ભારતનું સૌથી મોટું હોકીનું સ્ટેડિયમ રૂરકેલામાં બનશે ત્યાં ૨૦૨૩માં વિશ્વ હોકી સ્પર્ધા યોજાશે

ઓડિશાના મુખ્ય પ્રધાન નવીન પટનાઇકે ગુરુવારે જણાવ્યું હતું કે ૨૦,૦૦૦ પ્રેક્ષકનો સમાવેશ કરવાની ક્ષમતા ધરાવતું ભારતનું સૌથી મોટું હોકીનું સ્ટેડિયમ રૂરકેલામાં બનશે, એમાં ત્યાં ૨૦૨૩માં વિશ્વ હોકી સ્પર્ધા યોજાશે. વીડિયો સંદેશ દ્વારા એમણે કરેલી જાહેરાત પ્રમાણે આ સ્ટેડિયમ બીજુ પટનાઇક યુનિવર્સિટીના કેમ્પસમાં ૧૫ એકરની જમીન પર બનાવવામાં આવશે. અમે અગાઉ જણાવ્યું હતું એમ ૨૦૨૩ની પુરુષોની વિશ્વ હોકી કપ સ્પર્ધા ઓડિશામાં યોજાશે. આ ટુર્નામેન્ટ ભુવનેશ્ર્વર અને સુંદરગઢ જિલ્લાના રૂરકેલામાં યોજાશે.

રાજ્યના દિલીપ તિરકે અને સુનીતા લાકરા જેવા અનેક ખ્યાતનામ ખેલાડીએ ભારતવતી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભાગ લીધો છે. હું આ સાથે જાહેરાત કરું છું કે સુંદરગઢ તરફથી ભારતીય હોકીને યોગદાન તરીકે અમે રૂરકેલામાં ૨૦,૦૦૦ બેઠકની ક્ષમતા ધરાવતા આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્ટેડિયમ બનાવીશું. સ્ટેડિયમમાં બધી જ આધુનિક સુવિધાઓ હશે અને એ ત્યાં આવનારને એક અનેરો અહેસાસ કરાવશે. મને આશા છે કે એ સ્ટેડિયમ ફિલ્ડ હોકી માટે વિશ્વનું શ્રેષ્ઠ સ્થળ બની રહેશે.

તાજેતરમાં ઇન્ટરનેશનલ ફેડરેશન ઑફ હોકી (એફઆઇએચ), વરિષ્ઠ સરકારી અધિકારીઓ, રમતગમત અને યુવા સેવા વિભાગ અને હોકી ઇન્ડિયાના સભ્યોની એક ટીમે રૂરકેલાની મુલાકાત લીધી હતી. આ દરમિયાન એમણે પ્રતિષ્ઠિત રમતોત્સવ યોજવા માટે જરૂરી શહેરની સાધનસુવિધાઓની સમીક્ષા કરી હતી. સુંદરગઢના બધા જ ૧૭ બ્લોકમાં હોકીનું સિન્થેટિક મેદાન બનાવવાનું કામ શરૂ કરી દેવાયું છે.