ભારતની સુપર સ્ટાર ખેલાડી સ્મૃતિ મંધાના ક્રિકેટર સૌરવ ગાંગુલીની કટ્ટર ફેન છે

યુનાઇટેડ આરબ અમિરાતમાં આ વખતે આઇપીએલનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં મંગળવારે ફાઇનલ મેચ રમાશે જેમાં મુંબઈનો મુકાબલો દિલ્હી સામે થનારો છે. જોકે સોમવારે વિમેન્સ ચેલેન્જ કપની ફાઇનલ રમાઈ હતી જેમાં મુંબઈની જ એક ક્રિકેટરની ટીમ ચેમ્પિયન બની હતી. ટ્રેલ બ્લેઝરની ટીમે સુપરનોવાઝને ૧૬ રનથી હરાવીને વિમેન્સ ટી૨૦ ચેલેન્જ કપ જીતી લીધો હતો. આ ટીમની કેપ્ટન હતી ભારતની સુપર સ્ટાર ખેલાડી સ્મૃતિ મંધાના.

મંધાનાએ આ મેચમાં ડોટિન સાથે મળીને જોરદાર પ્રારંભ કરાવ્યો હતો અને તેને કારણે જ ટ્રેલ બ્લેઝરની ટીમ ૧૧૮ રન કરી શકી હતી. હકીકતમાં આ સ્કોર ઘણો આગળ વધી શકે તેમ હતો પરંતુ ૧૧ ઓવરમાં એક વિકેટે ૭૧ રનના સ્કોર બાદ ટીમનો ધબડકો થયો હતો. મંધાનાએ માત્ર ૪૯ બોલમાં ૬૮ રન ફટકારી દીધા હતા જેમાં ત્રણ સિક્સરનો સમાવેશ થતો હતો. મંધાના આઉટ થઈ ત્યાર બાદ સ્પિનર રાધા યાદવ ત્રાટકી હતી અને તેણે પાંચ વિકેટ ખેરવી દીધી હતી. રાધાએ માત્ર ૧૬ રન આપ્યા હતા.

જોકે ૧૧૯ રનનો ટારગેટ પણ સુપરનોવાઝને ભારે પડી ગયો હતો. હરમનપ્રિત કૌરની ટીમ માત્ર ૧૦૨ રન કરી શકી હતી. ધાનાને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાઈ હતી. વિજેતા ટીમની કેપ્ટન તરીકે તેને ટ્રોફી મળી હતી. ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રમુખ સૌરવ ગાંગુલીના હસ્તે તેને ટ્રોફી મળી ત્યારે તે એકદમ ખુશ લાગતી હતી કેમ કે મંધાના બાળપણથી જ ગાંગુલીની ફેન રહી છે. એટલું જ નહીં પરંતુ પોતાની કરિયરના પ્રારંભિક તબક્કામાં મંધાના જમોડી બેટ્સમેન હતી પણ ગાંગુલીની નકલ કરતાં કરતાં તે ડાબોડી ખેલાડી બની ગઈ હતી.