ભારતના ૫૦માં CJI બન્યા જસ્ટિસ ધનંજય વાય ચંદ્રચૂડ, રાષ્ટ્રપતિએ લેવડાવ્યા શપથ

જસ્ટિસ ધનંજય વાય ચંદ્રચૂડે ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા (CJI)ના પદના શપથ લીધા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ રાષ્ટ્રપતિ ભવનમાં દૃેશના ૫૦માં સી.જે.આઇ તરીકે તેમને શપથ લેવડાવ્યા. જસ્ટિસ ચંદ્રચૂડના પિતા પણ દૃેશના સી.જે.આઇ રહી ચૂક્યા છે. તેમના પિતાનો સી.જે.આઇ તરીકેનો કાર્યકાળ લગભગ સાત વર્ષ અને ચાર મહિનાનો રહૃાો હતો. જે સુપ્રીમ કોર્ટના ઈતિહાસમાં કોઈ પણ સી.જે.આઇનો અત્યાર સુધીનો સૌથી લાંબો કાર્યકાળ છે. તેઓ ૨૨ ફેબ્રુઆરી ૧૯૭૮થી ૧૧ જુલાઈ ૧૯૮૫ સુધી સી.જે.આઇ રહૃાા હતા. જસ્ટિસ ચંદ્રચૂડ ૧૦ નવેમ્બર ૨૦૨૪થી બે વર્ષ માટે સી.જે.આઇ ના પદ પર રહેશે. તેમણે જસ્ટિસ ઉદય ઉમેશ લલિત (યુ યુ લલિત)ની જગ્યા લીધી છે. જેમણે ૧૧ ઓક્ટોબરના રોજ જસ્ટિસ ચંદ્રચૂડને પોતાના અનુગામી બનાવવા માટે ભલામણ કરી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ તેમને ૧૭ ઓક્ટોબરના રોજ આગામી સી.જે.આઇ નિયુક્ત કર્યા હતા. જસ્ટિસ ચંદ્રચૂડની વાત કરીએ તો તેઓનો જન્મ ૧૧ નવેમ્બર ૧૯૫૯ના રોજ થયો હતો. તેમને ૧૩મી મે ૨૦૧૬ના રોજ સુપ્રીમ કોર્ટના જસ્ટિસ તરીકે નિયુક્ત કરાયા હતા. તેઓ ૨૯ માર્ચ ૨૦૦૦થી ૩૧ ઓક્ટોબર ૨૦૧૩ સુધી બોમ્બે હાઈકોર્ટના ન્યાયાધીશ હતા. ત્યારબાદ તેમને અલાહાબાદ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ નિયુક્ત કરાયા હતા. દિલ્હીની સેન્ટ સ્ટીફન્સ કોલેજથી અર્થશાસ્ત્રમાં બીએ ઓનર્સ કર્યા બાદ તેમણે કેમ્પસ લો સેન્ટર, દિલ્હી યુનિવર્સિટીમાંથી એલએલબી કર્યું અને અમેરિકાની હાર્વર્ડ લો સ્કૂલમાંથી એલએલએમ તથા ન્યાયિક વિજ્ઞાનમાં ડોક્ટરેટની પદવી મેળવી. જસ્ટિસ ચંદ્રચૂડ અનેક બંધારણીય પેનલો અને ઐતિહાસિક ચુકાદા આપનારી સુપ્રીમ કોર્ટની પીઠોનો ભાગ રહૃાા છે. જેમાં અયોધ્યા ભૂમિ વિવાદ, આઈપીસીની કલમ ૩૭૭ હેઠળ સમલૈંગિક સંબંધોને અપરાધની શ્રેણીમાંથી બહાર કરવા, આધાર યોજનાની માન્યતા સંલગ્ન મામલા, સબરીમાલા મુદ્દો, સેનામાં મહિલા અધિકારીઓને કાયમી કમિશન આપવા, ભારતીય નેવીમાં મહિલા અધિકારીઓને કાયમી કમિશન આપવા જેવા નિર્ણયો સામેલ છે.