ભારતની મેન્સ ટીમે એર રાઈફલ ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો

ભારતીય મેન્સ શૂટર્સે આઈએસએસએફ વર્લ્ડ કપમાં એર રાઈફલ ઈવેન્ટમાં દેશ માટે સિલ્વર મેડલ જીત્યો છે. શૂટર ઐશ્ર્વર્યા પ્રતાપ સિંહ તોમર, દીપક કુમાર અને પંકજ કુમારે સંયુક્ત રીતે મેન્સ ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ માટેની મેચમાં અમેરિકાના લુકાસ કોઝેન્સ્કી, વિલિયમ શાનર અને ટીમોથી શેરી સામે કુલ ૧૪નો સ્કોર કર્યો હતો હતો જ્યારે ગોલ્ડ મેડલ વિજેતા ટીમનો ૧૬નો સ્કોર હતો. મેન્સ ટીમ એર રાઈફલ ઈવેન્ટમાં બીજા સ્થાને રહીને સિલ્વર મેડલ પોતાના નામે કરી લીધો છે.

બીજીતરફ વીમેન્સ ટીમમાં નિશા કંવર, શ્રિયંકા શાદાંગી અને અપૂર્વી ચંડેલાએ એર રાઈફલ ઈવેન્ટમાં ૬૨૩.૭ના સ્કોર સાથે ચોથું સ્થાન મેળ્વયું છે. આ ઈવેન્ટમાં પોલેન્ડની મહિલા ટીમે ૬૨૪.૧ના સ્કોર સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ડેનમાર્કની મહિલા ટીમે ૬૨૫.૯ના સ્કોર સાથે સિલ્વર તેમજ યુએસની મહિલા ટીમે ૬૨૭.૩ના સ્કોર સાથે ગોલ્ડ જીત્યો હતો.

ભારતીય મેન્સ ટીમે એર રાઈફલ રાઉન્ડના બીજા ક્વોલિફાયરમાં ૬૨૩.૪નો સ્કોર મેળવ્યો હતો જેમાં અમેરિકાની ટીમે ૬૨૫.૧ અને દક્ષિણ કોરિયાની ટીમે ૬૨૧.૧નો સ્કોર હાંસલ કર્યો હતો. પ્રથમ ક્વોલિફાયરમાં ભારતીય શૂટર્સની ત્રીપૂટીએ સરેરાશ ૧૮૮૫.૯ના સ્કોર સાથે મોખરાનું સ્થાન મેળવ્યું હતું જ્યારે અમેરિકાના શૂટર્સનો સ્કોર ૧૮૮૦.૩ હતો તેમજ કોરિયાનો સ્કોર ૧૮૮૦.૩ અનેઈરાનનો ૧૮૬૯.૭ હતો.