ભારતને હોકીમાં ગોલ્ડ મેડલ અપાવનારા કેશવ દત્તનું ૯૫ વર્ષની વયે થયું નિધન

ભારતની સ્વતંત્રતા પછી પહેલી વખત ભારતને ઓલિમ્પિકમાં હોકીમાં ગોલ્ડ મેડલ અપાવનારા ખેલાડી કેશવ દત્તનું આજે ૯૫ વર્ષની વયે નિધન થયું છે. કેશવ દત્ત ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનારી ભારતીય હોકી ટીમના ૨ વખત ભાગ રહી ચૂક્યા હતા. કેશવ દત્ત છેલ્લા ઘણા સમયથી બીમાર હોવાથી મંગળવારે રાત્રે ૧૨.૩૦ વાગ્યે તેમનું નિધન થયું હતું. કેશવ દત્ત વર્ષ ૧૯૪૮માં લંડન રમતોમાં ભારતીય ટીમનો ભાગ હતા. જ્યાં ભારતે આઝાદૃી પછી પહેલી વખત હોકીમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેઓ હેલિંસકી ઓલિમ્પિકમાં વર્ષ ૧૯૫૨માં ગોલ્ડ મેડલ જીતનારી ભારતીય હોકી ટીમનો પણ ભાગ હતા.

હોકી ઈન્ડિયાના અધ્યક્ષ જ્ઞાનેન્દ્રો નિંગોમબમે એક નિવેદનમાં જણાવ્યું, આજે દિગ્ગજ હાફબેક કેશવ દત્તના નિધન અંગેના સમાચાર સાંભળીને ખૂબ જ દુ:ખ થયું છે. તેઓ વર્ષ ૧૯૪૮ અને ૧૯૫૨માં ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનારી ભારતીય ટીમના એકમાત્ર જીવિત સભ્યા હતા. આજે એવું લાગી રહૃાું છે કે, એક યુગનો અંત થઈ ગયો. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, અમે બધા આઝાદ ભારત માટે ઓલિમ્પિકમાં તેમની યાદગાર મેચની શાનદૃાર વાર્તાઓ સાંભળતા મોટા થયા છીએ. તેમણે દેશમાં હોકી ખેલાડીઓની પેઢીને પ્રેરિત કરી છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, હોકી ઈન્ડિયા તેમના નિધન પર શોક વ્યક્ત કરે છે અને ફેડરેશન તરફથી હું તેમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. તો પશ્ર્ચિમ બંગાળનાં મુખ્યપ્રધાન મમતા બેનરજીએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.

મમતા બેનરજીએ ટ્વિટ કરી જણાવ્યું, હોકી જગતના આજે એક વાસ્તવિક મહાન ખેલાડીને આપણે ગુમાવી દૃીધા છે. કેશવ દત્તના નિધનથી હું દુ:ખી છું. તેઓ ભારત અને બંગાળના ચેમ્પિયન હતા. તેમના પરિવાર અને મિત્રો પ્રત્યે મારી સંવેદના છે. કેશવ દત્તે વર્ષ ૧૯૫૧-૫૩ અને ૧૯૫૭-૫૮માં મોહન બાગાનની હોકી ટીમની આગેવાની કરી હતી. તેમની મોહન બાગાનની ટીમે ૧૦ વર્ષમાં હોકી લીગનો ખિતાબ ૬ વખત અને બેટન કપ ત્રણ વાર જીત્યો હતો. તેમને વર્ષ ૨૦૧૯માં મોહન બાગાન રત્નથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. જોકે, આ સન્માન મેળવનારા તેઓ પહેલા નોનફૂટબોલર હતા.