983ના વર્લ્ડકપમાં ઝિમ્બાબ્વે સામે 175 રન ફટકારી એકલા ઈનિગ્સને બીજો નંબર આપવો જ પડે. સચિને શારજાહમાં ઓસ્ટ્રેલિયા સામે રમેલી બે ઈનિંગ્સ ને 2003ના વર્લ્ડકપમાં પાકિસ્તાન સામે રમેલી ઈનિંગ્સ કે પછી મોહમ્મદ કૈફે નેટવેસ્ટ ટ્રોફીની ફાઈનલમાં રમેલી ઈનિંગ્સ ધોનીની ઈનિંગ્સની તોલે ઊભી રહી શકે, બાકી બીજા કોઈનું ગજું નહીં. ધોનીની ઈનિંગ્સ મહત્તાની એટલે કહેવાય કે વર્લ્ડ કપ ફાઈનલમાં આ ઈનિંગ્સ રમેલો.

શ્રીલંકાએ ફાઈનલમાં 50 ઓવરમાં 6 વિકેટે 274 રનનો સ્કોર ખડકેલો. ભારતની શરૂઆત ખરાબ હતી ને સચિન તેંડુલકર તથા વિરેન્દ્ર સેહવાગ 31 રનના સ્કોરે તો આઉટ થઈ ગયેલા. ગૌતમ ગંભીરે મોરચો સંભાળીને જે બેટિંગ કરી એ જોઈને આજેય ગર્વ થાય. વિરાટ કોહલી 22મી ઓવરમાં 35 રને આઉટ થયો ત્યારે ભારતે જીતવા 161 રન કરવાના હતા ને લોકો નિરાશ થઈ ગયેલા. એ વખતે ધોની પોતે બેટિંગ કરવા ઊતર્યો ત્યારે ઘણાંએ ધોનીને ગાળો આપેલી કેમ કે યુવરાજ જબરદસ્ત ફોર્મમાં હતો છતાં ધોની પહેલાં બેટિંગમાં આવી ગયેલો.

ધોનીએ એ બધી ગાળોને ખોટી પાડી ને તેણે ગંભીર સાથે જે બેટિંગ કરી તેને વખાણવા આજેય શબ્દો નથી મળતા. ફાઈનલની એ બેટિંગ ધોનીના ચમત્કારની ચરમસીમા ને અકલ્પનિય હતી. ન ભૂતો ન ભવિષ્યતિ ધોનીએ ગૌતમ ગંભીર સાથે મળીને શ્રીલંકાના જડબામાંથી વિજય આંચકી લઈ ભારતને ચેમ્પિયન બનાવ્યું. કુલસેકરાની ઓવરમાં સિક્સર ફટકારીને ધોનીએ સ્ટાઈલમાં ભારતને ચેમ્પિયન બનાવ્યું. એ શોટ ધોનીનો ટ્રેડમાર્ક શોટ બની ગયો છે. આજેય ટીવી પર એ શોટ જોઈને ભારતીય તરીકે ગર્વથી છાતી ફૂલે. ધોનીએ 79 બોલમાં 8 ચોગ્ગા ને 2 સિક્સર સાથે 91 રન ફટકારીને લંકાની પથારી ફેરવી નાખેલી. ભારતે 1983માં કપિલદેવના નેતૃત્વમાં વર્લ્ડકપ વિજય મેળવ્યો પછી છેક 28 વર્ષે ભારત ફરી વર્લ્ડ ચેમ્પિયન બન્યું ને આ વિજયનો એક હીરો ધોની પણ હતો.

2011 ની ફાઈનલ લોકોના માનસમાં જડાઈ ગયેલી છે તેથી તેની વાત કરી, બાકી ધોનીના નામે આવી તો ઘણી ઈનિંગ્સ બોલે છે. ભારતીય ક્રિકેટમાં બેસ્ટ ફિનિશર તરીકે ધોનીની ગણતરી અમથી નથી થતી. ધોેનીના આગમન પહેલાં રોબિન સિંઘ આ ભૂમિકા અસરકારક રીતે ભજવતો. ગ્રેગ ચેપલે ભારતીય ક્રિકેટનું નખ્ખોદ વાળ્યું તેમાં રોબિન સિંઘની કારકિર્દીને ગ્રહણ લાગી ગયું પણ રોબિન પણ આપણે સાવ હારી ગયા હોઈએ એવી ઘણી મેચો ખેંચી લાવેલો.

ધોની રોબિન સિંઘ કરતાં વધારે લાંબું રમ્યો ને વધારે પ્રભાવ સાથે રમ્યો. 2011 ની વર્લ્ડકપ જીત પહેલાં ને પછી પણ ધોની ઘણી મેચો રમ્યો ને જોરદાર બેટિંગ કરી છે. છેલ્લે ઈંગ્લેન્ડમાં રમાયેલા વર્લ્ડકપમાં ધોનીએ પોતાની તાકાતનો પરચો આપેલો. ન્યૂઝીલેન્ડ સામે સેમી ફાઈનલમાં 239 રનનો સ્કોર ચેઝ કરતી વખતે આપણી હાલત વખાણેલી ખિચડી દાંતે વળગે એવી થઈ ગયેલી. બહુ ચગાવાયેલા રોહિત શર્મા, વિરાટ કોહલી અને લોકેશ રાહુલ શરમજનક રીતે 5 રનના સ્કોરે આઉટ થયા તેમાં જ અડધી મેચ તો પતી ગયેલી.

આ ધબડકાને રોકીને સમજદારીથી રમવાના બદલે હીરોગીરી કરવા નીકળેલા રિષભ પંત અને હાર્દિક પંડ્યા પણ સસ્તામાં આઉટ થયા પછી ધોની અને રવિન્દ્ર જાડેજાએ મોરચો સંભાળીને ભારતને જીતના આરે લાવી દીધેલું. પહેલાં આપણે જોરદાર ધોળકું ધોળેલું તેથી રન રેટ વધતો ગયો ને તેના પ્રેશરમાં ધોની ને જાડેજા આઉટ થઈ જતાં આપણે જીતી ના શક્યા પણ ધોનીએ સાબિત તો કરી જ દીધેલું કે, એ ભાંગ્યું ભાંગ્યું તોય ભરૂચ છે. 2011ના વર્લ્ડ કપ પછી ધોની ઢીલો પડેલો એ સાચી વાત છે. પહેલાં ધોની મેદાનમાં ઊતરે ને મેચ પલટી નાખે એવી તેની જે ધાક હતી એ હવે નથી રહી એ પણ કબૂલવું પડે પણ એ છતાં એ સાવ પતી તો નહોતો જ ગયો તેનો આ પરચો હતો.

ધોનીના નામે આવાં તો ઘણાં પરાક્રમ બોલે છે ને એક આખી પેઢી ધોનીના આ પરાક્રમ જોઈને મોટી થઈ છે. ધોની એક વિકેટકીપર હતો ને લાંબો સમય સુધી વિકેટ કીપિંગ કર્યા પછી પણ જબરદસ્ત તાકાતથી બેટિંગ કરીને જીતાડતો એ વાત મોટી છે. ધોનીએ એક દાયકા કરતાં વધારે સમય સુધી આ કામ કર્યું. વિશ્વ ક્રિકેટમાં બહુ ઓછા વિકેટકીપરો આટલું લાંબું ટક્યા છે ને સતત આ રીતે રમ્યા છે. ધોની એ રીતે પણ અનોખો હતો જ.

કમનસીબે, આપણા ક્રિકેટ બોર્ડના કારભારીઓને છેલ્લાં કેટલાંક વરસોમાં ધોનીને ટીમની બહાર મૂકવાની ચળ ઉપડેલી. વિરાટ કોહલીને ધોનીને બહાર કરવાની તાલાવેલી હતી કે બીજા કોઈને ધોની નહોતો ગમતો એ ખબર નથી પણ બોર્ડ આડકતરી રીતે ઘોંચપરોણા કરીને ધોનીને જગા કરવા કહ્યા જ કરતું હતું. ધોની મચક નહોતો આપતો એટલે આ વરસના જાન્યુઆરીમાં ભારતીય ક્રિટેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ આગામી સિઝન માટે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટનું લિસ્ટ બહાર પાડ્યું તેમાં ધોનીને આઉટ જ કરી દીધેલો. કે.એલ. રાહુલ ને રિષભ પંત જેવા વારંવાર તક મળવા છતાં નહીં ચાલતા ક્રિકેટરોને બોર્ડે એ કેટેગરીનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો જ્યારે ધોનીને ગણતરીમાં જ નથી લીધો. ધોની માટે એ ઈશારો હતો ને સમજદાર કો ઈશારા કાફી હોતા હૈ. ધોનીએ એ ઈશારાને સમજીને નિવૃત્તિ લઈ લીધી એ સારું કર્યું. એ બોર્ડના લિસ્ટમાં ભલે ન રહ્યો પણ આજીવન લોકોના દિલમાં રહેશે.